સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના પ્રાધ્યાપકો ડો. રવિસિંહ ઝાલા અને ડો. કમલ મહેતાએ જયમલ્લ પરમાર સંપાદિત લોકકથાઓનો કર્યો અંગ્રેજી અનુવાદ
સૌરાષ્ટ્રની લોકકથાઓ ખૂબજ રસપ્રદ અને ગુજરાતીનાં જાણકાર લોકો માટે બહુમૂલ્ય છે પણ એને વિશ્ર્વ પ્રસિધ્ધ કરવા માટે અંગ્રેજી અનુવાદ કરવો અનિવાર્ય બની રહે છે, આ કામ કર્યું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના પ્રાધ્યાપકો ડો. રવિસિંહ ઝાલા અને ડો. કમલ મહેતાએ. પ્રસિધ્ધ લોકસાહિત્ય લેખક-સંપાદક જયમલ્લ પરમાર સંપાદિત ‘નર પટાધર નીપજે’માંથી પસંદ કરેલી લોકકથાઓનો અંગ્રેજી અનુવાદ બે પ્રાધ્યાપકોએ કર્યો જે પુસ્તકનું તાજેતરમાં પૂ. મોરારિબાપુના હસ્તે વિમોચન થયું.
રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા આયોજિત ભવ્ય કાર્યક્રમમાં મૂળે ગુજરાતીમાં સંપાદિત થયેલી ‘નરપટાધર નીપજે’ના વિવિધ ગ્રંથોમાંથી પસંદ કરાયેલી કેટલીક સૌરાષ્ટ્રની લોકકથાઓનાં અંગ્રેજી ભવનના પ્રાધ્યાપકો રવિસિંહ ઝાલા અને કમલ મહેતા દ્વારા અનુવાદિત અને સંપાદિત થયેલા પુસ્તકનું પૂ. મોરારિબાપુના હસ્તે વિમોચન કરવામા આવેલુ હતુ. સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ અને જીવનશૈલીના દર્શન કરાવતી વિવિધ પ્રક્યાત લોકસાહિત્યકારો જેવા કે જયમલ્લ પરમાર, રતુદાન રોહડિયા, કાનજીભાઈ બારોટ, પિંગળશીભાઈ ગઢવી, નાજાભાઈ વાળા, દાદભાઈ વાળા, મુળુભાઈ પાલિયા, બચુભાઈ, હિંગળાજ નારોલા, અમરદાસ ખારાવાળા અને મેકરણ લીલા દ્વારા કહેવાયેલી કુલ 19 વાર્તાઓનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો છે.
ગુજરાતી નહિ જાણનારા લોકસાહિત્ય રસિકોને આ પુસ્તક સૌરાષ્ટ્રની લોકકથાઓનો રસાસ્વાદ કરાવવામાં સફળ થશે. પુસ્તકમાં અંતે જે શબ્દોને ભાષાંતરિત કરી ન શકાય તેવા શબ્દોની એક ‘ગ્લોસરી’ (શબ્દસૂચિ) પણ અંગ્રેજીમાં સમજૂતી સાથે આપવામાં આવેલ છે જે ગુજરાતી ભાષા અને પરંપરાથી અપરિચિત વાંચકોને અભાષાંતરણીય શબ્દોની સમજણ આપે છે. આ ભાષાંતરને સફળ બનાવવા માટે ભવનના જ કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને થોડાક અનુવાદકલાના નિષ્ણાંતોની બે દિવસીય કાર્યશાળાનું પણ આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર અને ‘અંગ્રેજી ભવન એલ્યુમની એસોસિએશન’ના સહયોગથી કરવામાં આવેલ હતુ. જેમાં અનુવાદનો કાચો ડ્રાફટ તૈયાર કરવામાં આવેલ હતો અને ત્યારબાદ અંગ્રેજી ભવનના પ્રાધ્યાપકો રવિસિંહ ઝાલા અને કમલ મહેતા દ્વારા તેમનું ભાષા અને શૈલીને ધ્યાનમાં રાખીને સંપાદિત કરવામાં આવેલ હતુ.
આ પુસ્તકને ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલું છે. રવિસિંહ ઝાલા અને કમલ મહેતા દ્વારા આપણી લોકકથાઓનાં અનુવાદનું આ બીજું પુસ્તક પ્રકાશિત થયું છે. ઝવેરચંદ મેઘાણી દ્વારા તેમના રવીન્દ્રનાથ ઠાકુરના શાંતિનિકેતનમાં આપવામાં આવેલા વ્યાખ્યાનોનું પણ અંગ્રેજી અનુવાદ કરવામા આવેલ છે જે આવનાર સમયમાં પ્રકાશિત થશે. અંગ્રેજી ભવન ગુજરાતીથી અંગ્રેજી કરનારા અનુવાદકોની ટીમ તૈયાર કરવાનું કાર્ય ઘણા સમયથી કરી રહી છે. ભવનોનાં વિદ્યાર્થીઓનાં અનુવાદો પણ દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓ કરી રહી છે જે ગૌરવની વાત છે. પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોષી, રઘુવીર ચૌધરી, સુરેશ જોશી અને અન્ય લેખકોનાં પુસ્તકો ભવનના વિદ્યાર્થીઓએ અનુવાદ કરીને પ્રકાશિત કર્યા છે. આમ, અંગ્રેજી ભવન દ્વારા ગુજરાતી સાહિત્યની સુંદર સેવા થઈ રહી છે.