એસઓજીએ હથિયારના રેકેટનો પર્દાફાશ કરી 1.20 લાખનો મુદામાલ કબ્જે કર્યો
અબતક, રાજકોટ
રાજકોટ જીલ્લાના ગોંડલ અને વિંછીયામાં એસઓજીએ દરોડા પાડી બે પિસ્તોલ સાથે ચાર શખ્સોની ધરપકડ કરી ગેરકાયદે હથિયારોનો રેકેટનો પર્દાફાશ કરી રૂા.1.20 લાખનો મુદામાલ કબ્જે કરી તપાસનો ધમધમાટ આદર્યો છે.
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જીલ્લામાં ગેરકાયદે હથિયારોની હેરાફેરીને કડક હાથે ડામી દેવા પોલીસ વડા બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે એસઓજીના પી.આઈ. એસ.એમ.જાડેજા સહિતના સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે ગોંડલ રહેતો સાવન શિવરાજ ચૌહાણ નામનો શખ્સ વછેરાના વાડા નજીક શંકાસ્પદ હાલતમાં ઉભો હોવાની એ.એસ.આઈ. ઉપેન્દ્રસિંહ જાડેજા, કોન્સ્ટેબલ જયવીરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઈ ચાવડા, હિતેષભાઈ અગ્રવાત, અમિતભાઈ કનેરીયા અને રણજીતભાઈ ધાધલને મળેલી બાતમીના આધારે પી.એસ.આઈ. એચ.એમ.રાણા અને જી.જે.ઝાલા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.
દરોડા દરમ્યાન સાવન ચૌહાણની અટકાયત કરી તેના કબ્જામાંથી પીસ્તોલ મળી આવતા તેની પ્રાથમીક પુછપરછમાં આ હથિયાર તેના ભાગીદાર ઉત્સવ મહેન્દ્ર ગોહીલ અને કોડીનારનો વિશાલ પ્રતાપ મોરી લેવા આવતા તેની ધરપકડ કરી હતી.
હથિયારનુ પગેરૂ વિંછીયા પંથકમાં નીકળતા એક ટીમ દ્વારા દોડી જઈ રાણપુર તાલુકાના નાગનેશ નામનો કૃષ્ણરાજસિંહ રાજેન્દ્રસિંહ ઝાલાની પિસ્તોલ સાથે ધરપકડ કરી પોલીસે બન્ને પીસ્તોલ, 5 મોબાઈલ અને બાઈક મળી રૂા.1.20 લાખનો મુદામાલ કબજે કર્યો છે.