કોર્પોરેશને માત્ર વાસી ખોરાકનો નાશ કરી આત્મસંતોષ માની લીધો: કોઈ કડક કાર્યવાહી નહીં: ભેંસના ઘીના નમુના લેવાયા
શહેરની નામી હોટલોમાંથી વાસી ખોરાકનો જંગી જથ્થો મળી આવ્યો છે. જો કે, કોર્પોરેશનની આરોગ્ય શાખાએ આ નામી હોટલો સામે આકરી કાર્યવાહી કરવાના બદલે માત્ર વાસી ખોરાકનો નાશ કરી આત્મસંતોષ માની લીધો હતો. સામાન્ય રેંકડી ધારકને નોટિસ ફટકારતું તંત્ર હોટલ-રેસ્ટોરન્ટ સામે મીયાની મીંદડી બની ગયું છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ 16 હોટલ-રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગોંડલ રોડ પર વૃદ્ધાશ્રમની સામે શ્રીરામ પંજાબી એન્ડ ચાઈનીઝમાંથી 20 કિલો બગડેલી ડુંગળી, અજંતા કોમ્પલેક્ષ સામે બોમ્બે હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાં 18 કિલો ડુંગળી, રાજ પાઉંભાજીમાં 5 કિલો વાસી ડુંગળી, બટેટા, આસીઆઈસીઆઈ બેંક સામે ભાગ્યોદય રેસ્ટોરન્ટમાંથી 2 કિલો બાંધેલો વાસી લોટ, કનક રોડ પર કાવેરી હોટલમાંથી 8 કિલો વાસી ગ્રેવી ઉપરાંત આટો, પાસ્તા, પીઝા બેઈઝ અને ચટણીનો નાશ કરવામાં આવ્યો છે. ભગત પાઉંભાજી, રંગોળી રેસ્ટોરન્ટ, જલારામ રેસ્ટોરન્ટ, હોટલ પાઈન વિન્ટા, સૂર્ય કાન્ત હોટલ, એપલ બાઈટ રેસ્ટોરન્ટ, શ્રેય રિક્રીએશન, સોનાલી પાઉભાજી, ટેમ્પ ટેશન રેસ્ટોરન્ટ, લોડ્સ બેંકવેટ સહિતના રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
મંગળા મેઈન રોડ પર મેસર્સ પોપટ મહેન્દ્ર જમનાદાસ, નામની પેઢીમાંથી લુઝ શુદ્ધ ભેંસનું ઘી અને કેવડાવાડી મેઈન રોડ પર વોલગા ઘી ડેપોમાંથી લુઝ ભેંસના ઘીનો નમુનો લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. આ ઉપરાંત રવિવારે હાથ ધરવામાં આવેલા મેગા વેક્સિનેશન અભિયાનમાં પરીશ્રમ રેસ્ટોરન્ટ, મેહુલ્સ કીચન, ગણેશ રેસ્ટોરન્ટ, રાધિકા રેસ્ટોરન્ટ, ખોડીયાર રેસ્ટોરન્ટ, નારાયણભાઈ ભેળવાળા, લા મીલાનોઝ પીઝા, બીનાકા રેસ્ટોરન્ટ, માધવ રેસ્ટોરન્ટ, હોટલ કમ્ફર્ટ ઈન, અડીંગો રેસ્ટોરન્ટ, રસીકભાઈ ચેવડાવાળા સહિતના રેસ્ટોરન્ટમાં 148 લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું.