જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયાના સાર્થક પ્રયાસથી વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી
બાબરાની સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનું નવું બિલ્ડીંગ બનાવવા માટે અગાઉ નીલવડા રોડ ઉપર જીઆઇડીસીથી પણ આગળ દૂર જમીન ફાળવી હતી. આ જગ્યા ખૂબ દૂર થતી હોવાથી વિદ્યાર્થીઓને ખૂબ અગવડતા પડે તેમ હતું. ખાસ કરીને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દીકરીઓને ખૂબ તકલીફ થાય તેમ હતું. મુખ્યત્વે સલામતીનો પ્રશ્ન હોવાથી દીકરીઓને માતા-પિતા કોલેજે જવા દે કે કેમ એ પ્રશ્ન હતો, જેથી આ બાબતે વિદ્યાર્થીઓ અને કોલેજના પ્રિન્સીપાલ દ્વારા વારંવાર રજૂઆતો કરાઈ હતી.
આ બાબતે બાબરા ભાજપના આગેવાન અને જિલ્લા ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસિયા, સંઘ અગ્રણી ભરતભાઈ રાદડીયા અને કોલેજના પ્રિન્સિપાલ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાને રૂબરૂ મળી વિગતે રજૂઆત કરી હતી. કૌશિકભાઈએ આગેવાનોને સાથે રાખી અમરેલી કલેક્ટરને રૂબરૂ રજૂઆત કરી હતી. ત્યારબાદ સરકારમાં પણ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી અને મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીને અવારનવાર ગાંધીનગર ખાતે રૂબરૂ મળી રજૂઆતો કરી હતી.
આ રજૂઆતોને ધ્યાને લઈ શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ અંગત રસ લઈ કલેકટર અમરેલીને સૂચના આપતા તુરંત કાર્યવાહી કરવા કહ્યું હતું. જેથી અમરેલી કલેક્ટર દ્વારા બાબરા સરકારી કોલેજને કમળશી હાઇસ્કૂલની બાજુમાં પડેલી ફાજલ જમીન ફાળવવાનો હુકમ કર્યો છે. જેથી ટૂંક સમયમાં આ જમીન ઉપર કોલેજનું નવું બિલ્ડીંગ આકાર લેશે.
ગુજરાતની ભાજપ સરકારના આ ત્વરિત પગલાંથી બાબરા શહેર અને તાલુકાના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોમાં ખૂબ હર્ષની લાગણી છે અને આ માટે તેઓ જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા, ગુજરાતની ભાજપ સરકાર અને ભાજપના આગેવાનોનો આભાર માને છે.