ભાડા કરાર પૂર્ણ થયા બાદ ભાડુ ન ચુકવી અને ફલેટ ખાલી ન કરી એટ્રોસિટીની ધમકી આપતો, લેન્ડ ગ્રેબીંગ હેઠળ નોંધાતો ગુનો: તાજેતરમાં આજી ડેમ પોલીસ મથકના ચોપડે ચડી ચુકયો
શહેરના રૈયા રોડ પર આવેલ અમરનાથ એપાર્ટમેન્ટમાં પ્રથમ માળનો ફલેટ પચાવી પાડનાર પોલીસ કોન્સ્ટેબલ સામે લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.વધુ વિગત મુજબ શહેરના કાલાવડ રોડ નજીક મીરામાધવ એપાર્ટમેન્ટમાં રહેતા દિલીપભાઈ રતીભાઈ વાઢેર નામના કોન્ટ્રાકટરનો રૈયા રોડ પર અમરનાથ એપાર્ટમેન્ટના બી.બીલ્ડીંગના પ્રથમ માળનો ફલેટમાં ભાડે રહેતા ગૌતમ જેમલભાઈ વાઘેલા નામના પોલીસ કોન્સ્ટેબલ ભાડા કરાર પૂર્ણ થયા બાદ ફલેટનુ ભાડુ ન ચુકવી અને ફલેટ ખાલી ન કરતા હોવાથી દિલીપભાઈ વાઢેર અવાર નવાર ફલેટ ખાલી દેવા અને સમયસર ભાડુ ચુકવવાનુ કહેતા પોલીસમેન ગૌતમ વાઘેલા હવે જો ફલેટ ખાલી કરાવવાનુ અને ભાડુ માંગ્યુ તો એસ્ટ્રોસીટી હેઠળ ફરીયાદ કરવાની ધમકી આપતો હતો. આથી ફલેટ માલીક દિલીપભાઈ વાઢેર દ્વારા નવા કાયદા લેન્ડ ગ્રેબીંગ હેઠળ જીલ્લા કલેકટરને અરજી આપી હતી.
જીલ્લા કલેકટરની કમીટી દ્વારા દિલીપભાઈ વાઢેરની ફરીયાદ નોંધવા આપેલા આદેશને પગલે પશ્ચિમ વિભાગના મદદનીશ પોલીસ કમિશ્નર પી.કે.દિયોરાના માર્ગદર્શન હેઠળ ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઈ. કે.એ.વાળા સહિતના સ્ટાફે અમરનાથ એપાર્ટમેન્ટમાં રહેતો ગૌતમ જેમલ વાઘેલા સામે લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો નોંધી અટકાયત કરી છે.
ઝડપાયેલા ગૌતમ વાઘેલા રાજકોટ શહેરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો ત્યાર બાદ મોરબી શહેર અને ત્યાંથી ડાંગ ખાતે બદલી કરવામાં આવી છે. ગૌતમ વાઘેલા સામે રાજકોટના કરણપરા વિસ્તારમાં મહીલાની છેડતી, એ.સી.બી. અને આજી ડેમ પોલીસ મથકના ચોપડે ચડી ચુકયો છે.