પ્રવાસે કે વતન ગયેલાં વિદ્યાર્થીઓ પરત ફરે ત્યારબાદ સ્થિતિનો અભ્યાસ કરી નિર્ણય લેવાશે

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધો.1 થી 5ના વર્ગો એકીસાથે શરૂ કરવા માટે તજજ્ઞોની કમિટિ રચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કમિટિ આ પ્રાથમિક શાળાઓ ક્યારે, કઇ શરતોને આધિન શરૂ કરવી? તે બાબતોનો અભ્યાસ કરીને વિવિધ તજજ્ઞો, સંબંધિતો પાસેથી અભિપ્રાય-મંતવ્યો મેળવીને રાજ્ય સરકાર સમક્ષ સુચનો રજૂ કરશે. જેનો અભ્યાસ કરી સરકાર દ્વારા જે-તે યોગ્ય સમયે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરશે.

રાજ્ય સરકાર ડિસેમ્બર કે ત્યારબાદ ધો.1 થી 5 ના વર્ગો શરૂ કરવા માટે વિચારણાં કરી રહી છે. ગઇકાલે મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ મુદ્ા ઉપર વિશેષમાં ચર્ચા કરાયા બાદ રાજ્ય સરકારે ઉતાવળ કરવાને બદલે કમિટિના અહેવાલનો અભ્યાસ કરીને આગળ વધવાનું નક્કી કર્યું છે.

રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોથી કોરોના સંક્રમણના કેસો ઘટી રહ્યાં છે. રાજ્યભરમાં હવે આર્થિક પ્રવૃતિઓ પણ ધમધમતી થઇ ગઇ છે.

ધો.6 થી કોલેજ સુધીના વર્ગો શરૂ થઇ ગયાં છે. વાલીઓનું પણ માનવું છે કે હવે પ્રાથમિક શાળાઓ શરૂ કરી દેવી જોઇએ. પરંતુ રાજ્ય સરકાર ધો. 1 થી ધો.5માં ભણતાં નાના ભૂલકાંઓના કિસ્સામાં શાળાઓ શરૂ કરવા બાબતે સહેજ પણ ઉતાવળના મૂડમાં નથી.

હાલમાં તો દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે મોટા ભાગના વાલીઓ અને વિદ્યાર્થીઓ પર્યટન સ્થળ ઉપર ફરવા માટે જતાં રહ્યાં છે. આવી પરિસ્થિતિમાં તેઓ ફરી ગુજરાત પાછા ફરે, કોરોનાના નિયંત્રણો હળવા કરાયા બાદ અને દિવાળીના તહેવારો પછી કોરોના સંક્રમણની સ્થિતિ કેવી રહે છે, કેસોમાં વધ-ઘટનું પ્રમાણ કેટલું રહે છે તેનો અભ્યાસ સરકાર માટે કરવું જરૂરી છે એટલે ફરી પાછા બાળકોમાં કોરોના સંક્રમણના ચિંતા કે તેનો ભય વધે નહીં તેની પૂરેપૂરી કાળજી લેવા માટે સરકાર દ્વારા તજજ્ઞોની કમિટિ રચવામાં આવી છે અને આ કમિટિ પૂરેપૂરો અભ્યાસ કર્યા બાદ સમગ્ર અહેવાલ સરકારને સોંપશે અને ત્યારબાદ સરકાર ધો.1 થી 5ના વર્ગો શરૂ કરવા અંગેનો નિર્ણય લેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.