સમયની સાથે બદલાવું એ સંસારનો નિયમ છે તો સમયને બદલવો એ એક મહત્વાકાંક્ષી અભિયાન છે. અખંડ ભારતે વ્યવસાયિક  લેવડદેવડ માટે સાકરના બદલામાં ઘઉં અને મરચાંના બદલામાં હળદર જેવા વ્યવહારોનો જમાનો જોયો છે અને ત્યાંથી શરૂ થયેલી અર્થવ્યવસ્થા સોનું, ગાય, ભેસ, ઘોડા કે હાથી જેવા પ્રાણીઓની લેવડદેવડ થી માંડીને રોકડા રૂપિયા, ત્યારબાદ ચેક, ડેબિટ કે ક્રેડિટ કાર્ડ જેવી સંખ્યાબંધ પ્રથા માંથી પસાર થઇ છે. હવે આ વ્યવસ્થામાં છેલ્લા થોડા સમયથી ક્રિપ્ટો કરન્સીનું સ્થાન મજબુત બની રહ્યું છે. આમ તો વિશ્વમાં સૌ પ્રથમ ક્રિપ્ટો કરન્સી 2009 માં અસ્તિત્વમાં આવી હતી. આજે એક દાયકા બાદ હવે ભારતમાં આ બિઝનેસ પોતાનો પગદમડો જમાવી રહ્યો છૈ.

દિવાળી બાદ કદાચ આ માર્કેટ નવા સંસ્કરણ અને નવી સુવિધાઓ સાથે ભારતીય બજારમાં વધુ આક્રમકતા સાથે સ્થાન જમાવશે. કોઇનડેક્સ ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ જે વિશ્વની ઘણી ક્રિપ્ટો કરન્સીનાં ટ્રેડિંગનું પ્લેટફોર્મ છે તે હવે ઓ.ટી.સી એટલે કે ઓવર ધ કાઉન્ટર સુવિધા શરૂ કરે છે. તો ટુંકા વિડિયો પોસ્ટ કરવા માટેનું સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ ચિનગારી હવે સૌ પ્રથમ ભારતીય ક્રિપ્ટો ટોકન  ગારી લોન્ચ કરી રહ્યું છે. જે કદાચ આગામી દિવસોમાં સોશ્યલ મિડિયા ક્ષેત્રે ક્રાંતિનાં મંડાણ કરશે. કારણ કે નવી પેઢી મોબાઇલ ઉપર જીવનારી અને વર્ચ્યુઅલ લાઇફને અપનાવનારી છે એ સિધ્ધ થઇ ચુક્યુ છૈ.

ક્રિપ્ટો કરન્સી અને એનું ટ્રેડિંગ હાલમાં એવું ક્ષેત્ર છે જેની સાથે વિવાદોનું અને સવાલોનું લાંબુ લિસ્ટ છે.  પરંતુ આ વિવાદોને થોડા સમય માટે ખૂણામાં મુકીને કારોબાર જોઇએ તો ચોંકી જવાય એવું છે. ઓગસ્ટ-21 માં આવેલા આંકડા પ્રમાણે ભારતમાં આશરે 1.5 કરોડ લોકો ક્રિપ્ટો કરન્સીમાં કારોબાર કરવા માંડ્યા છે. દેશમાં એપ્રિલ-2020 માં ક્રિપ્ટો કરન્સીનાં કારોબારમાં 9230 લાખ ડોલરનું મુડીરોકાણ થયું હતું જે એક જ વર્ષમાં અને એ પણ લોકડાઉન વાળા મંદીનાં સમયગાળામાં 400 ટકા જેટલું વધીને મે-2021 માં 660 કરોડ ડોલરે પહોંચ્યું છે.

એવું કહેવાય છે કે ભારતમાં હાલમાં ક્રિપ્ટો કરન્સીમાં દૈનિક 1000 થી 1500 કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય છે. આ આંકડા સાથે એ પણ યાદ રાખવું કે હજુ ભારતમાં ક્રિપ્ટો કરન્સીનો કારોબાર કાયદેસર નથી, ભલે કદાચ તે હજુ ગેરકાયદે પણ નથી કારણ કે તેનું કાયદાકીય ફ્રેમ વર્ક હજુ તૈયાર નથી અને તેનું નિયમન પણ કોણ કરે તે નક્કી નથી. હવે વિચારો કે જો આ કાયદેસર થાય તો આંકડો ક્યાં જાય..?

યસ ધીસ ઇઝ અ હાઇટાઇમ ટુ થિંક..! જે રીતે આ કારોબાર વધી રહ્યો છૈ જોતા શું આ કારોબારને  બંધ કરી શકાય..? જો હા તો તે વહેલી તકે બંધ કેમ નથી થતો અને જો ના તો પછી તેના રેગ્યુલેટર નક્કી કરીને વહેલી તકે તેને કાયદેસર કરી દેવાની જરૂર છે. કદાચ આજ કારણ છે કે કોઇનડેક્સનાં  સી.ઇ.ઓ  સુમિત ગુપ્તાએ જ આ કારોબારને એસેટ કલાસનાં સેગ્મેન્ટમાં ઉમેરીને તેના ઉપર ટેક્ષ વસુલવાનું શરૂ કરવાની હિમાયત કરી છે. અહેવાલો તો એવા પણ આવ્યા છે કે આ કારોબારને કોમોડિટીનાં સેગ્મેન્ટમાં મુકીને તેના ઉપર નિયમન કરવું જોઇએ. શું એનું નિયમન રિઝર્વ બેંક કરે કે પછી ઇક્વીટી માર્કેટ રેગ્યુલેટર સેબી કરે..? જે કોઇ પણ કરે પણ અંતે તો તે ફાઇનાન્સ મિનીસ્ટ્રીની નિગરાની હેઠળ જ આવશે. જો આવશે તો..!

એક વાત એ પણ નક્કી છે કે આ કારોબાર હવે વધવાનો છે. કારણ કે ચિનગારી ગ્રુપના કોઇન ગારી નાના રોકાણકારોના વોલેટ સુધી પહોંચવાના છે. આયોજન એવું છે કે ચિનગારીના પ્લેટફોર્મ પર શોર્ટ વિડિયો પોસ્ટ કરનારને વળતર રુપે ગારી આપવામાં આવશે જે તેમના પેટીએમ એકાઉન્ટમાં જમા થશે અને ગારીની રૂપિયામાં જે કિંમત થતી હશે તેટલા રૂપિયાનું વળતર પેટીએમ મારફતે મેળવી શકાશે. યાદ રહે કે હાલમાં ચિનગારીનાં પાંચ કરોડથી વધારે યુઝર્સ છે. બે કરોડ જેટલા માસિક નિયમીત યુઝર્સ ગણીએ તેમાંથી જે લોકો પોતાની વિડીયો ક્રિયેટીવીટી પોસ્ટ કરશે તેને જો ચિનગારી  ગારી ના ફોર્મેટમાં ચુકવણું કરે તો એક વર્ષમા કેટલા ભારતીયો ગારી અને રૂપિયા વચ્ચેનો વહિવટ કરતા થાય તે વિચારો. શું આટલા અંતરિયાળ નેટવર્ક સુધી ક્રિપ્ટોનો કારોબાર પહોંચે તો તેને રાતોરાત બંધ કરી શકાય..? અને જો સરકાર કરે તો  ગારી નો વહિવટ કરનારાને 500 અને 1000 ની નોટ બંધ થયા જેટલો ઉહાપોહ ન થાય..?  કદાચ એટલે જ આગામી બજેટમાં ક્રિપ્ટોા કારોબાર અંગે કોઇક જાહેરાત થાય તો નવાઇ નહી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.