કાનપુર ખાતે 25 થી 29 નવેમ્બર રમાશે પ્રથમ ટેસ્ટ મેચ: ત્રીજી ડિસેમ્બરથી શરૂ થતી બીજી ટેસ્ટમાં વિરાટ કોહલી સુકાની તરીકે ટીમ સાથે જોડાઈ જશે: ટેસ્ટ સિરીઝમાં રોહિત શર્મા, રીષભ પંત અને જસપ્રિત બુમરાહને અપાયો આરામ
ભારતના પ્રવાસે આવી રહેલી ન્યુઝિલેન્ડની ટીમ સામે રમાનારી ટેસ્ટ શ્રેણી માટે આજે બીસીસીઆઈની સિલેકશન કમિટી દ્વારા ભારતીય ટીમની ઘોષણા કરી દેવામાં આવી છે. નિયમીત ટેસ્ટ સુકાની વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટમાં રમશે નહીં તેની જગ્યાએ ટીમ ઈન્ડિયાની સુકાની તરીકે અજિંક્ય રહાણેની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રના રન મશીન અને ટીમ ઈન્ડિયાની ધ વોલ ગણાતા ચેતેશ્ર્વર પૂજારાને પ્રમોશન આપી વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્મા, રીષભ પંત અને જસપ્રિત બુમરાહને ન્યુઝિલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે.
ભારતના પ્રવાસે આવી રહેલી ન્યુઝિલેન્ડની ટીમ ત્રણ ટી-20 મેચ રમશે અને ત્યારબાદ ભારત સામે બે ટેસ્ટ રમશે. ન્યુઝિલેન્ડના ભારત પ્રવાસનો આરંભ આગામી 17મી નવેમ્બરથી થશે જેમાં 17મી, 19મી અને 21મીએ ત્રણ ટી-20 મેચ બન્ને ટીમો વચ્ચે રમાશે. ત્યારબાદ 25 થી 29 નવેમ્બર દરમિયાન કાનપુર ખાતે પ્રથમ ટેસ્ટ મેચ અને ત્યારબાદ 3 થી 7 ડિસેમ્બર દરમિયાન મુંબઈ ખાતે શ્રેણીનો બીજો અને અંતિમ ટેસ્ટ મેચ રમાશે.
આજે બીસીસીઆઈની સિલેકશન કમીટી દ્વારા ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની ઘોષણા કરી દેવામાં આવી છે. વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટ રમવાનો ન હોય તેમના સ્થાને ટીમ ઈન્ડિયાનું સુકાન અંજિક્ય રહાણેને સોપવામાં આવ્યો છે જ્યારે વાઈસ કેપ્ટન તરીકે સૌરાષ્ટ્રના રન મશીન અને ટીમ ઈન્ડિયાની દિવાલ ગણાતા ચેતેશ્ર્વર પૂજારાની નિમણૂંક કરવામાં આવી છે.
આ ઉપરાંત ટીમમાં કે.એલ.રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્ર્વર પૂજારા, સુભમન ગીલ, શ્રેયાંસ ઐયર, વિકેટ કિપર બેટ્સમેન રીધ્ધીમાન સહા, વિકેટ કિપર બેટ્સમેન કે.એસ.ભારત, ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા, આર.અશ્ર્વિન, અક્ષર પટેલ, જયંત યાદવ, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, મહમદ શીરાજ, પ્રસિધ્ધ કિષ્નાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
3 થી 7 ડિસેમ્બર દરમિયાન રમાનારી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમના નિયમીત ટેસ્ટ સુકાની વિરાટ કોહલી ટીમ સાથે જોડાઈ જશે. ન્યુઝિલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ટી-20ના સુકાની રોહિત શર્મા, વિકેટ કિપર બેટસમેન રિષભ પંત અને ટીમના મુખ્ય બોલર જસપ્રિત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે.