રાજકોટમાં પ્રતિલીટર પેટ્રોલની કિંમત રૂ.102.79 જયારે ડીઝલની કિંમત રૂ.102.22 : સીએનજીના ભાવમાં પણ દોઢ રૂપિયાનો વધારો
તહેવારોની સિઝનમાં પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાનો સીલસીલો સતત ચાલુ જ છે. આજે પણ પેટ્રોલના ભાવમાં 34 પૈસા અને ડીઝલના ભાવમાં 38 પૈસાનો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલનો ભાવ સૌથી વધુ 105ની લગોલગ પહોચી જવા પામ્યો છે. જયારે ડીઝલના ભાવ રૂ.104.30 આંબી ગયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ બેરલના ભાવમાં થઈ રહેલા સતત વધારાના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. આજે પેટ્રોલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.
આજે પેટ્રોલના ભાવમાં પ્રતિલીટર 34 પૈસાનો વધારો થયો હતો. રાજકોટમાં પેટ્રોલના ભાવ પ્રતિલીટર 102.79 રૂપીયાએ પહોચી ગયા છે. જયારે ડીઝલના ભાવમાં 38 પૈસાનો વધારો કરવામાં આવતા રાજકોટના ડિઝલના ભાવ પ્રતિલીટર રૂ.102.22 પહોચી ગયા છે. સતત ભાવ વધારાના કારણે વાહન ચાલકોની સ્થિતિ કફોડી બની જવા પામી છે. સૌરાષ્ટ્રમાં પેટ્રોલ-ડીઝલના સૌથી વધુ ભાવ ગીર સોમનાથ જિલ્લામાં છે દિવાળીના તહેવારોના દિવસોમાં પણ સતત વધી રહેલા ભાવ વધારાના કારણે જનતા ત્રાહીમામપોકારી ગઈ છે છતા સરકાર ટેકસમાં ઘટાડો કરી કોઈજ રાહત આપવાના મૂડમાં ન હોયતેવું લાગી રહ્યું છે.
સતત વધી રહેલા ભાવના કારણે મોંઘવારીએ પણ માઝા મૂકી છે. જીવન જરૂરીયાતની તમામ ચીજ વસ્તુઓનાં ભાવમાં વધારો થઈ રહ્યો છે. લોકોના બજેટ વેરવિખેર થઈ ગયું છે. સીએનજીની કિંમતોમાં પણ સતત ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. જેથી વાહન ચાલકો જાણે ચોતરફથી ઘેરાઈ ગયા હોય તેવો માહોલ સર્જાઈ જવા પામ્યો છે. આજે સીએનજીની કિંમતમાં પણ પ્રતિકિલો દોઢ રૂપિયાનો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલ બાદ હવે સીએનજીના ભાવ પણ છાશવારે વધી રહ્યા છે જેના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે.