કોર્પોરેશન વાહન ચાર્જ વસુલશે નહીં કે વાહન ટોઈંગ પણ નહીં કરે: આરટીઓ અને પોલીસ વિભાગ સુચવશે ત્યાં માત્ર સિવિલ વર્ક સાથે પે એન્ડ પાર્ક ઉભો કરી આપશે
પ્રિમીયમ, નોન-પ્રિમીયમ, ઓફલાઈન અને ઓનલાઈન એરીયામાંથી પણ શહેરીજનોને મુક્તિ: માત્ર હયાત પે એન્ડ પાર્કમાં જ વાહન પાર્કિંગના નિયત કરાયેલો ચાર્જ ચૂકવવો પડશે: પાર્કિંગ પોલીસી અને બાય-લોઝ સુધારા સાથે મંજૂર કરતી સ્ટેન્ડિંગ
સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશના પગલે મહાપાલિકા દ્વારા બનાવવામાં આવેલી પાર્કિંગ પોલીસી અને બાય-લોઝમાં એવું સુચવવામાં આવ્યું હતું કે, જો રાજકોટવાસીઓ પોતાના ઘર કે વ્યવસાયના સ્થળે પોતાનું વાહન પાર્કિંગ કરશે તો તેનો ચાર્જ વસુલ કરવામાં આવશે. દરમિયાન આજે બપોરે કોર્પોરેશનમાં ચેરમેન પુષ્કરભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં પાર્કિંગ પોલીસી અને બાય-લોઝને સુધારા સાથે મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
રાજકોટવાસીઓએ ઘર કે દુકાન પાસે વાહન પાર્કિંગ માટે એક પૈસો પણ ચૂકવવો નહીં પડે. પ્રિમીયમ-નોન-પ્રિમીયમ, ઓફલાઈન અને ઓનલાઈન એરીયાની ઝંઝટમાંથી શહેરીજનોને મુક્તિ આપવામાં આવી છે. મહાપાલિકા દ્વારા હાલ જે 41 સ્થળોએ પે-એન્ડ પાર્ક બનાવવામાં આવ્યા છે. ત્યાં જ વાહન રાખવા માટે શહેરીજનોએ પૈસા ચૂકવવા પડશે. આટલું જ નહીં કોર્પોરેશન કોઈપણ વાહન ટોઈંગ પણ નહીં કરે કે દંડ પણ નહીં ઉઘરાવેે. માત્ર આરટીઓ કે પોલીસ દ્વારા સુચન આવશે તો નવા પે એન્ડ પાર્ક બનાવવા માટે જગ્યા ફાળવી ત્યાં જરૂરી સિવિલ વર્ક કરી આપશે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં તમામ 40 દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી. પાર્કિંગ પોલીસી જરૂરી સુધારા-વધારા સાથે મંજૂર કરવામાં આવી છે. રાજકોટવાસીઓએ પોતાના ઘર કે દુકાન પાસે વાહન પાર્કિંગ માટે કોઈ ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં. માત્ર હાલ હયાત 41 પે એન્ડ પાર્કમાં જ નિયત કરાયેલ ચાર્જ વસુલ કરવામાં આવશે. તેઓએ ઉમેર્યું હતું કે, હાલમાં 41 અધિકૃત પાર્કિંગ સાઈટ છે, જેમાંથી 14 સ્થળોના પરવાના એજન્સીઓ ચલાવે છે જ્યારે બાકીની સાઇટ આવકના 80:20 ગુણોત્તર પર ચલાવવામાં આવે છે
જી.પી.એમ.સી એક્ટ-1949 ની કલમ 458 મુજબ પાર્કિંગની સુવિધા પુરી પાડવી અને પાર્કિંગની જાળવણી કરવી એ સ્થાનિક સતામંડળની જવાબદારી છે જો કે પાર્કિંગનું અમલીકરણ એ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવે છે. તેઓ ગેરકાયદેસર પાર્ક કરેલા વાહનોને દંડ અથવા દુર કરે છે. વિશ્વમાં મોટા ભાગની સ્થાનિક સંસ્થાઓ પાર્કિંગ નીતિ લાગુ કરવા માટે તથા પાર્કિંગનાં કાર્યક્ષમ સંચાલન માટે તેમના સંબંધિત ટ્રાફિક પોલીસ વિભાગ સાથે ભાગીદારી કરવામાં આવે છે. આમ, ખરેખર પાર્કિંગ વ્યવસ્થાપન કાર્યક્ષમતા માટે અમલીકરણની જવાબદારી મહાનગરપાલિકા સાથે સયુંકત રીતે કરવી જોઈએ. ખાનગી વાહનોમાં વિપુલ પ્રમાણમાં પાર્કિંગ ક્ષમતાની જરૂર હોય છે. તેઓ લાંબા સમય સુધી પાર્ક કરે છે. તેના સુયોગ્ય આયોજન માટે પાર્કિંગ પોલીસીની જરૂરીયાત રહે છે.
સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં લેવાયેલા મુખ્ય નિર્ણયો
- રોડ રસ્તાના કામો માટે રૂા.8.88 કરોડનો ખર્ચ મંજૂર
- લક્ષ્મીનગર અંડરબ્રિજને લાગુ 4 રસ્તાઓ પહોળા કરવા લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ લાગુ
- હવા શુદ્ધિકરણની કામગીરી માટે સર્વે કરવા એજન્સી નિયુક્ત
- સોલીડ વેસ્ટ શાખા માટે 2 વાહનો ખરીદવા રૂા.56.54 લાખ મંજૂર
- 50 નંગ કોમ્પ્યુટર અને 50 નંગ પ્રિન્ટર ખરીદાશે
- કોવિડ કામગીરી માટે આઉટ સોર્સીંગ એજન્સી મારફત ભરવામાં આવેલા સ્ટાફની મુદતમાં વધારો
રાજકોટની પાર્કિંગ પોલીસી સુરત કોર્પોરેશનની પાર્કિંગ પોલીસી તથા રાજ્ય સરકારનાં માર્ગદર્શન અન્યવે તૈયાર કરવામાં આવેલ છે, પાર્કિંગ પોલીસી હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટેનાં આદેશ અન્વયે તૈયાર કરવામાં આવી છે.શહેર માટે ઓન સ્ટ્રીટ પાર્કિંગ, ઓફ સ્ટ્રીટ પાર્કિંગ, વાહનોનાં લોડીંગ/ અનલોડીંગ, પાર્કિંગ પરવાના, આરક્ષિત પાર્કિંગ, મોટર સાયકલ અને સાયકલ પાર્કિંગને સંબોધિત કરવા નીતિઓ અને ક્રિયાઓ આ પાર્કિંગ પોલીસીમાં સ્થાન પામે છે.
સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અન્ય શહેરોની પાર્કિંગ પોલીસીનો અભ્યાસ તથા અન્ય શહેરમાં તેને લાગુ કર્યા બાદ આવેલ મુશ્કેલીને ધ્યાને લઇ રાજકોટ શહેરની પાર્કિંગ પોલીસીમાં કેટલાક ફેરફાર સુચવવામાં આવ્યા છે. જેમાં પાર્કિંગ પોલીસીનો અભ્યાસ તથા તેને લાગુ કર્યા બાદ આવેલ મુશ્કેલીને ધ્યાને લઇ શહેરની પાર્કિંગ પોલીસીમાં પાર્કિંગનાં દર એક સમાન રહે તે માટે હાલ પ્રીમિયમ વિસ્તારો અથવા શેરીઓ અને નોન-પ્રીમીયમ વિસ્તારોની જોગવાઈ અત્રે રજુ કરવામાં આવેલ પાર્કિંગ પોલીસીમાંથી પડતી મુકેલ છે. જેથી સામાન્ય જનતાને પ્રીમિયમ વિસ્તારો માટે વધુ પાર્કિંગ ચાર્જ આપવામાંથી મુક્તિ મળશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે પાર્કિંગની આવકને નફો અને આવક કમાવવાનું સાધન માનવામાં આવશે નહીં. મહેસૂલ આવકનો ઉપયોગ શહેરના સ્થાનિક માર્ગ સુધારણા યોજનાઓ માટે સ્થાનિક હિતધારકોની સલાહ-સૂચનો લઈ કામગીરી કરવામાં આવશે.
મહાપાલિકા દ્વારા હાલ ટ્રાફિક, ટ્રાન્સપોર્ટ અને પાર્કિગ મેનેજમેન્ટ શાખા અસ્તિત્વ ધરાવતી હોઈ જેથી હાલ અલગથી ટ્રાફિક સેલ ઉભો કરવાની જરૂરિયાત જણાતી નથી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ તેની ટ્રાફિક, ટ્રાન્સપોર્ટ અને પાર્કિગ મેનેજમેન્ટ શાખા મારફતે જરૂર જણાયે સરકારનાં તમામ વિભોગો સાથે સંકલન કરી કાર્યવાહી કરવાની રહેશે તથા આ પાર્કિંગ સેલમાં શહેરની વિવિધ વિભાગોના અધિકારીઓની ટીમ જેમ કે સિટી ટ્રાફિક પોલીસ, એસ્ટેટ/ટીડીઓ, ટ્રાફિક એન્જિનિયરિંગ, સિટી પ્લાનિંગ, રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ તમામ સાથે સંકલન કરી પાર્કિંગ પોલીસીની અમલવારી કરવાની રહેશે. આ સેલ ટ્રાફિક એન્જિનિયરિંગ અને શહેરી આયોજનના ક્ષેત્રમાં કોઈપણ નિષ્ણાંત અથવા પ્રતિષ્ઠિત વ્યક્તિને તેમના મંતવ્યો લેવા માટે સાંકળી શકે છે. વિવિધ સત્તાવાળાઓ શહેર માટે ટ્રાફિક અને પાર્કિંગ સેલ દ્વારા વિનંતી મુજબ તેમના ખર્ચે પૂરતો સ્ટાફ પૂરો પાડશે.
ગેરકાયદેસર રીતે પાર્ક થતા વાહનોને ખસેડવાની કામગીરી લગત સરકારી વિભાગ દ્વારા કરવામાં આવશે. મહાપાલિકા દ્વારા વહીવટી ગુંચ ન થાય તે અર્થે કોઈપણ વાહન પર ડાયરેક્ટ કાર્યવાહી કરવામાં આવશે નહી, તથા તેના માટે કોઈ પણ પ્રકારની ફી કે વધારાનો ચાર્જે અત્રેથી સૂચવવામાં આવતો નથી. મહાપાલિકા દ્વારા જરૂર જણાયે તથા કોઈ પણ સરકારની એજન્સીની સૂચન અન્વયે રસ્તાઓને પાર્કિંગ માટે સ્પષ્ટ રીતે સીમાંકન કરશે.
પ્રુફ ઓફ પાર્કિંગની જોગવાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટની પોલીસી કે જોગવાઈને આધીન વિચાર કરવામાં આવશે, હાલ તેનો કોઈ અમલ કરવામાં આવશે નહી. મુખ્ય રસ્તાઓ પર પાર્કિંગ કરવા માટે પાર્કિંગ પરમીટની જોગવાઈ નાબુદ કરવામાં આવે છે, જેથી શેહેરીજનો પર કોઈ વધારાનો પાર્કિંગ પરમીટ ચાર્જનો બોજો નાબુદ કરવામાં આવે છે. હાલ મહાપાલિકા હસ્તકનાં પાર્કિંગ પ્લોટ પૈકી પાર્કિંગ કરવા માટે માસિક પરમીટ જૂની જોગવાઈ મુજબ ચાલુ રહશે.
હાલ રસ્તાની માલિકી ધરાવે છે, તેમાં રિક્ષા કે ટેક્ષી પાર્કિંગ નક્કી કરવા માટે શહેરનાં ટ્રાફિક પોલીસ, આર.ટી.ઓ સાથે સંકલન કરી આવી જગ્યાઓ આવા પાર્કિંગની જગ્યાઓ નક્કી કરવામાં આવશે. મહાપાલિકા દ્વારા તમામ વિભોગો સાથે સંકલન થયા બાદ જરૂરી રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવશે જેવા કે સાઈન બોર્ડ, નો-પાર્કિંગ બોર્ડ, રોડ પરનાં માર્કિંગ વિગેરે હાલ રસ્તાની માલિકી ધરાવે છે જેથી મોટા વાહનો જેવા કે ટ્રક, મેટાડોર જેવા વાહનો માટે શહેરનાં ટ્રાફિક પોલીસ, આર.ટી.ઓ સાથે સંકલન કરી આવી ચોક્કસ જગ્યા નક્કી કરવામાં આવશે, જરૂરે જણાયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ વિભોગો સાથે સંકલન થયા બાદ જરુરી રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવશે જેવા કે સાઈન બોર્ડ, નો-પાર્કિંગ બોર્ડ, રોડ પરનાં માર્કિંગ, નો એન્ટ્રી, એન્ટ્રી ફોર હેવી વ્હીકલ ઓનલી રહેશે.
પાર્કિંગ ચાર્જની સમય અવધીમાં વધારો: 3-3 કલાકના સ્લોટ
શહેરમાં હાલ મહાપાલિકા દ્વારા 41 સ્થળે પે એન્ડ પાર્ક બનાવવામાં આવ્યા છે. જે પૈકી બ્રિજનું કામ ચાલુ હોવાના કારણે હાલ માત્ર 36 સ્થળોએ જ પે એન્ડ પાર્ક કાર્યરત છે. જેમાં હાલ 1 કલાક વાહન પાર્ક કરનાર પાસેથી ચાર્જ વસુલ કરવામાં આવે છે. પાર્કિંગ ચાર્જની અવધીમાં વધારો કરવામાં આવ્યો છે અને અલગ અલગ 5 સ્લોટ બનાવવામાં આવ્યા છે. જેમાં 3 કલાક ટુ-વ્હીલર પાર્ક કરનાર પાસેથી રૂા.5, 3 થી 6 કલાક માટે રૂા.10, 6 થી 9 કલાક માટે રૂા.15, 9 થી 12 કલાક માટે રૂા.20 અને 12 થી 24 કલાક માટે રૂા.25 નિયત કરવામાં આવ્યા છે.
જ્યારે થ્રી વ્હીલર માટે અનુક્રમે રૂા.10, 15, 20, 25 અને 30, કાર માટે રૂા.20, 30, 50, 60 અને 80, લાઈટ કોમર્શીયલ વ્હીકલ માટે રૂા.20, 30, 60, 80 અને 100 જ્યારે હેવી કોમર્શીયલ વ્હીકલ માટે રૂા.40, 50, 70, 100 અને 120 પાર્કિંગ પરમીટ ચાર્જના દરો વાહનવાઈઝ ફક્ત પાર્કિંગ પ્લોટમાં પાર્ક કરવાના રહેશે. જેમાં કોઈ વાહન ચાલક માસીક દર ચૂકવવા માંગતો હશે તો ટુ-વ્હીલર માટે રૂા.350, લાઈટ કોમર્શીયલ વ્હીકલ, મોટર કાર અને ફોર વ્હીલર માટે રૂા.600 જ્યારે ટ્રક, બસ, જેસીબી, મેટાડોર અને ટ્રેકટર માટે રૂા.1200 નક્કી કરવામાં આવ્યા છે.
સ્ટેન્ડિંગમાં 40 દરખાસ્તોને બહાલી: 15.26 કરોડના વિકાસ કામોને લીલીઝંડી
આજે ચેરમેન પુષ્કરભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં તમામ 40 દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી. 15.26 કરોડના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે. સૌથી વધુ શહેરના અલગ અલગ વિસ્તારોમાં રોડ-રસ્તાના કામો માટે રૂા.8.87 કરોડનો ખર્ચ મંજૂર કરવામા આવ્યો છે જેમાં વોર્ડ નં.12માં ગોંડલ રોડ, ટાટા શો રૂમથી પુનમ ડમ્પર સુધી 15 મીટર ડીપી રોડ પર પેવર કરવા રૂા.75.26 લાખ, ફાલ્કન પંપથી સત્યનારાયણ બ્રિજ સુધીનારસ્તા પર પેવર કાર્પેટ કરવા રૂા.87.82 લાખ, વાવડી વિસ્તારમાં ગોપાલ હોટલથી ગોંડલ રોડને જોડતા રસ્તા પર પેવર કાર્પેટ કરવા રૂા.1.60 કરોડ, વાવડી વિસ્તારમાં રસુલપરા કાંગસીયાળીવાળા રોડને પેવર કરવા રૂા.2.13 કરોડ,
વોર્ડ નં.4માં મધુવન સોસાયટી ટીપી રોડ અને સમર્પણ પાર્ટી પ્લોટથી જૂના મોરબી રોડ સુધીના રોડની વાઈડીંગ કરવા રૂા.80.50 લાખ, વોર્ડ નં.2માં ધ્રુવનગર, ચૂડાસમા પ્લોટ, શ્રેયસ સોસાયટી સહિતના વિસ્તારોમાં પેવીંગ બ્લોક નાખવા રૂા.39.38 લાખ, વોર્ડ નં.15માં શ્રી સહજાનંદ પાર્ક-2 રહેણાંક વિસ્તારમાં મેટલીંગ કરવા રૂ.15.50 લાખ અને નેશનલ હાઈવે પર કિશાન ગૌશાલા રોડ પાસે મુકેશ પાર્ક અને રામપાર્કમાં મેટલીંગ કરવા રૂા.17 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. ભૂગર્ભ ગટરના કામો માટે રૂા.27.30 લાખ, વોટર વર્કસના કામ માટે રૂા.70.54 લાખ, આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે રૂા.51.15 લાખ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના કામ માટે રૂા.77 લાખ સહિતનો ખર્ચ મંજૂરીને બહાલી આપવામાં આવી છે.
નિયમ ભંગ કરનારને સમર્થન આપતો નિર્ણય
સમય મર્યાદા પહેલા વેંચાઈ ગયેલા 3012 આવાસનો દસ્તાવેજ કરી અપાશે
સામાન્ય નાગરિકને ઘરનું ઘર મળી રહે તે માટે સરકાર દ્વારા નજીવા દરે આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને ફલેટ આપવામાં આવે છે. આ ફલેટનું વેંચાણ અમુક સમય મર્યાદા સુધી કરી શકાતું નથી. દરમિયાન આજે કોર્પોરેશનમાં મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં નિયમ ભંગ કરનાર લોકોને સમર્થન આપતો નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ યોજના અંતર્ગત બનાવવામાં આવેલા 3012 જેટલા આવાસો મુળ લાભાર્થીઓએ નિયત સમય મર્યાદા પહેલા જ અન્યને વેંચી માર્યા છે.
દસ્તાવેજની સમસ્યા સર્જાતા હવે હાલ વસવાટ કરતા લોકોના નામે દસ્તાવેજ કરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય એકંદરે સારો કહી શકાય પરંતુ ભવિષ્યમાં આ નિર્ણયથી નિયમ ભંગ કરનારને સમર્થન પ્રાપ્ત થશે. જંગલેશ્ર્વર પાસેની આવાસ યોજનામાં 446, બાબરીયા કોલોનીમાં 278, બાનલેબ નજીક 190, ડાલીબાઈ હોસ્ટેલ પાસેની આવાસ યોજનામાં 373, ગોકુલધામ આવાસ યોજનામાં 576, ગુરૂપ્રસાદ ચોક નજીક આવાસ યોજનામાં 108, વિશ્ર્વનગર આવાસ યોજનામાં 360, માયાણીનગર આવાસ યોજનામાં 516 અને રાજનગર પાસેની આવાસ યોજનામાં 156 સહિત કુલ 3012 આવાસ એવા છે કે જે નિયત સમય મર્યાદા પહેલા જ મુળ લાભાર્થીએ અન્યને વેંચી માર્યા છે. હવે નિયત ટ્રાન્સફર ફી વસુલી આ આવાસ હાલ વસવાટ કરતા લોકોના નામે કરી આપવામાં આવશે.