કમાણીની મોટાભાગની રકમ દારૂ પીવામાં વેડફી અને પરિવાર સાથે માથાકૂટ કરતા પથ્થરના ઘા ઝીંકી ઢીમઢાળી દીધુ
અબતક, જીતેન્દ્ર આચાર્ય, ગોંડલ
ગોંડલ તાલુકાના ગોવિયા ગામની સીમમાં પરપ્રાંતીય પ્રૌઢની પથ્થરના ઘા ઝીંકી કરપીણ હત્યાનો એલ.સી.બી. અને તાલુકા પોલીસ મથકના સ્ટાફે ગણતરીનાં કલાકોમાં ભેદ ઉકેલી મૃતકના પુત્ર અને તેના સાળાની ધરપકડ કરી અને નશોકરી ઘરમાં માથાકૂટ કરતો હોવાથી ઢીમઢાળી દીધાની કબુલાત આપી હતી.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ છોટા ઉદેપુરના અને હાલ મોવીયા ગામની સીમમાં ખેતીની જમીન ભાગીયું વાવતા સુરસિંગ કલજી રાઠવાનામના પરપ્રાંતીય શ્રમિકની કરપીણ હત્યાનો બનાવ ગોંડલ તાલુકા પોલીસ મથકના ચોપડે નોંધાયો હતો.
પ્રૌઢની હત્યાનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે એલસીબીના પી.આઈ. એ.આર. ગોહિલ અને સર્કલ પી.આઈ. એ.બી. ગોહિલ સહિત સ્ટાફ ઝીણવટ ભરી તપાસમાં હત્યામાં જાણભેદુ અને પરિચીત હોવાની આશંકાએ ઘરના સભ્યોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
પોલીસે મૃતકનો સગીર પુત્ર અને સાળો શંકર ભૂટલા કીકેરોયાની આકરી પુછપરછમાં બંને ભાંગી પડતા અને મામા-ભાણેજે હત્યા કર્યાની કબુલાત આપતા બંનેની અટકાયત કરી પ્રાથમિક તપાસમાં મૃતક સુરસિંગ રાઠવા દારૂ પીવાની કુટેવ હોવાથી ભાગીયુ જમીન વાવતા ખેડુત પાસેથી પૈસાનો ઉપાડ કરી દારૂ પી ઘરે આવી પરિવારજનો સાથે માથાકૂટ કરતા હોય છે.
ફરી બનાવના દિવસે ખેડુત પાસે ઉપાડ કરી દારૂ પી નશાની હાલતમાં મોવિયા બંધીયા માર્ગ પર પડયો હતો ત્યારે મામા ભાણેજને જાણ થતા ઘસી જઈ પથ્થરના ઘા ઝીંકી ઢીમઢાળી દીધાની કબુલાત આપી હતી.
મૃતક હાલ મોવીયા ગામે રહેતા ભાવેશ ભગવાનજી ભાલાળાની વાડી ભાગમાં વાવતો હતો. અને કમાણીની મોટાભાગની રકમ નશામાં વેડફી નાખતો હતો. પોલીસે બંને સામે હત્યાનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
એલ.સી.બી. અને તાલુકા પોલીસે ગણતરીનાં કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી મામા-ભાણેજની કરી ધરપકડ