એક સમય હતો જ્યારે પત્રકારત્વનો વ્યવસાય પત્રકારને સમાજમાં એક આગવું સ્થાન અપાવતો હતો. તેની પાછળનું કારણ એ હતું કે પત્રકાર પોતાના કર્તવ્યને ધર્મ સમજીને નિભાવતો હતો. અધિકારીઓ કે પદાધિકારીઓ જ્યારે આડોડાઈ કરે, અન્યાય કરે ત્યારે એક માત્ર પત્રકાર જ પ્રજાની છેલ્લુ આશાનું કિરણ બનતો હતો. આ પત્રકારો પ્રજાના પ્રશ્ને કોઈ પણ અધિકારીઓ કે પદાધિકારીઓનો પોતાની કલમ વડે કાન આંબડી શકવાની તાકાત ધરાવતા હતા. અને તેઓ સમાજ માટે આવું કરતા પણ હતા. આમ પત્રકારો પ્રજાની ચોથી જાગીર હોવાનો ધર્મ નિભાવતા હતા. એવું બિલકુલ નથી કે હવે આવું પત્રકાત્વ રહ્યું નથી. પણ હા, દીવો લઈને ગોતવા જવું પડે તેવું રહ્યું છે.
પત્રકારના રૂપમાં રહેલા તોડબાજોને તંત્રએ અને પ્રજાએ બન્ને એ જાકારો આપવો જોઈએ,
નહિતર વ્યવસ્થા ખોરવાતા વાર નહિ લાગે
વર્તમાન સમયમાં પત્રકારત્વ સેવાના બદલે મેવાનું માધ્યમ બની ગયુ છે. આજે પીળું પત્રકારત્વ ખૂબ ફુલ્યું ફાલ્યુ છે. શેરીએ-ગલીએ મીડિયા બિલાડીના ટોપ માફક ફૂટી નીકળ્યા છે. જેઓ તોડના જ ઇરાદે સમાચારોનું કામ કરતા હોય છે. આવા પત્રકારોને તંત્રએ અને પ્રજાએ જાકારો આપવો જરૂરી બની ગયું છે. જો સ્થિતિ આવીને આવી રહેશે તો વ્યવસ્થા ખોરવાઈ જશે.
પત્રકારત્વનું વ્યવસાયિકરણ થયું ત્યાં સુધી ઠીક છે,
પણ તેને હથિયાર બનાવીને ગેરકાનૂની પ્રવૃતિઓ કરવી એ પ્રજા સાથે વિશ્વાસઘાત
સ્વાભાવિક છે કોઈ સેવા કરવા માટે ખર્ચ તો થતો જ હોય છે. પત્રકારત્વ ક્ષેત્રમાં પણ ખર્ચને પહોંચી વળવા માટે તેનું વ્યાવસાયિકરણ જરૂરી બન્યું છે. જાહેરાતની આવકથી જન જન સુધી સમાચારો પહોંચાડવાની સેવા સઘન બનાવવામાં આવે છે. હવે વાત વ્યાવસાયિકરણ સુધી ઠીક છે. પણ તેને હથિયાર બનાવીને ગેરકાનૂની પ્રવૃતિઓ કરવી એ પ્રજા સાથે વિશ્વાસઘાત કરવા સમાન છે. પત્રકાર એ લોકશાહીનો રક્ષક છે. તેને પોતાનો ધર્મ ચૂકવો ન જોઈએ.
અત્યારના સમયમાં સોશિયલ મીડિયાનો વપરાશ વધ્યો છે. ટેકનોલોજીના આ યુગમાં પત્રકારત્વએ પણ સોશિયલ મીડિયાનું આ પ્લેટફોર્મ અપનાવ્યું છે. જેથી હવે તાજા સમાચારો પ્રજાને આંગળીના ટેરવે મળી રહે છે. પણ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો જેટલો ઉપયોગ થઈ રહ્યો છે તેનાથી વધુ તેનો ગેરઉપયોગ થઈ રહ્યો છે. જેને કારણે હવે પ્રજામાં પણ વિશ્વાસનીયતા પ્રશ્ન ઉભો થયો છે. જો કે આ બાબતમાં તંત્ર પણ લાચાર બન્યું છે. આ અંગે કોઈ નીતિ નિયમો ન હોય, સોશિયલ મીડિયામાં નત-નવીન મીડિયા શરૂ થાય છે અને સેવાના નામે મેવાનો લાભ લ્યે છે. માટે હવે તંત્રએ અને પ્રજાએ જાગૃત થઈને સમાચારો પહોંચાડવાની સેવાના નામે પોતાનો સ્વાર્થ શોધતા પત્રકારત્વને જાકારો આપવો જ જોઈએ.