તહેવારોની ઉજવણી ‘ટેસ’થી કરવા કોવિડ-19 નિયમોમાં છૂટ્ટોદોર આપતી સરકાર
નૂતનવર્ષ અને છઠ્ઠ પૂજાના કાર્યક્રમો 400 લોકોની મર્યાદામાં ઉજવી શકાશે, સિનેમા 100% ક્ષમતા સાથે ધમધમશે, 12 વાગ્યા સુધી નાસ્તા કરી શકશો
હવે દિવાળી મનાવો છૂટથી…. તહેવારોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કોરોના નિયમોમાં છૂટોદોર આપ્યો છે. હવે 30મી નવેમ્બર સુધી રાત્રીના એક વાગ્યા સુધી લટાર મારી શકશો…!! રાત્રી કરફ્યુ માત્ર 4 જ કલાક રહેશે. આ ઉપરાંત બહાર રોડ-રસ્તા પર રાત્રીના 12 વાગ્યા સુધી નાસ્તા પાણીનો જલશો માણી શકશો..!! જો કે, ફટાકડા તો માત્ર 2 કલાક સુધી જ ફોડી શકશો.સુપ્રીમ કોર્ટ અને સરકારન આદેશ મુજબ રાત્રે 8થી 10 દરમિયાન જ ફટાકડા ફોડી દિવાળી પર્વ મનાવી શકશો..!!
દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા કેટલીક છુટછાટ જાહેર કરવામાં આવી છે. રાજકોટ સહિત રાજ્યની તમામ આઠેય મહાનગરપાલિકાઓમાં કાલથી એક મહિના સુધી રાત્રી કરફયુમાં બે કલાકની છુટછાટ આપવામાં આવી છે. કાલથી રાત્રીના 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રી કરફયુ અમલમાં રહેશે. દુકાનો રાત્રીના 12 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. આ ઉપરાંત નૂતન વર્ષનું સ્નેહમિલન અને છઠ્ઠ પૂજા 400 વ્યક્તિઓની મર્યાદામાં કરી શકાશે.
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં આવતીકાલથી 30મી નવેમ્બર સુધી રાત્રીના 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રી કરફયુ અમલમાં રહેશે.
આ ઉપરાંત તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડિક ગુજરી/બજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારીક ગતિવિધિ રાત્રીના 12:00 કલાક સુધી ખુલ્લા રાખી શકાશે. રેસ્ટોરન્ટ્સ રાત્રીના 12:00 કલાક સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ 75% ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. હોમ ડીલીવરી તથા ટેઈકઅવે પણ રાત્રીના 12:00 કલાક સુધી ચાલુ રાખી શકાશે. સિનેમા હોલ 100% ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.
નૂતન વર્ષ નિમિતે સ્નેહમિલન ખુલ્લામાં મહત્તમ 400 વ્યક્તિઓ બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના 50% (મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં) કરી શકાશે. 400 વ્યક્તિઓની મર્યાદામાં છઠ્ઠ પૂજાના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી શકાશે.
સ્પા સેન્ટરો નિયત કોરોના ગાઈડલાઈનના ચુસ્તપણે પાલન સાથે સવારના 9:00 થી રાત્રીના 9:00 કલાક સુધી ચાલુ રાખી શકાશે. સ્પા સેન્ટરના માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજિયાત રહેશે.
સ્પા સેન્ટરના માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજિયાત રહેશે. જે વ્યક્તિઓના આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવેલ હોય તેવા કિસ્સાઓમાં આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવ્યાના 14 દિવસથી હોસ્પિટલથી રજા મળ્યાની તારીખથી 90 દિવસ પૂર્ણ થયા બાદ તુર્ત જ વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. પ્રથમ ડોઝ લીધાને નિયત સમય મર્યાદા પૂર્ણ થયેલ હોય તો બીજો ડોઝ પણ લીધેલ હોય તે હિતાવહ રહેશે.
રાત્રે બે કલાક જ ફટાકડા ફોડી શકશો, ઉત્સવના પ્રતિક પર લગામ કેમ?
હરખ, આનંદ ઉત્સવ અને ખાસ પ્રકાશનો પર્વ એટલે દિવાળી.. દિવાની રોશની તેમજ ફટાકડાની આતશબાજી દિવાળી તહેવારના મુખ્ય તત્વ છે. ફટાકડા અને આતશબાજી જ તો દિવાળીના તહેવારમાં મુખ્ય છે. માત્ર આનંદ પૂરતું જ નહીં પણ નવા વર્ષના વધામણાં માટે ફટાકડા ફોડવામાં આવે છે. ફટાકડા દિવાળી તહેવારનું પ્રતીક છે. પણ પ્રતીક સમાં આ ફટાકડા પર પ્રતિબંધ મુકાઈ રહ્યો છે. એટલે કે નૂતન વર્ષના વધામણાં કરવામાં પણ ગણી ગણીને અને એમાં પણ ઘડિયાળનો કાંટો જોઈ જોઈને ફટાકડા ફોડવાની નોબત આવી ગઈ છે. જી હા, સુપ્રીમ કોર્ટ અને સરકારના આદેશ મુજબ ગત વર્ષની જેમ આ વર્ષે પણ માત્ર 2 કલાક જ ફટાકડા ફોડવાની છૂટ અપાઈ છે.
રાત્રે 8:00થી લઈ 10:00 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે. એમાં પણ એકી સાથે લૂમ તો ફોડી જ નહીં શકાય. બજારમાં પણ લુમના વેચાણ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. ખૂબ અને એકીસાથે અવાજ કરતા ફટાકડા પર પાબંધી લાદી દેવાઈ છે. PESO માન્ય ફટાકડા જ વેચી અને ફોડી શકાશે.
આ ઉપરાંત જાહેર રોડ-રસ્તા ઉપર તેમજ હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલય, ધાર્મિક સ્થળોના 100 મીટરના વિસ્તારમાં ફટાકડા ફોડવા ઉપર મનાઈ ફરમાવી દેવામાં આવી છે. ઇન્ડસ્ટ્રીયલ તથા જીઆઇડીસીના 500 મીટરના વિસ્તારમાં ફટાકડા ફોડવા ઉપર મનાઈ ફરમાવવામાં આવી છે.
જર્મની, દુબઈ સહિત વિશ્વના તમામ દેશોમાં આતશબાજી થાય જ છે તો પછી ભારતમાં આટલા પ્રતિબંધ શા માટે ? જો કે આપણે સૌ કોઈને ખબર છે તેમ ભારતમાં જટિલ સમસ્યા બનતી જઈ રહેલા પ્રદુષણને નાથવા આ પ્રકારના કડક પ્રતિબંધો લદાયા છે. પણ જો આપણે પણ અન્યોની જેમ આતશબાજી કરી ઉજવણી કરવી હોય તો પ્રદુષણના રાક્ષસને નાથવો પડશે..!! પર્યાવરણને સુરક્ષિત કરીએ ને તહેવરોની સુરક્ષિત ઉજવણી કરીએ..!!
કોરોના ભાગ્યો… મહાત્મા મંદીરની 900 પથારીઓ સંકેલાઈ ગઈ
ગુજરાત જાગ્યું…. કોરોના ભાગ્યું…. લોકો તેમજ સ્થાનિક તંત્ર અને સરકારની સતર્કતા, જાગરૂકતાથી કોરોના ભાગ્યો છે. કેસ ઘટ્યા છે તો સામે સાજા થવાનો દર અનેકગણો વધ્યો છે. ત્યારે હવે આગામી તહેવારોની ઉજવણીમાં પણ કોરોનાનું વિઘ્ન દૂર થયું છે. જો કે સાવચેતી જરૂરી છે. કોરોના ભાગતા મહાત્મા મંદિરની 900 પથરીઓ સંકેલાઈ ગઈ છે.
આગામી જાન્યુઆરી માસમાં વાયબ્રન્ટ ગુજરાત સમીટ યોજાવાની છે. જેને લઈ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજ્ય સરકારના કાર્યક્રમો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે જ યોજાય છે. ગત સમીટની જેમ આ સમીટ પણ મહાત્મા મંદિર ખાતે યોજાવાની છે. ત્યારે કોરોનાકાળમાં બેડની અછતે કોરોના હોસ્પિટલ બની ગયેલ મહાત્મા મંદિરને ફરી જેસે થે કરાયું છે. અહીં 900 બેડની વ્યવસ્થા કરાઈ હતી.
જેને ખાલી કરવામાં આવી રહ્યા છે. આ સાથે સંબંધિત એક અધિકારીએ જણાવ્યું કે કોરોના કાળ દરમ્યાન પથારીની અછત ઊભી થઈ હતી. જેને પૂરી કરવા મહાત્મા મંદિરમાં જ કોરોના હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી. અહીં આશરે 20 કરોડ રૂપિયાના સાધન સરંજામ ગોઠવવામાં આવ્યા હતા. જેને વાયબ્રન્ટ સમીટ માટે હવે ખસેડવામાં આવી રહ્યા છે.