રાજ્યના મહાનગરોમાં ઘણા સ્થળો પર પાન- લારી-ગલ્લાનો ખડકલો જોવા મળે છે. રોડ-રસ્તા, હાઈ-વે પર આવા દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યાનો પણ સામનો કરવો પડતો હોય છે. ત્યારે રંગીલા રાજકોટમાં પણ ઘણા સ્થળો પર આવી સ્થિતિ છે કે જ્યાં બિનજરૂરી દબાણો ઉભા કરી દેવામાં આવ્યા હોય. ત્યારે આવા દબાણો દૂર કરી જગ્યા મોકળી કરવા રાજકોટ મહાનગર પાલિકાની જગ્યા રોકાણ શાખા હરકતમાં આવી છે.
લોકોથી ભરચક રહેતા એવા શહેરના ફૂલછાબ ચોકમાં આજરોજ પ્રથમ વખત મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ચોકમાં વર્ષોથી હડડો જમાવી બેઠેલા લારી-ગલ્લા વાળાઓને દૂર કરવાની કામગીરી કરાઈ છે.
રાજકોટ મનપાના ડેપ્યુટી કમિશ્નર એ.કે.સિંઘએ સપાટો બોલાવતા ફૂલછાબ ચોકમાંથી ઈંડા-નોનવેજની તમામ લારીઓ કબ્જે કરવામાં આવી છે. જગ્યા રોકાણ શાખાને સાથે રાખી ડેપ્યુટી કમિશ્નર એ.કે.સિંઘએ આ સખ્ત કાર્યવાહી હાથ ધરી છે.
આ કાર્યવાહી અંગે રાજકોટ મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશ્નર એ.કે.સિંઘએ કહ્યું કે ફૂલછાબ ચોકમાં હવે નોનવેજ લારીઓ જોવા નહીં મળે. આ માટે અઠવાડિયામાં એક વાર સઘન તપાસ કરવામાં આવશે. જો ફરી લારી-ગલ્લા ખડકી દેવામાં આવશે તો ફરી કબ્જે કરી લઈશું. પણ આ પ્રકારનું દબાણ ચલાવી લેવામાં આવશે નહિ. શહેરના મેઇન રોડ પર આ પ્રકારની ગંદકી ચલાવી લેવામાં આવશે નહીં.