કોર્પોરેશનની આરોગ્ય શાખાના 700થી કર્મચારીઓની મ્યુનિ.કમિશનર સમક્ષ માંગણી: સતત બે વર્ષથી જાહેર રજા અને રવિવારે પણ કામગીરી કરાવવામાં આવે છે, વધારાનું વળતર ચૂકવાતું નથી
વૈશ્ર્વિક મહામારી કોરોના છેલ્લા પોણા બે વર્ષથી હાહાકાર મચાવી રહ્યો છે. હવે વેક્સિનેશન ઝુંબેશના સંક્રમણ દિન-પ્રતિદિન સતત ઘટી રહ્યું છે. ફ્રન્ટલાઈન વોરીયર ગણાતા આરોગ્ય કર્મીઓએ કોરોનાને નાથવા માટે દિવસ-રાત એક કરીને કામગીરી કરી છે. છેલ્લા પોણા બે વર્ષમાં તેઓને રવિવારની કે જાહેર રજામાં પણ કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવી નથી. સતત કામના ભારણના બોજ તળે દબાયેલા 700થી વધુ આરોગ્ય કર્મીઓએ આજે મ્યુનિ.કમિશનર સમક્ષ એવી માગણી કરી હતી કે, હવે કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે તેઓને રવિવારની રજા અને જાહેર રજાએ કામગીરીમાંથી મુક્તિ આપવી જોઈએ. જો તેઓને બોલાવવામાં આવે તો વધારાનું વેતન આપવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.
કોરોના મહામારીના કારણે કોરોના કેસ તથા ત્યાર બાદની વેક્સીનેશન સંલગ્ન અવિરત ઝુંબેશ/ટાર્ગેટને અનુરૂપ કામગીરીના કારણે પરિવાર તથા અંગત સામાજીક બાબતો માટે કોઇપણ પ્રકારનો સમય મળેલ ન હોય, કોવિડ મહામારીને ધ્યાનમાં લઇ દરેક જાહેર રજા તથા રવિવારના દિવસોમાં કામ કરેલ હોય તેમજ હાલમાં કોવિડના કેસમાં ઘટાડો થયેલ છે તેમજ રાજકોટ કોર્પોરેશનની વેક્સીનેશનની કામગીરી ગુજરાત રાજ્યના વેક્સીનેશનની કામગીરી કરતા ઘણી વધારે હોય તેમજ સમગ્ર ગુજરાતમાં રાજકોટ કોર્પોરેશન “ટોપ-5” હોય જે ધ્યાને લઇ અમોને તહેવારોના સમયને ધ્યાનમાં લઇ દરેક જાહેર રજા તેમજ રવિવારના દિવસોમાં કામગીરીમાંથી મુક્તિ આપવી.
આરોગ્ય કેન્દ્રો પર ફરજ બજાવતા તમામ સ્ટાફને રવિવાર તેમજ તહેવારના દિવસોમાં જાહેર રજા હોય ત્યારે ફરજ પર બોલાવવામાં આવે ત્યારે સ્ટાફને વધારાનું વળતર (મહેનતાણું) આપવા વિનંતી.
હાલમાં રાજકોટમાં કોવિડ વેક્સીનેશનને મંદ પ્રતિસાદ હોય જેના કારણોમાં અગાઉ થયેલ સઘન કામગીરી તેમજ તહેવારોના સમયગાળાના કારણે ઓછા લોકો વેક્સીનેશન કરવા આવતા હોવાથી હવે પછીથી કોવિડ રસીકરણનો સમયગાળો પણ આરોગ્ય કેન્દ્રના સમયગાળા અનુસાર રાખવો.
આરોગ્ય કેન્દ્રના તાબા હેઠળ આવતા વિસ્તારોમાં મેડીકલ ઓફિસરે ઓ.પી.ડી., ટી.બી.ની કામગીરી, કોવિડ કેસોની તપાસણી, સર્વેલન્સ તેમજ અન્ય સર્વેલન્સની કામગીરી માટે વારંવાર વિસ્તારમાં જવા માટે દરેક આરોગ્ય કેન્દ્ર દીઠ એક વ્હીકલ આપવા વિનંતી.
હાલ કોરોનાના કેસો ન્યૂનતમ હોય આર.સી.એચ./એન.એચ.એમ. અંતર્ગત ફરજ બજાવતા તમામ સ્ટાફને કોરોનાની કામગીરીમાંથી મુક્તિ આપી કોરોનાની કામગીરી માટે આઉટ સોર્સીગથી ભરવામાં આવેલ કોવિડ સ્ટાફ પાસે કરવવા વિનંતી. જેથી આર.સી.એચ./એન.એચ.એમ.ના તમામ રાષ્ટ્રીય આરોગ્યલક્ષી કાર્યક્રમોનું સુપરવિઝન તેમજ અમલીકરણ સુવ્યવસ્થિત થઇ શકે તેમ છે.