અબતક – રાજકોટ
જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુની વ્યક્તિગત સમજાવટથી રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરના રૂઢિચુસ્ત નાગરિકો કોરોના વિરોધી રસી લેવા સંમત થયા હતા, અને આગેવાન નાગરિકોએ કલેકટરની ઉપસ્થિતિમાં જ કોરોના વિરોધી રસી મુકાવી હતી.
આ અભિગમના જ ભાગરૂપે કલેકટર અરૂણ મહેશ બાબુએ ધોરાજીના ઓછું રસીકરણ ધરાવતા વિસ્તારોની ખાસ મુલાકાત લીધી હતી. અને રસી લેતાં ખચકાતાં નાગરિકોને રસીકરણનું મહત્વ સમજાવી રસી લેવા માટે પ્રોત્સાહન આપ્યું હતું, જેની સચોટ અસર થઇ હતી, અને કોરોના વિરોધી રસી લેવા માટે આ નાગરિકો તરત જ સંમત થયા હતા. આગેવાન નાગરિકોએ સ્થળ પર જ કલેકટરની હાજરીમાં કોરોના વિરોધી રસી મુકાવી હતી, તથા તેમના જેવા અન્ય નાગરિકો માટે મંગળવારે રસીકરણ કેમ્પ યોજવા કલેકટર સમક્ષ દરખાસ્ત મુકી હતી.
જેને કલેકટરએ સત્વરે મંજૂરી આપી હતી અને આ કેમ્પમાં રાજ્ય તથા કેન્દ્ર સરકારની આરોગ્યલક્ષી યોજનાઓના લાભો આપવાની કામગીરી કરવાના આદેશો સંબંધિત અધિકારીઓને સ્થળ પર જ આપ્યા હતા. કલેકટરના આ ઉમદા કાર્યમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નીલેશ શાહ, મુખ્ય આરોગ્ય અધિકારી ડો. મીતેશ ભંડેરી, તાલુકા આરોગ્ય અધિકારી ડો. વાછાણી તથા આરોગ્ય વિભાગના અન્ય અધિકારીઓ સામેલ થયા હતા.