રાજયના ત્રણ શહેર વઢવાણ, વલ્લભીપુર અને લુણાવાડાને દિવાળીની ‘પાણી’દાર ભેટ; સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ.34 કરોડ મંજૂર
હવે નપાણિયા પ્રદેશમાં પાણીની સમસ્યા ભૂતકાળ બનશે: સુરેન્દ્રનગરના વઢવાણમાં રૂ.25 કરોડના ખર્ચે નખાશે પાઈપલાઈન
અબતક, રાજકોટ
સમગ્ર રાજ્યમાં પીવાના પાણી તેમજ સિંચાઈના પાણીની સમસ્યાને કાયમીપણે ભૂતકાળ બનાવવા માટે રાજ્ય સરકાર પ્રગતિશીલ છે. ત્યારે હાલ દિવાળીના મહાપર્વ નિમિત્તે ગુજરાત સરકારે વઢવાણ, વલ્લભીપુર તેમજ લુણાવાડા એમ ત્રણ શહેરોને દિવાળીની પાણીદાર ભેટ અર્પણ કરી છે. ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ત્રણ શહેરોમાં પાણીની પાઈપલાઈન માટે આશરે રૂપિયા 35 કરોડના ખર્ચને મંજૂરી આપી છે. એમાં પણ સૌરાષ્ટ્રના વઢવાણ શહેર કે જે ને આમ તો નપાણીયા પ્રદેશ તરીકે માનવામાં આવે છે. હવે આ નપાણીયા પ્રદેશમાં પાણીની સમસ્યા ઉકેલવા ધોળીધજા ડેમથી હવા મહેલ સુધી પાણીદાર મુખ્યમંત્રીએ પાણી પહોંચાડવા વિકાસ કામોને બહાલી આપી છે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ નગરપાલિકાને ધોળી ધજા ડેમમાંથી પાણીની પાઇપલાઇન માટે રૂ. 24.99 કરોડના કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
તદનુસાર, વઢવાણ નગરમાં ધોળીધજા ડેમથી હવા મહેલ વોટર વર્કસ સુધી 400 મીટર વ્યાસની 8650 મીટરની પાઈપલાઈન ચલાવવાનું અને હાલની 30 વર્ષ જૂની પ્રેશર પાઈપલાઈન બદલવાનું પણ આયોજન છે. વઢવાણ નગરની વર્ષ 2051ની વસ્તીનો અંદાજ કાઢીને નગરપાલિકાએ ભવિષ્યની જરૂરિયાત મુજબ ધોળીધજા ડેમમાંથી 24 એમએલડી પાણી મેળવવાની દરખાસ્ત કરી છે. જેના પગલે સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વલ્લભીપુર નગરપાલિકામાં હાલના 31.62 કિમી વિતરણ નેટવર્કમાં નવી પાઈપલાઈન અને 3.65 લાખ લિટરની ઓવરહેડ ટાંકી બનાવવાના હેતુસર આ રકમ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહીસાગર જિલ્લાની લુણાવાડા નગરપાલિકાને ’નલ સે જલ’ યોજના હેઠળ રૂ. 8.62 કરોડના પાણી પુરવઠાના કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી છે. લુણાવાડા નગર માટે પાણીનો મુખ્ય સ્ત્રોત પાનમ નદી છે અને 4 એમેલડી પાણી આપવામાં આવે છે. પાલિકાએ હાલના અંડરગ્રાઉન્ડ સમ્પની જગ્યાએ નવો અંડરગ્રાઉન્ડ સમ્પ બનાવવાનું આયોજન કર્યું છે.
આ હેતુ માટે મુખ્યમંત્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ. લુણાવાડા નગરપાલિકાને નળ સે જલ યોજના હેઠળ દૈનિક પાણી આપવા માટે 8.62 કરોડ મંજુર કર્યા છે.નોંધનીય છે કે, હાલ ’નલ સે જલ’ યોજના હેઠળ તમામ જિલ્લા, નગરોને પાણીની સુવિધાથી સજ્જ કરવા સરકાર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઓછો વરસાદ તેમજ પાણીની તંગી ધરાવતા શહેરોમાં પાણી પાઇપલાઇન દ્વારા પહોંચાડવા તેમજ દરેક ઘર-મકાનમાં નળ થકી જ જળ આવી રહે, પાણી માટે ક્યાંય ફાંફાં મારવા પડે તે માટે સરકારે શરૂ કરેલ નલ સે જલ યોજના હેઠળ વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિકાસના કામોને આપવામાં આવેલી સૈદ્ધાંતિક મંજૂરીથી વઢવાણ, લુણાવાડા તેમજ વલ્લભીપુરમાં પાણીની સુવિધા વધુ વિસ્તૃત તેમજ મજબૂત બનશે..!! અંદાજે રૂપિયા 35 કરોડના ખર્ચને સરકારે મંજૂરી આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પાણીદાર મુખ્યમંત્રી સાબિત થયા છે…!! ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ કચ્છના ગાંધીધામમાં ફ્લાયઓવરના નિર્માણ માટે કોર્પોરેશનની રૂ. 59.25 કરોડની દરખાસ્તને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. સ્વર્ણિમ જયંતિ અંતર્ગત ગાંધીધામને આ ફ્લાયઓવરના જાહેર સુવિધા વર્ધન કાર્યની ભેટ અપાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજ્યના શહેરો અને મહાનગરોમાં રેલવે ઓવર બ્રિજ અને અન્ડર બ્રિજ બનાવવાનો હેતુ નાગરિકોની અવરજવરને સરળ બનાવવા અને સમય અને ઇંધણની બચત કરવાનો છે.