અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારની પારસમણી એપાર્ટમેન્ટના રહેતા વૃધ્ધ દંપત્તીની ધનતેરસના દિવસે થયેલી કરપીણ હત્યાના ગુનામાં સંડોવાયેલા ઝારખંડના બે શખ્સોને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી લીધા છે. બંને શખ્સોએ લૂંટના ઇરાદે હત્યા કર્યાની આપેલી કબુલાત પોલીસના ગળે ન ઉતરતા બંને શખ્સો સાથે અન્ય કોઇ સંડોવાયું હોવાનું અને હત્યા માટે કોન્ટ્રાકટ અપાવામાં આવ્યા અંગેની પૂછપરછ માટે બંને શખ્સોને નવ દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરતા અદાલતે બંને શખ્સોને પાંચ દિવસના રિમાન્ડ પર સોપવા હુકમ કર્યો છે.
ઘાટલોડીયા વિસ્તારમાં પારસમણી એપાર્ટમન્ટમાં રહેતા 90 વર્ષના વયોવૃધ્ધ દયાનંદ શાનબાદ અને તેમના 80 વર્ષના પત્ની વિજયાલક્ષ્મીની ગત તા.2 નવેમ્બરના રોજ અજાણ્યા શખ્સોએ ગળુ કાપી હત્યા કરી ફરાર થઇ જતા સનસનાટી મચી ગઇ હતી. હત્યાનો ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથધરવામાં આવી હતી.
હત્યાના ગુનામાં સંડોવાયેલા ઝારખંડના બન્ને શખ્સો પાંચ દિવસના રિમાન્ડ પર
પોલીસ તપાસ દરમિયાન વૃધ્ધ દંપત્તીના ફલેટમાંથી કંઇ કિંમતી માલ સામાન ચોરાયો ન હોવાથી હત્યા લૂંટના ઇરાદે નહી પરંતુ અન્ય કોઇ કારણસર કરવામાં આવ્યાની શંકા સાથે વૃધ્ધ દંપત્તીની સાથે રહેતી પૌત્રી રિતુ કિરણભાઇ શાનબાદને શંકાના પરિઘમાં રાખી તેણીના મોબાઇલ કોલ ડીટેઇલ સહિતની માહિતી એકઠી કરી તપાસ કરવામાં આવી હતી.
હત્યા પૂર્વે અડધો કલાક પૂર્વે જ રિતુ શાનબાદ પોતાના ઘરેથી ખરીદી કરવા બહાર ગઇ હતી ત્યારે તેણીએ ફલેટનો દરવાજો ખુલ્લો રાખ્યો હોવાથી કોન્ટ્રાકટ ક્લિર દ્વારા હત્યા કરાયાની શંકા સાથે તપાસ હાથધરી હતી પરંતુ પોલીસે આ અંગે ખાસ કંઇ વિગત મેળવી શકી ન હતી.
હત્યા માટે કોને સોપારી આપી અને અન્યની સંડોવણીની શંકા સાથે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ
દરમિયાન મુળ ઝારખંડના અને બાંધકામની મજુરી કામ કરી રહેતા મુકુટ ગોમય હપદડા અને ઇમન જોસેફ તોપનો નામના શખ્સોને ક્રાઇમ બ્રાન્ચની ટીમને ઝડપી પૂછપરછ કરતા તેઓએ લૂંટના ઇરાદે હત્યા કરી હતી પરંતુ પકડાઇ જવાના ડરથી માત્ર રૂા. 500 લઇ ભાગી ગયા હોવાની કબુલાત આપી હતી.
હત્યાના ગુનામાં સંડોવાયેલા બંને શખ્સોની કબુલાત પોલીસના ગળે ન ઉતરતા બંને શખ્સો સાથે અન્યની સંડોવણી હોવાનું હત્યા પાછળ કોન્ટ્રાકટ ક્લિરને સોપારી આપી અંજામ આપવા આવ્યાનું રિમાન્ડ અરજીમાં જણાવી નવ દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરતા અદાલતે બંને શખ્સોને પાંચ દિવસના રિમાન્ડ પર સોપવા હુકમ કર્યો છે.