મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ અને નાણામંત્રી કનુભાઇ દેસાઇનો સમાવેશ: રાજય સરકાર રાહત પેકેજ જાહેર કરી ખેડૂતોને દિવાળીની ભેટ આપવાના મુડમાં
સપ્ટેમ્બર માસમાં રાજયમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પડે અનરાધાર અને રેકોર્ડ બ્રેક વરસાદના કારણે ખેતીને પારાવાર નુકશાની થવા પામી છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જુનાગઢ, જામનગર સહિત ચાર જીલ્લાના ર0 તાલુકાઓમાં જગતાળે વ્યાપક નુકશાની વેઠવી પડી છે.
અતિવૃષ્ટિમાં ખેડૂતોને સહાય ચૂકવવા માટે યોગ્ય સમીક્ષા કરવા રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા ત્રણ સીનીયર કેબીનેટ મંત્રીઓની એક કમિટી રચવામાં આવી છે જે આગામી દિવસોમાં અતિવૃષ્ટિથી થયેલી નુકશાનીની સમીક્ષા કરી સહાય ચૂકવવા માટે રાજય સરકારને ભલામણ કરશે. ટુંક સમયમાં જ રાહત પેકેજની જાહેરાત કરી રાજય સરકાર ખેડુતોને દિવાળીની ભેટ આપવા ઇચ્છી રહ્યું છે.
રાજકોટ, જામનગર, જુનાગઢ સહીત સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓના ર0 તાલુકાઓમાં અતિવૃષ્ટિથી વ્યાપક પ્રમાણમાં નુકશાની થવા પામી છે. મોટાભાગના વિસ્તારોમાં પાક નિષ્ફળ ગયો છે. બીજા તરફ મેઘરાજાએ પાછોતર પ્રહાર પણ ચાલુ રાખ્યો છે હજી રોજ છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો હોવાના કારણે ખેતીને મોટું નુકશાન થઇ રહ્યું છે. ખેતરોમાં તૈયાર થઇ રહેલા પાક હવે નિષ્ફળ જાય તેવી ભીતી સર્જાય રહી છે.
આ વર્ષ સપ્ટેમ્બર માસમાં માત્ર બે જ દિવસમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડવાના કારણે ખેતીને મોટા પ્રમાણમાં નુકશાન થવા પામ્યું હોવાના કારણે એસડીઆરએફના ધારા ધોરણ મુજબ અતિવૃષ્ટિની સહાય ચુકવવાના બદલે વધારે સહાય ચુકવવાની માંગણી કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા પણ નુકશાનીનો તાગ મેળવવા માટે હાલ પુરજોશમાં સર્વની કામગીરી ચાલી રહી છે.
બીજી તરફ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે અતિવૃષ્ટિની સહાય ચૂકવવા માટે સમીક્ષા કરવા માટે મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ અને નાણામંત્રી કનુભાઇ દેસાઇ એમ કુલ ત્રણ સિનીયર કેબિનેટ મંત્રીઓની કમિટીની રચના કરી છે. જે આગામી દિવસોમાં ભારે વરસાદથી કેટલી નુકશાની થવા પામી છે. તેનો સાચો આંકડો મેળવી કયાં તાલુકામાં કેટલી સહાય ચુકવવી તેની ભલામણ સરકારને કરશે.
રાજય સરકાર દિવાળીના તહેવાર પહેલા અતિવૃષ્ટિ માટેનું રાહત પેકેજ જાહેર કરી ખેડુતોને ભેટ આપવા ઇચ્છી રહ્યું છે. આવતા વર્ષ વિધાનસભાની સામાન્ય ચુંટણી યોજાવાની હોય ખેડુતોનુે ખુશ કરવા માટે ભાજપ સરકાર દ્વારા કદાવર રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે દશેરાથી શરદ પુનમ સુધીના સમયગાળામાં રાહત પેકેજની સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવશે સૌરાષ્ટ્ર્રના જે ચાર જિલ્લાના ર0 તાલુકાઓમાં અતિવૃષ્ટિથી વ્યાપક નુકશાની થવા પામી છે. તેના માટે વિશેષ પેકેજની પણ સંભાવના નકારી શકાતી નથી.