આરઝી હુકુમત સહિતના સ્વાતંત્ર્ય સેનાનીને અંજલી અપાશે
આજે જુનાગઢનો આઝાદી દિવસ છે, ભારત 15 મી ઓગષ્ટ 1947 ના દિવસે સંપૂર્ણ સ્વતંત્ર થઈ ગયું હતું ત્યારે જૂનાગઢ હજુ નવાબોની ચુંગાલમાં હતું. જે આરઝી હકુમતે 9 નવેમ્બરના રોજ કબજે કર્યું હતું, અને 9 મી નવેમ્બર ના રોજ જુનાગઢ આઝાદ થયું હતું. આજે જૂનાગઢના આઝાદી દિને જૂનાગઢવાસીઓ આઝાદીનો જશ્ન મનાવી રહ્યા છે, અને આરઝી હકૂમત સહિતના સ્વાતંત્ર્ય સેનાનીઓને અંજલી આપશે.
ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓએ આઝાદીની લડત લડી સમગ્ર ભારત દેશને આઝાદ કરી દીધું હતું. પરંતુ જુનાગઢ હજુ આઝાદ થયું ન હતું અને નવાબના તાબા નીચે હતું, ત્યારે જૂનાગઢને આઝાદી અપાવવા આરઝી હકૂમતની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં અનેક નામી અનામી સ્વાતંત્ર્યસેનાનીઓ જોડાયા હતા અને આઝાદીની ચળવળ શરૂ કરાઇ હતી.
આ પૂર્વે દિવાન ભૂટોની સંમતિથી જબરજસ્તી હિન્દુ લોકોની ધર્માંતરણની પ્રવૃત્તિ એ વેગ પકડી લીધો હતો અને જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાની જાહેરાત બાદ હજારો હિન્દુ એ હિજરત શરૂ કરી હતી, તેવા સમયે અનેક સંતો-મહંતો અને આચાર્યો એ જૂનાગઢમાંથી લોકોને હિજરત ન કરવા હાકલ કરી હતી. આ માટે જુનાગઢ મોટી હવેલીના મહારાજ પુરૂષોત્તમલાલજી એ એક સભા બોલાવી હતી અને જૂનાગઢની રાજસત્તા હિન્દુઓની સતામણી કરશે તો અમારા પ્રાણના ભોગે અમે હિન્દુઓનું રક્ષણ કરશું તેવો લલકાર કરી, પોતાની હવેલીમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ, બાળકો અને સ્ત્રીઓને આશરો આપ્યો હતો અને પોતાની જાનને જોખમે રાજકોટ જઈ, શામળદાસ ગાંધીને જુનાગઢના લોકોની યાતનાથી વાકેફ કર્યા હતા અને જામ સાહેબને જાનના જોખમે મળી, જૂનાગઢવાસીઓનો ચીતારા આપ્યો હતો. બાદમાં જામસાહેબ સરદાર પટેલને મળ્યા હતા અને દિલ્હીમાં એક પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં જુનાગઢવાસીઓના ધર્માંતર અને પડી રહેલા હાલાકીઓ આ પત્રકાર પરિષદમાં વર્ણવવામાં આવી હતી
સાથોસાથ જૂનાગઢના અનેક સંતો-મહંતો એ પણ જૂનાગઢના હિંદુ પ્રજાની પડખે ઉભા રહી લોકોને ધર્માંતર ન કરવા અને આઝાદીના સંગ્રામમાં પોતાની સક્રિય ભૂમિકા ભજવી હતી. જૂનાગઢના અનેક સંતો, મહંતોએ આર્થિક યોગદાન પણ સ્વાતંત્ર્ય સેનાનીઓને અપાયું હતું. તો અનેક આશ્રમોમાં લોકોને આસરા અપાયા હતા. બીજી બાજુ જૂનાગઢના લોકો સ્વાતંત્ર્ય સેનાનીઓને મદદરૂપ થઈ શકે તે માટે એક લોકદળ બનાવાયું હતું અનેજૂનાગઢના ગિરનાર રોડ ઉપર આવેલ મયારામ દાસજીના આશ્રમમાં આરઝી હકુમતના સેનાનીઓ માટે ધારિયા, કુહાડી, દાતરડું, જેવા હથિયારો બનાવાય રહ્યા હતા. તે દરમિયાન સ્વાતંત્ર્ય સેનાનીઓએ નવાબના નાના નાના ગામો સર કર કરી, જૂનાગઢ પર કબજો કરી અંતે જૂનાગઢ અને નવાબની ચુંગાલમાંથી મુક્ત કર્યું હતું.
જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની અધ્યક્ષતામાં એક જાહેર સભા યોજાઇ હતી, જેમાં જાહેરમાં મતદાન કરવામાં આવ્યું હતું અને તેમાં જૂજ લોકોએ જ પાકિસ્તાન તરફે વોટિંગ કર્યું હતું અને મોટાભાગના લોકોએ જુનાગઢને પાકિસ્તાનમાં ન ભેળવવાનું મતદાન કરતા જુનાગઢ ભારત સાથે જોડાયું હતું અને એ દિવસ હતો 9મી નવેમ્બર એટલે કે જુનાગઢનો આઝાદી દિવસ.
છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે જુનાગઢનો આઝાદી દિવસ સાવ ફીકો પડી ગયો છે, આ પૂર્વે દર વર્ષે જૂનાગઢના આઝાદી દિવસે રાત્રીના સમયે બાઉદીન કોલેજ ખાતે લાઇટ શો અને ફટાકડા ફોળી ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવતી હતી અને શહીદ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ સહિતના કાર્યક્રમો યોજાતા હતા. જે આ વર્ષે પણ મુલતવી રખાયા છે.