અરસ-પરસ બધુ સરસ, નવુ વર્ષ જશે સરસ સરસ. આપણાં ગુજરાતી કેલેન્ડરનું નવલુ વર્ષ- બેસતું વર્ષ એટલે ઉલ્લાસ-આનંદનું પ્રકાશ પર્વ. નવલા વર્ષે શુકનનો સૂર્યોદય બધા માનવી માટે અનેરો ઉત્સાહ લાવે છે. એકબીજાને રામ રામ સાથે નવલા વર્ષ નૂતન વર્ષાભિનંદન કરે છે. એકબીજા પરત્વેનો પ્રેમ-સધિયારો અને ભાઇચારા જેવા અનેક ગુણોનો સમન્વય એટલે દિપોત્સવી પર્વ.
નવા વર્ષે શુકનનો સૂર્યોદય થાયને માનવી એક અનેરો ઉત્સાહ સાથે નવા સંકલ્પો સાથે કંઇક નોખું અને કંઇક અનોખુ કરવા પ્રેરાય છે
નવ વર્ષની વહેલી સવારે ‘સબરસ’નું શુકન આપણી પ્રાચીન પરંપરા છે. હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી. આખા વર્ષના અંતે આવતા તહેવારે લોકો ઘરની સાફ-સફાઇ કરીને અગિયારસથી બેસતા વર્ષ સુધી સતત છ દિવસ આંગણે રંગબેરંગી રંગોળી કરીને ઉત્સાહપૂર્વક તહેવાર ઉજવે છે. બાળથી મોટેરા સૌને આનંદ આ તહેવારમાં મળે છે. નવા નવા વસ્ત્રોને નવી-નવી ખરીદી સાથેની ઉજાણી એટલે આ પ્રકાશ પર્વ. ચોમેર દિશાએથી ખુશીઓ આનંદ લાવતો દિપોત્સવી પર્વ આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જાય છે. બાળકોને તો ફટાકડા ફોડવાની મઝા પડી જાય છે.
વર્ષો પહેલા મહિના અગાઉ આ પર્વની તૈયારી જોવા મળતી હતી પણ છેલ્લા બે દશકાથી એક-બે દિવસ અગાઉ ગામ કે શહેરમાં રંગત જોવા મળે છે. દિવાળી કાર્ડ સગાઓને લખાતા હતા પણ બદલાતા યુગે હવે બધી જ શુભેચ્છા કે નૂતનવર્ષાભિનંદન મોબાઇલ દ્વારા જ મેસેજના રૂપમાં સૌ એકબીજાને મોકલીને સંતોષ માની લે છે. અગિયારસ, વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળીને બેસતું વર્ષ આમ તહેવારોની વણઝારમાં જ નવલું વર્ષ પ્રારંભ થઇ જાય છે. ભાઇ-બહેનના પ્રેમનું પ્રતિક ભાઇબીજને શુકનવંતી લાભપાંચમ પણ આ પર્વની જોડતી કડી છે.
પાંચ દિવસનો પાવન પ્રકાશ પર્વ હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર છે:
ચોમેર દિશાએથી ખુશીઓના મહેકતા વાતાવરણે માનવી એકબીજાને મળીને ‘સાલ મુબારક’ કરે છે
દિવાળીએ ચોપડા પૂજનનો અનેરો મહિમા હતો જો કે આજે પણ છે પણ માર્ચ ટુ એપ્રિલ નાણાંકીય વર્ષ આવવાથી તેની રંગત ઓછી થઇ ગઇ છે. પહેલા તો ચોપડા પૂજન બાદ ફટાકડા, નાસ્તો, આઇસ્ક્રીમ બાદ સૌ કર્મચારીને બોનસ આપવાની પ્રથા હતી જે આજે સાવ નાબૂદ થઇ ગઇ છે. શાળા-કોલેજમાં વેકેશનનો માહોલ હોવાથી અને તમામ ઉદ્યોગ-ધંધા પણ બંધને કારણે લગભગ એક સપ્તાહ સુધી કાઠિયાવાડની પ્રજા અનેરી રંગત માણે છે. માં લક્ષ્મીના પૂજન સાથે ઘરને નયનરમ્ય લાઇટીંગથી ઝગમગાટ કરાય છે ને દિવડાઓથી સમગ્ર ઘર, ગામ, શહેર દીપી ઉઠે છે. એક જમાનામાં માણસો ગામ કે શહેરમાં રોશની જોવા નીકળતા હતા. સમગ્ર વર્ષ દરમ્યાન આવતા વિવિધ તહેવારોમાં દિવાળી પર્વનું વિશેષ મહત્વ છે. લોકો ગમે તેવી મુશ્કેલી હોય પણ આ પર્વ આવે એટલે બધુ જ ભૂલીને ઉજવણી કરવા લાગે છે. ગરીબ હોય કે શ્રીમંત દિપોત્સવી પર્વે સૌના મુખ ઉપર આનંદોત્સવ છવાઇ જાય છે.
દિપોત્સવી પર્વે કરોડો લોકો ફટાકડા ફોડીને ઉજવણી કરે છે તે ફટાકડા બનાવતા મજૂરોની દિવાળી હંમેશા અંધકાર મય જ હોય છે. જે એક નગ્ન સત્ય છે. દિપોત્સવી પર્વ માનવ જીવન સાથે ઘણી બધી રીતે જોડાયેલ છે. માનવ જીવનમાં આઠ પ્રકારની લક્ષ્મીનો વાસ હોય છે. જેમાં ધનલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, ધૈર્યલલક્ષ્મી, શૌર્યલક્ષ્મી, વિદ્યાલક્ષ્મી, ક્રિયાલક્ષ્મી, વિજયલક્ષ્મી અને રાજપલક્ષ્મી જોડાયેલી છે. તમામ પ્રકારની લક્ષ્મીનો વાસ આપણું જીવન શારીરીક, માનસિક, આર્થિક અને આધ્યાત્મિક રીતે સમૃધ્ધ બનાવે છે. પ્રકાશ પર્વે લક્ષ્મીજી પધારવાની વધામણી છે.
ઉત્સવ પહેલાનો ઉત્સવ એટલે જ દિપોત્સવી પર્વ. બારણે સુખનું તોરણને દિવડાનો ઝગમગાટ અને આંગણે નવરંગી રંગોળી સાથે નવા વર્ષે સૂર્યોદયે જ ‘સબરસ’નું શુકન જ આપણું આવનારૂં વર્ષનો પ્રારંભ છે. જીવનમાં બધા જ રસોનો સુમેળ રહે તેથી ‘સબરસ’ કહેવાય છે. દરેક રસોઇમાં મીઠાનો ટેસ્ટ ઉમેરાય ત્યારે જ તે ટેસ્ટી બને છે. શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના સંવાદ પર્વે શુભેચ્છા આપવાનો પહેલા પણ હતોને આજે પણ છે ખાસ તો હવે વિવિધ સોશિયલ મીડીયા મારફતે અપાય છે.
દિપોત્સવી પર્વના તહેવારોમાં અગિયારસ જીવનનાં મહત્વના કાર્યોમાં અગ્રતા, વાઘ બારસથી પ્રગતિના દ્વારા ખુલે, શુધ્ધ ધનની પ્રાપ્તિ સાથે પૂજન એટલે ધનતેરસ, કાળી ચૌદશે જીવનમાં કલહ દૂર થાય અને સૌના દિલમાં માનવતાનો દિપપ્રગટેએ દિવાળી બાદ જીવન નવ પલ્લવિત થાય તે નવલું વર્ષ છે. દિપોત્સવી પર્વ સપ્તરંગી સાથે રોશનીનો ઝગમગાટ પણ છે. માનવ જીવનનાં તે અંધેરા ઉલેચીને એક નવો પ્રકાશ તેના જીવનમાં ભરે છે. ઘરમાં અને દિલમાં દિવો પ્રગટાવવાનો અવસર એટલે દિવાળી. નબળાને સાથ આપીને તેને બેઠા કરવાની પળ એટલે જ દિવાળી.
દિપોત્સવી પર્વે સમયના ગર્ભમાંથી નીકળતી પ્રત્યેક ક્ષણ સૌને કંકુ, ચોખાથી પોંખે એવી અભ્યર્થના શુભેચ્છા જ માનવ હૈયાને મહકાવે છે. આપણે સૌ ઉત્સવ પ્રિય છીએ, આનંદ અને ઉલ્લાસનું પર્વ એટલે દિપોત્સવી પર્વની દિપમાળા પ્રજ્વલિત કરવાનો અવસર. અસૂરોના ત્રાસથી પ્રજા મુક્ત થઇને ઘેર-ઘેર દિવડા પ્રગટાવી આનંદ વ્યક્ત કર્યો ત્યારથી આ દિવાળી ઉજવાય છે. રામે લંકા વિજય કરી અયોધ્યા પધાર્યા ત્યારે ઘેર ઘેર દિવા પ્રગટ્યાને ફટાકડા ફૂટ્યા હતા. દિપોત્સવી પર્વે ધર્મનો જય થયોને અધર્મનો નાશ થયો હતો.
કોરોના કાળ, મોંઘવારી, રોજગાર મંદી જેવી તમામ સમસ્યા ભૂલી જઇને અત્યારે સૌ માનવી દિપોત્સવી પર્વે તહેવારના રંગે રંગાઇ ગયા છે. સૌ ને એક નવી આશા-ઉમંગ છે કે નવલા વર્ષની સવારે એક નવો જ જીવન અધ્યાય શરૂ થશે જે તેમને સુખ આપશે. સંસાર પાત્રામાં શ્રધ્ધા, વિશ્ર્વાસનું ઘણું મહત્વ છે. પવર્તમાન સંજોગોમાં દરેક માનવી નવલા વર્ષે કંઇક નવું કરવાની વાત કરે છે. આપણા તહેવારો જ આપણને હિંમતને તાકાત આપે છે તો માનવીના પુરૂષાર્થના બળે નવું-નવું કરીને પોતાના વિકાસ કરે છે. જીવનનાં અંધકારને આ દિપોત્સવી પર્વ જ એક નવો રાહ દેખાડે છે.