અબતક, શબનમ ચૌહાણ
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસકામો લોકોપયોગી બને તે માટે નહી પણ ગ્રાન્ટો વાપરવા માટે જ થતા હોય તેવું લાગે છે. ધ્રાંગધ્રા નગરપાલીકા દ્વારા વર્ષો પહેલા આર્થિક રીતે પછાત પરીવારો માટે 348 આવાસનું નિર્માણ કરવામાં આવેલ હતું.! જે તે સમયે આ મકાનોનું લોકાર્પણ કરાયું હતુ. પરંતુ બાદમાં દસકા સુધી લાભાર્થીઓને આ આવાસ ફાળવવામાં આવેલ નહોતા. બિન ઉપયોગી પડી રહેલા આવાસો ખંઢેર બનવા લાગ્યા હતા. વર્ષો સુધી વારંવાર રજુઆતો કર્યા બાદ લાઈટ – પાણીની સુવિધા વિના જ 208 જેટલા આવાસો લાભાર્થીઓને ફાળવી દેવાયા હતા..! તેથી લોકો રહેવા આવેલ નહોતા. નગરપાલીકાએ રાજય સરકાર પાસેથી 19 કરોડની ગ્રાન્ટ મેળવવા માટે તાબડતોબ આ ખંડેર જેવા મકાનો લાભાર્થીઓને ફાળવી દીધા હોવાનું મનાય છે.
આ અંગે ધ્રાંગધ્રા નગરપાલીકાના કોંગ્રેસના સુધરાઈ સભ્ય ઈમ્તીયાઝભાઈ સૈયદ જણાવે છે કે, આવાસ ફાળવણી થઈ ત્યારે લાઈટ – પાણીની સુવિધા હતી જ નહી. કુલ 348 આવાસો પૈકી 219 આવાસોની ફાળવણી થયેલ છે. 180 આવાસો (ખંડેર થઈ ગયેલ)ની ફાળવણી હજુ બાકી છે.
પાણીની લાઈનો નંખાયેલ છે. તથા લાઈટનું કામ ટુંક સમયમાં શરૂ થનાર છે. લાભાર્થીઓ કહે છે કે, વર્ષો સુધી અહીં સુવિધા વિના હાડમારી ભોગવવી પડી છે. તંત્રએ સમયસર સુવિધા આપી હોત તો રાહત મળી હોત. ધ્રાંગધ્રામાં આ આવાસોનું કામ ચર્ચાનો વિષય બનેલ છે.