અબતક-રાજકોટ
રાજકોટમાં હાલ કોરોનાના માત્ર ૧૨ કેસ જ એક્ટિવ છે. દિવાળીના તહેવારમાં બહારગામથી મોટી સંખ્યામાં લોકો રાજકોટ આવતા હોય છે. જેના કારણે શહેરમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે કોર્પોરેશન દ્વારા દિવાળીના તહેવારમાં બહારગામથી રાજકોટ આવતા લોકોનું સ્ક્રિનીંગ કરવામાં આવશે. બસ સ્ટેશન, એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર કોર્પોરેશન દ્વારા ટીમો તૈનાત કરવામાં આવશે.
બસ સ્ટેશન, એરપોર્ટ અને રેલવે સ્ટેશને ટીમો તૈનાત કરાશે:
મેયર ડો.પ્રદિપ ડવ અને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાની જાહેરાત
દિવાળીના તહેવારો દરમ્યાન બહારગામથી પણ પ્રવાસીઓ રાજકોટમાં આવતા હોય છે ત્યારે કોરોનાની વર્તમાન પરિસ્થિતિને નજર સમક્ષ રાખી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન અને એર પોર્ટ ખાતે આરોગ્ય શાખાની ટીમો મારફત આગંતુક પ્રવાસીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવશે. જેમાં જો કોઈ પ્રવાસીનું સ્વાસ્થ્ય શંકાસ્પદ જણાશે તો તેનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે તેમ મેયર ડો. પ્રદિપ ડવ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યુ હતું.