કોલસાની કટોકટી અને સામે વિજળીની વધી રહેલી માંગને પગલે જીયુવીએનએલે ટાટા અને અદાણી સાથેનો વીજળી ખરીદવાનો કરાર ડિસેમ્બર સુધી લંબાવ્યો
અબતક,ગાંધીનગર
કોલસાની કટોકટી અને સામે વિજળીની વધી રહેલી માંગને પગલે જીયુવીએનએલ હજુ બે મહિના મોંઘા ભાવે વીજળી ખરીદવા મજબૂર બન્યું છે. આ માટે જીયુવીએનએલએ તાતા અને અદાણી સાથેનો કરાર લંબાવ્યો છે. જો કે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ બન્ને ખાનગી કંપનીઓ પાસેથી ઓછામાં ઓછી વીજળી ખરીદવી પડે તેવા જીયુવીએનએલ પ્રયાસ કરી રહ્યું છે.
ગુજરાત સરકારે કોલસા કટોકટી દરમિયાન વર્તમાનમાં જીયુવીએનએલ મારફતે તાતાની કંપની કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ તથા અદાણી જૂથની અદાણી પાવર લિમિટેડ પાસેથી યુનિટદીઠ રૂ. 4.50ના ફિક્સ ભાવે કામચલાઉ ધોરણે વીજળી ખરીદવા માટે કરેલી સમજૂતીનો સમયગાળો 30મી નવેમ્બર સુધી લંબાવી દીધો છે.કોલસાની સ્થિતિ સામાન્ય થતાં હજી ડિસેમ્બર તો આસાનીથી નીકળી જશે, એટલે બંને કંપનીઓ સાથેનો કામચલાઉ કરાર પણ નવેમ્બર બાદ ડિસેમ્બરના અંત સુધી લંબાવવામાં આવ્યો છે. કૃષિ ક્ષેત્રે વીજળીની માગ દિવાળી બાદ વધવાની શક્યતાને પગલે આ કામચલાઉ કરારનો ગાળો લંબાવાઈ રહ્યો છે. તેવું માનવામાં આવો રહ્યું છે.
તાતાની કંપની પાસેથી દૈનિક 1,800 મેગાવોટ તથા અદાણીની કંપની પાસેથી 1,200 મેગાવોટ વીજળી માટે જીયુવીએનએલને જે ટેમ્પરરી ગોઠવણ થઈ છે, તેમાં પૂરેપૂરો પાવર લેવા જીયુવીએનએલ બંધનકર્તા નથી. એટલે જરૂરિયાત મુજબ રૂ. 4.50ના રેટનો આ પાવર ખરીદવામાં આવે છે. બાકી આઇઇએક્સ ઉપર અત્યારે રૂ. 3.10ના ભાવે વીજળી ઉપલબ્ધ હોઈ ત્યાંથી પણ મહત્તમ વીજળી ખરીદાઈ રહી છે.
અત્યારે આઇઇએક્સ ઉપરથી 250થી 260 લાખ યુનિટ વીજળી રોજ ખરીદાઈ રહી છે. આઇઇએક્સ ઉપર વીજળીની ઘટતા ભાવને ધ્યાને લઈને જીયુવીએનએલએ ખાનગી કંપનીઓ તથા કેન્દ્રીય સેક્ટર પાસેથી વીજળી મેળવવાની લિમિટ એટલે કે એગ્રીગેટ ટ્રાન્સમિશન કેપેસિટીએટીસી જે અત્યાર સુધી 8,600 મેગાવોટની હતી. તે જર્કની મંજૂરી મેળવી 9,300 મેગાવોટ કરી દીધી છે.
જેથી બજારમાં ઉપલબ્ધ સસ્તી વીજળી વધુ પ્રમાણમાં ખરીદી કુલ પડતર કિંમત ઘટાડી શકાય. આ સરકારી સૂત્રો એવો પણ દાવો કરે છે કે, જીસેક હેઠળના સરકારી વીજમથકો મારફતે દૈનિક 3,000 મેગાવોટથી વધુ વીજળી મેળવવા પ્રયાસો થઈ રહ્યા છે અને તેના ભાગરૂપે જ આજથી ઊકાઈ ખાતેના તમામ થર્મલ વીજએકમો કાર્યરત કરી દેવાના આદેશો કરવામાં આવ્યા છે.