બી.એસ.સી, બી.કોમ, બી.બી.એ. અને એલ.એલ.બી સહિતના છાત્રોની 130 જેટલા કેન્દ્રોમાં ઓબ્ઝર્વરની નિગરાણીમાં પરીક્ષા લેવાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દિવાળી વેકેશન ખુલતાંની સાથે 22મી નવેમ્બરથી પરીક્ષાનો ધમધમાટ શરૂ થઇ જશે. આ પરીક્ષામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 130 જેટલા કેન્દ્રો પર 53,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમાં મોટાભાગની પરીક્ષા સવારે 10:30 થી 1:00 વાગ્યા સુધી તો અમુક પરીક્ષાઓ 2:30 થી 5:30 દરમિયાન યોજાશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રાર અને પરીક્ષા નિયામક નિલેશ સોનીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દિવાળી વેકેશન ખૂલતાં સાથે જ 22મી નવેમ્બરથી ઓલ્ડ અને ન્યૂ કોર્સના સેમેસ્ટર-3,5 અને 7ની પરીક્ષા યોજાશે. જેમાં બી.કોમ રેગ્યુલર-એક્સર્ટનલ વર્ષ-2016 અને 2019ના 18,401 જ્યારે બી.એ.માં 15,056 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. આ સિવાય સેમેસ્ટર-5ના બી.એસ.સી.ના 4,279, બી.સી.એ.ના 2,522, બી.બી.એ.ના 2452, એલ.એલ.બી.ના 2021, સેમ-4 અને સેમ-7ના 2015ના વર્ષના 1-1 જ્યારે સેમ-9ના એક છાત્ર પરિક્ષા આપશે.

આ ઉપરાંત એલ.એલ.એમ. અને એચ.આર., સેમ-3, બી.આર.એસ. સેમ-3 અને સેમ-5, બી.એસસી.આઇ.ટી સેમ-5, બી.એચ.ટી.એમ સેમ-5 અને 7, બી.પી.એ, બી.એસ.સી, બાયોઇન્ફો, હોમસાયન્સ, બી.એસ.ડબલ્યૂ. સેમ-5ના છાત્રોની પરીક્ષા યોજાશે.

વધુ તેઓએ જણાવ્યું હતું કે આ તમામ પરીક્ષા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ કોલેજોના 130 કેન્દ્રો પર લેવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ ઉપર નીગરાણી રાખવા માટે 60 થી વધુ ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે.આ પરીક્ષા અગાઉ દિવાળી પૂર્વેજ લેવાનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આયોજન હતું પરંતુ એન.એસ.યુ.આઇ અને અન્ય સંગઠનના વિરોધ્ધના પગલે આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી અને હવે આ તમામ પરીક્ષા દિવાળી વેકેશન ખૂલતાની સાથે 22મી નવેમ્બરથી લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.