અધિક કલેકટરના બંગલામાંથી 3.10 લાખ અને બાજુમાં આવેલ હોમિયોપેથી તબીબના મકાનમાંથી 1.53 લાખની ઉઠાંતરી નેપાળી ગેંગ સકંજામાં
રાજકોટના પૂર્વ અધિક કલેકટરના બંગલા સહિત બે મકાનને નિશાન બનાવી તસ્કરો રૂા. 4.63 લાખની મતાની ચોરી કરી ગયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાતા પોલીસે નેપાળી તસ્કર ગેંગને સકંજામાં લઇ પુછપરછ હાથ ધરી છે. તસ્કરો અધિક કલેકટરના બંગલામાંથી રૂા 3.10 લાખની જ્યારે પાડોશમાં રહેતા હોમિયોપેથી તબીબના મકાનમાંથી 1.53 લાખની મત્તા ઉઠાવી ગયા હતા.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટના પૂર્વ એડીશ્નલ કલેકટર (હાલ અમદાવાદ) પરીમલભાઇ પંડયાના એરપોર્ટ રોડ પર આવેલી વસુધરા રેસીડન્સીમાં બંધ બંગલો નં. 93માં ગત તા. 24/10ના રોજ ચોરીનો બનાવ બનેલો જે અંગે તેમના પત્નિ કિરણબેન પંડયાએ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ તેઓ ગત તા. 23/10 સુરત ગયા હતા. જ્યાથી બીજા દિવસે પરત ઘરે આવ્યા ત્યારે દરવાજાનો નકુચો તૂટેલો હતો અંદર જતાં ઉપરના માળેથી કોઇ વસ્તુ પડવાનો અવાજ આવતા જોવા જતાં એક અજાણ્યો શખ્સ ગેલેરીમાંથી કૂદીને ભાગી ગયો હતો. જેની સાથે બીજા બે શખ્સો પણ હતા.
જેથી કિરણબેને તપાસ કરતા રૂમના કબાટમાંથી તસ્કરો સોના – ચાંદીના દાગીના અને 30 હજારની રોકડ મળી કુલ રૂા. 3.10 લાખની ચોરી કરી ગયા હતા.જ્યારે તસ્કરો અધિક કલેકટરના બંગલાને નિશાન બનાવતા પહેલા વૈશાલીનગરમાં હોમિયોપેથી તબીબના મકાનમાંથી પણ ચોરી કરી હતી આ અંગે વૌશાલીનગર શેરી નં. 5માં રહેતા અને મુળ થાનગઢના હોમિયોપેથી ડોકટર નીરવભાઇ નીતીનભાઇ લખતરીયા (ઉ.વ. 31)એ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણામવ્યા મુજબ તેઓ બે મહિનાથી થાનગઢનું કલીનીક સંભાળતા હતા.
દરમિયાન ગત તા. 17/10ના રોજ વૈશાલીનગરમાં તેમના મકાનના તાળા તોડી તસ્કરો સોના – ચાંદીના દાગીના કિ. 1.53 લાખની ચોરી કરી ગયા હતા.આ અંગે પોલીસે નેપાળી તસ્કર ગેંગને સકંજામાં લઇ પુછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.