દૂર્ગા પુજા મહોત્સવ અંતર્ગત કોલકત્તામાં ગગનચૂંબી ઈમારત બૂર્જ ખલીફાની થીમ પર લેસર શો થકી પંડાલ તૈયાર કરાયું

પંડાલની નજીક જ એરપોર્ટ હોવાથી લેસરનાં કિરણોથી પાયલોટની આંખ અંજાતા વિમાની દુઘર્ટનાની આશંકાને પગલે પ્રતિબંધ મૂકાયો

ભારત દેશ તહેવારોનો દેશ ગણાય છે. જ્યાં જાત જાતના ભાત ભાતના તહેવારો અનેરા ઉત્સાહ સાથે ઉજવાય છે. એમાં પણ દેશના એક ખુણે એક તહેવારની ઉજવણી થઈ રહી હોય તો બીજા ખૂણે બીજા તહેવારની ઉજવણી થઈ રહી હોય….!! હાલ તહેવારોની જ સિઝન ચાલી રહી છે. ગુજરાતમાં નવરાત્રી તો સામે બાજુ મધ્ય ભારત અને પૂર્વોતરમાં દુર્ગા પૂજા મહાઉત્સવની જેમ ઉજવાય છે. પશ્ચિમ બંગાળના કોલકાતામાં ઠેર ઠેર વિશાળ પંડાલ ઉભા કરાયા છે. એમાં પણ આ વખતે કોલકાતામાં લેક ટાઉન વિસ્તારની શ્રીભૂમિ સ્પોર્ટિંગ ક્લબનું દ્વારા લેસર શો દ્વારા ઉભું કરાયેલ  પંડાલ એક મોટા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કારણ કે આ પંડાલને દુબઈના આયકોનીક બુર્જ ખલીફા સમોવડું તૈયાર કરાયું છે.

દુબઈની ગગનચુંબી ઇમારત બુર્જ ખલીફાની થીમ પર રચાયેલ લેશર શો નિહાળવા કોલકાતાના શ્રી ભૂમિ પૂજા પંડાલમાં ભારે ભીડ ઉમટી રહી હતી. પણ આ ’બુર્જ ખલીફા’ પંડાલ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. કારણ કે આ પંડાલની ઊંચાઈ અને તેની લેસર લાઈટને કારણે વિમાની સેવા અવરોધિત થતી હતી. ત્રણ એરલાઈન્સના પાયલોટોએ પંડાલની લાઈટો અંગે ફરિયાદ કરતા કહ્યું હતું કે નેતાજી સુભાષચંદ્ર બોઝ એરપોર્ટ નજીક છે અને અહીં ઉતરતી વખતે તેમના માટે મુશ્કેલી સર્જાઈ રહી છે.

લેસર કિરણોથી પાયલોટની આંખો અંજાઈ જવાના કારણે મોટી દુર્ઘટનાનો પણ ભય છે.  ત્રણ અલગ અલગ ફ્લાઇટના કેપ્ટનોએ કોલકાતા એટીસીમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું કે પંડાલ વિસ્તૃત લેસર લાઇટ્સ સાથે 150 ફૂટ ઊચું છે, અને એરપોર્ટના ગ્લાઇડ પાથ સાથે છે જે માત્ર થોડા કિલોમીટર દૂર છે.

લેસર લાઇટ ક્ષણભરમાં કોકપીટમાં પાયલોટને અંધ કરી શકે છે અને ખાસ કરીને જ્યારે ફ્લાઇટ લેન્ડિંગ કરતી હોય ત્યારે જોખમી સાબિત થઇ શકે છે. આ કારણસર બુર્જ પંડાલ પર પાબંધી મુકાઈ છે. તો સાથે સવાલ પણ ઉઠ્યા છે કે, આટલી ઊંચાઈ પર અને એ પણ એરપોર્ટ નજીક પ્રતિબંધિત છે તો પછી મંજૂરી અપાઈ કેમ ? એમાં પણ સંજોગોવશાત્, પૂજા પંડાલના આયોજક અને મુખ્ય આશ્રયદાતા અન્ય કોઈ નહીં પરંતુ ફાયર અને ઈમરજન્સી સેવા મંત્રી સુજીત બોઝ જ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.