ગત દિવાળી ફિક્કી રહ્યા બાદ આ દિવાળીને હર્ષોલ્લાસ સાથે ઉજવવા લોકો આતુર, રોડ અને રસ્તા ઉપર લોકોની ચહલ પહલ વધી
અબતક, રાજકોટ : દિવાળીના તહેવારનો માહોલ જામ્યો છે. ગત દિવાળી ફિક્કી રહ્યા બાદ આ દિવાળીને હર્ષોલ્લાસ સાથે ઉજવવા લોકો આતુર બન્યા છે. જેને કારણે રોડ રસ્તા ઉપર લોકોની ચહલ પહલ વધતા ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી છે. કોરોનાના વળતા પાણી શરૂ થઈ જતા જ સરકાર ક્રમશ: છૂટછાટ જાહેર કરી રહી છે. ત્યારે ગત વર્ષે દિવાળી ફિક્કી રહ્યા બાદ આ વર્ષે દિવાળીનો પર્વ લોકો હર્ષોલ્લાસ સાથે ઉજવી શકે તે માટે સરકારે છુટછાટો જાહેર કરી દીધી છે. સાથે પોલીસે પણ હવે કુણું વલણ દાખવવાનું શરૂ કર્યું છે.
સામે લોકો પણ આ દિવાળીના પર્વને માણવા માટે ખૂબ આતુર બન્યા છે. શહેરના મોટાભાગના રોડ રસ્તા ઉપર લોકોની મોટા પ્રમાણમાં ચહલ પહલ જોવા મળી રહી છે. શહેરના અનેક રોડ ઉપર ટ્રાફિકના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર વાહનોની કતાર જામી રહી છે. સામે ટ્રાફિક પોલીસ સામે પણ પડકાર ઉભા થયા છે. લોકો ખરીદી અર્થે તેમજ બીજા કામ અર્થે મોટી સંખ્યામાં અવર જવર કરી રહ્યા હોય ટ્રાફિક શાખા રોડ ઉપર ટ્રાફિક ક્લિયર કરાવવા કામે લાગેલી જોવા મળે છે.