જય વિરાણી, કેશોદ
આજે લાભ પાંચમના શુકનવંતા દિવસથી સૌરાષ્ટ્ર ગુજરાતમાં મગફળીની ખરીદી શરૂ થઈ ગઈ છે. નાફેડ દ્વારા રાજ્યના 28 જિલ્લાના 140 કેન્દ્રો પરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી રહી છે. ક્યાંક મગફળી ખરીદીના મુહર્તથી જ માર્કેટિંગ યાર્ડ ધમધમતા થઈ ગયા છે તો તો ક્યાંક હજુ મુહર્ત પણ થયા નથી.ત્યારે કેશોદમાં પણ મગફળી ખરીદીની પ્રક્રિયા પુર્વ તૈયારીના અભાવે શરૂ થઈ નથી.
કેશોદમાં મહુર્તની મગફળી ખરીદીમાં 10 વાગ્યા સુધી કોઈ અધિકારી ફરક્યા જ નહીં. પુર્વ તૈયારીના અભાવે ખરીદી ચાલું ન થતાં જગતના તાત નારાજ થયા છે. કેશોદ પંથકમાં કુલ 4138 ખેડુતોનું ટેકાના ભાવે મગફળી વેંચાણ કરવા રજીસ્ટ્રેશન થયું હતું. 20 ખેડુતોને બોલાવ્યા પરંતુ 1 એક જ ખેડુત આવ્યો. કોઈ અધિકારી ન જોવા મળતા એ પણ ટ્રેકટર લઇને ભાગી ગયો.
ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા નાળીયેર વધેર્યું છતાં વેચાણ કરવા આવેલ ખેડુત ભાગી જતાં મહુર્ત બગડ્યું છે. વહેલી સવારના 5 કલાકે આવેલા ખેડુતે 10 વાગ્યા સુધી ખરીદી શરૂ ન થતાં રોષ વ્યક્ત કર્યો છે. બપોરે 11 કલાક સુધી ખરીદી શરૂ ન થતાં ખેડુતે રોષે ભરાઈ ખુલ્લા માર્કેટમાં વેચાણ કરવાનું નક્કી કરી જતા રહ્યાં હતા.