વેક્સિનના બન્ને ડોઝ લેનાર અને કોઈપણ પ્રકારની ટ્રાવેલ હિસ્ટ્રી ન ધરાવતા બે પરિવારના ચાર સભ્યો સંક્રમીત થતાં નવી ઉપાધી
દિવાળીના તહેવારોમાં બજારમાં ઉમટી પડેલી ભીડ અને ઉત્સાહમાં કોરોનાની ગાઈડ લાઈનનું કરવામાં આવેલુ ઉલ્લંઘન જાણે હવે ભારે પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્રણ દિવસ કોરોનાનો એકપણ કેસ ન નોંધાયા બાદ ગઈકાલે એક જ દિવસમાં ચાર કેસો મળી આવતા શહેરમાં ફરી ડરનું લખલખુ પ્રસરી જવા પામ્યું છે. જાણે ત્રીજી લહેરનો આરંભ થઈ ગયો હોય તેવી કલ્પનાથી લોકો રીતસર ફફડી રહ્યાં છે. વેક્સિનના બન્ને ડોઝ લેનાર અને કોઈપણ પ્રકારની ટ્રાવેલ હિસ્ટ્રી ન ધરાવતા બે પરિવારના ચાર સભ્યો સંક્રમીત થતાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
આ અંગે કોર્પોરેશનની આરોગ્ય શાખાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગઈકાલે શહેરના વોર્ડ નં.9માં હરિનગર વિસ્તારમાં એક જ પરિવારના બે પુરુષોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં એકની ઉંમર 35 અને બીજા પુરુષની ઉંમર 73 વર્ષ છે. તેઓ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. તેઓએ કોરોનાની વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા છે અને કોઈપણ પ્રકારની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી. તેઓના કોન્ટેકટમાં આવેલા ચાર વ્યક્તિ હાઈરિસ્ક પર અને ત્રણ વ્યક્તિઓ લો-રીસ્ક પર છે.
જેમના રિપોર્ટ કરવામાં આવ્યા છે અને તેના રિઝલ્ટની રાહ જોવામાં આવી રહી છે. આ ઉપરાંત શહેરના વોર્ડ નં.10માં શ્રદ્ધાનગર વિસ્તારમાં 29 વર્ષ અને 56 વર્ષની બે મહિલાઓ સંક્રમીત થઈ છે. જે બન્ને એક જ પરિવારની છે. તેઓ પણ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી અને બન્ને ડોઝ લઈ લીધા છે. હાલ શહેરમાં કોરોનાના કુલ 8 દર્દીઓ છે.ગઈકાલે 5 વ્યક્તિઓએ કોરોનાને મહાત આપતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
દરમિયાન ગઈકાલે કોર્પોરેશન દ્વારા સાપ્તાહિક રોગચાળાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 1 થી 7 નવેમ્બર સુધીના એક સપ્તાહના સમયગાળામાં ડેન્ગ્યુના 46 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંક 319એ પહોંચી જવા પામ્યો છે. મેલેરીયાના પણ 3 કેસો નોંધાતા કુલ કેસ 48 થવા પામ્યા છે.
ચિકનગુનિયાનો પણ એક કેસ નોંધાયો છે. વર્ષ દરમિયાન ચિકનગુનિયાના કુલ 48 કેસ નોંધાયા છે. એક સપ્તાહમાં 46631 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. 4680 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. બાંધકામ સાઈટ, સ્કૂલ, હોસ્ટેલ, કોમ્પલેક્ષ, ભંગારના ડેલા, સેલર, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલપંપ અને સરકારી કચેરી સહિત કુલ 425 જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રહેણાંક વિસ્તારમાં મચ્છરોની ઉત્પતિ જણાતા કુલ 836 આસામીને નોટિસ ફટકારી 12050નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.