કાલાવડ રોડ પરના કેકેવી અને જડુસ બ્રિજની કામગીરીની સમીક્ષા કરી લક્ષ્મીનગર શાકમાર્કેટવાળા રોડ રસ્તા પર ચાલુ ડામર પેચની કામગીરી નિહાળી
રાજકોટ શહેરની જનતાને વધુ સારી સુવિધા અને ટ્રાફિકની સમસ્યામાંથી નિવારણ મળે તે માટે શહેરમાં વિવિધ જગ્યાએ બ્રિજની કામગીરી ચાલુ છે જે સમયસર કામગીરી પૂર્ણ કરી લોકોની સેવામાં ઉપયોગી થાય તે માટે બ્રિજની કામગીરી દિવસરાત કરવામાં આવે છે. મેયર ડો. પ્રદિપ ડવ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ કાલાવડ રોડ પરના કેકેવી ચોક અને જડુસ હોટલ પાસેના બ્રિજની ચાલુ કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ વોર્ડ નં. 8માં લક્ષ્મીનગર શાકમાર્કેટવાળા રોડ પર ચાલતી ડામર પેચની કામગીરી પણ નિહાળી હતી.
મેયર અને મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે લોકોને ઓછામાં ઓછી અડચણ થાય તે મુજબનું ડાયવર્ઝન કરવું, સર્વિસ રોડને શક્ય બને વહેલીતકે ચાલુ કરવો, બંને બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરી લોકોને વહેલીતકે સુવિધા પ્રાપ્ત થાય. કામગીરીની ગુણવત્તા જળવાઈ રહે તેની કાળજી રાખવી. બંને બ્રિજ ખાતે દિવસરાત 24 કલાક કલાક કામગીરી ચાલુ રાખવા સુચના આપી હતી.
આજની મુલાકાત દરમ્યાન કેકેવી બ્રિજ ખાતે ગર્ડરની કામગીરી તાત્કાલિક ચાલુ કરવા, નડતરરૂપ પાણીની લાઈન શિફ્ટ કરવા અને કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ જડુસ બ્રિજ ખાતે સ્લેબની કામગીરી ચાલુ કરવા તેમજ સર્વિસ રોડ પર પેચ વર્ક શરૂ કરવાની મેયરશ્રી અને મ્યુનિ. કમિશનરશ્રીએ સુચના આપી હતી.
શહેરમાં વિવિધ ઝોનના વોર્ડમાં ડામર પેચની કામગીરી હાલ ચાલુ છે જેમાં સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં. 2, 3, 7, 13, 17 વેસ્ટ ઝોનના વોર્ડ નં. 1, 8, 10, 11, 12 અને ઈસ્ટ ઝોનના વોર્ડ નં. 18માં કામગીરી કરવામાં આવી રહી છે.