જય વિરાણી, કેશોદ
જુનાગઢમાં આવેલ ગીર અભયારણ્ય સોરઠનું ગૌરવ છે અને એશિયાટિક સિંહોનું નિવાસસ્થાન છે. એશિયાટિક સિંહોને બચાવવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગીર ‘અભયારણ્ય’ તરીકે જાહેર કરી કાયદાકીય રીતે રક્ષીત કરવામાં આવ્યું છે. ગીર અભયારણ્યમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસનકાળમાં જુનાગઢથી સાસણ વેરાવળ દેલવાડા મીટર ગેજ રેલ્વે લાઈન નાંખવામાં આવી હતી, જે આજે પણ કાર્યરત છે.
ત્યારે મીટર ગેજ રેલ્વે લાઈન બ્રોડગેજમાં રૂપાંતર કરવા માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ હતું. જેમાં વિવિધ પ્રકૃતિ પ્રેમી સંસ્થાઓ, પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ દ્વારા ગીર અભયારણ્યમાં વસવાટ કરતાં સિંહો અને અન્ય વન્ય પ્રાણીઓ માટે જોખમરૂપ ગણાવી વિરોધ કર્યો હતો.
આજે કેન્દ્ર સરકાર દ્વારા ગીર અભયારણ્યમાં મીટર ગેજ રેલ્વે લાઈન યથાવત રાખવાનો નિર્ણય લીધો છે ત્યારે સ્કાય ફોરેસ્ટ યુથ ક્લબના સ્થાપક પ્રમુખ અને પૂર્વ સભ્ય સ્ટેટ વાઈલ્ડ લાઈફ કમિટી રેવતુભા રાયજાદાએ કેન્દ્ર સરકારના નિર્ણયને આવકાર્યો હતો. ગીર અભયારણ્યનાં અને એશિયાટિક સિંહો ઉપરાંત સંખ્યાબંધ વન્યપ્રાણીનાં હિતમાં ગણાવ્યો હતો. ગીર અભયારણ્યમાં મીટર ગેજ રેલ્વે લાઈન યથાવત રાખવાનાં નિર્ણયને કેશોદના પ્રકૃતિપ્રેમીઓએ આવકાર્યો છે .