ટ્રાફિક અને નાગરીકોને અડચણરૂપ લારીઓ હટાવી શકાશે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ
અબતક, રાજકોટ
જાહેર રાજમાર્ગો પરથી નોનવેજ અને ઇંડાની લારીઓ હટાવવા માટે રાજકોટથી શરુ કરવામાં આવેલી ઝુંબેશને રાજયવ્યાપી સમર્થન પ્રાપ્ત થઇ રહ્યું છે. જુનાગઢ, અમદાવાદ, ભાવનગર સહીતના શહેરો દ્વારા હવે જાહેરમાં ઉભી રહેતી નોનવેજ અને ઇંડાની લારીઓ હટાવવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. ત્યારે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે ગઇકાલે આણંદ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમમાં પ્રચાર-માઘ્યમો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે નોનવેજ અને ઇંડાની લારીઓ હટાવવાનો નિર્ણય નગરપાલિકા અને મહાનગર પાલિકાનો છે લોકોને જે ખાવુ હોય તે ખાઇ શકે છે, એવું અમે સ્પષ્ટ પણે માનીએ છીએ.
આણંદ જિલ્લામાં ગઇકાલે ભાજપના સ્નેહમિલનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, રાજયમાં જાહેર માર્ગો કે રસ્તાઓ પરથી નોનવેજ અને ઇંડાની લારીઓ હટાવવાનો નિર્ણય નગરપાલિકા અને મહાનગર પાલિકા તંત્રનો છે. રાજય સરકારે સ્પષ્ટ પણે માને છે કે, નાગરીકોને જે ખોરાક ખાવો હોય તે ખાઇ શકે છે પરંતુ આવો ખાદ્ય પદાર્થ સ્વાસ્થ્યને હાનિકારક ન હોય તે જરુરી છે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, લારીઓ ટ્રાફીક કે નાગરીકોને અડચણરૂપ હશે તો તે હટાવી શકાશે.રાજમાર્ગો પરથી નોનવેજ અને ઇંડાની રેંકડીઓ હટાવવાની રાજકોટથી શરુ થયેલી ઝુંબેશને રાજયભરમાં જબરજસી સમર્થન મળી રહ્યું છે. ત્યારે આ મામલે સરકારે તથા સંગઠને જે તે સ્થાનિક સ્વરાજયની સંસ્થાના હોદેદારોને સમર્થન આપવાના બદલે પોતાના હાથ ઉંચા કરી જવાબદારી માંથી હાથ ખંખેરી રહી છે.