અબતક, નવી દિલ્હી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરવા માટે વેટિકન સિટી પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન વડાપ્રધાન મોદીએ પોપ ફ્રાન્સિસને ભારત આવવા માટે આમત્રણ આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પોપ સાથેની મુલાકાત દરમિયાન બંને વચ્ચે જળવાયુ પરીવર્તન, ગરીબી અને વિશ્વને વધુ સારૂ  બનાવવા બાબતે વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદી અને પોપ વચ્ચેની ૧ કલાક સુધી બેઠક ચાલી હતી.  વેટિકન સિટીમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ મોદી સાથે ઉપસ્થિત રહ્યા હતા.

બન્ને વચ્ચે એક કલાક ચાલી વાતચીત, જળવાયુ પરિવર્તન અને ગરીબી સહિતના મુદાઓ ઉપર ચર્ચા 

વડાપ્રધાન મોદીએ કેથોલિક ખ્રિસ્તીઓના સૌથી મોટા ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસ અને સેક્રેટરી ઓફ સ્ટેટ કાર્ડિનલ પીએત્રો પેરોલિન સાથે પણ મુલાકાત કરી હતી. પોપ સાથેની બેઠક વિદેશ મંત્રાલય તરીકે વડાપ્રધાનના સત્તાવાર કાર્યક્રમનો ભાગ ન હતી. પોપનો અંતિમ ભારત પ્રવાસ વર્ષ ૧૯૯૯માં થયો હતો જ્યારે અટલ બિહારી વાયપેયી વડાપ્રધાન હતા અને પોપ જોન પોલ દ્રીતીય ભારત પ્રવાસે આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન હવે ૫:૩૫ વાગ્યે જી ૨૦ શિખર સંમેલનમાં સ્વાગત અને સામૂહિક ફોટો કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ ૬:૧૦ વાગ્યે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન મોદી ઈટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગીના આમંત્રણ પર ૨૯થી ૩૧ ઓકટોબર સુધી રોમ, ઈટાલી અને વેટિકન શહેરના પ્રવાસ પર છે. શુક્રવારે ઈટાલી પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પીએમ મોદીએ ઈટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગી સાથે મુલાકાત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.