મટીરીયલ રિકવરી ફેસિલિટી સિસ્ટમ થકી દેશને પ્લાસ્ટિક કચરામાંથી મુક્તિ અપાવી શકાશે: નીતિ આયોગ
નીતિ આયોગે તમામ શહેરી સત્તા મંડળોને પ્લાસ્ટિકના કચરાનું એકત્રીકરણ અને રિસાયકલ માટે એક સચોટ પદ્ધતિ અપનાવવા સલાહ આપી છે. નીતિ આયોગે મટીરીયલ રિકવરી ફેસિલિટી(એમઆરએફ) પદ્ધતિનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે, આ પદ્ધતિ જનભાગીદારીથી અમલી બનાવી પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ તો કરી જ શકાશે પરંતુ સાથોસાથ પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરનારને પણ શ્રેષ્ઠ આર્થિક ઉપાર્જન મળશે અને અધૂરામાં પૂરું રોજગારીની સમસ્યા પણ હલ થશે. નીતિ આયોગનું સ્પષ્ટ માનવું છે કે, કોઈ પણ કામ નાનું નથી હોતું ત્યારે હાલ કચરો એકત્રિત કરનારનું કામ બિલકુલ હલકું ગણવામાં આવે છે અને સામે તેમને યોગ્ય વેતન પણ મળતું નથી પરંતુ આ પ્રણાલી થકી આ બન્ને સમસ્યાઓનો ઉકેલ આવશે.
મટીરીયલ રિકવરી ફેસિલિટી સિસ્ટમની જો વાત કરવામાં આવે તો આ પદ્ધતિ સામાન્ય રીતે પ્લાસ્ટિકના કચરાને એકત્ર કરી પુનઃનિર્માણ એટલે કે રિસાયકલમાં ઉપયોગમાં લેવામાં આવે છે અને પુનઃનિર્માણ બાદ તેને વપરાશકર્તા સુધી પહોંચાડવામાં આવે છે. જેથી પ્લાસ્ટિકનો કચરાનો પણ ઉપયોગ થઈ શકે છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ જાપાન અને ચાઈના છે. આ બંને દેશો પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ કરીને રેલવે ટ્રેક બનાવે છે જેની મજબૂતાઈ પણ અવિશ્વસનીય હોય છે. લોખંડની સરખામણીમાં પ્લાસ્ટિક કચરાથી રેલવે ટ્રેક બનાવવામાં ખર્ચ પણ ઓછો થાય છે અને ઉપયોગી પણ નીવડે છે.
નીતિ આયોગે કહ્યું છે કે, એમઆરએફ પદ્ધતિ અમલી બનાવવા માટે જનભાગીદારી મોડલ પણ અતિ આવશ્યક છે. જનભાગીદારી થકી જ આ પદ્ધતિનું અમલીકરણ કરી શકાય તેવું નીતિ આયોગનું માનવું છે. સોમવારે યોજયેલ યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામમાં નીતિ આયોગે આ નિવેદન આપ્યું છે.
નીતિ આયોગે કહ્યું છે કે, આ પદ્ધતિ જનભાગીદારીથી અમલી બનાવવામાં આવે અને શહેરી સત્તા મંડળો તેમાં સહયોગ આપે. સાથોસાથ સર્વિસ પ્રોવાઇડર અને વેસ્ટ મેનેજમેન્ટ શાખાઓ સમગ્ર કામગીરીમાં નિરીક્ષકની ભૂમિકા ભજવે અને જરૂર પડ્યે સહકાર આપે. નીતિ આયોગે કહ્યું છે કે, આ પદ્ધતિથી પ્લાસ્ટિકના કચરાનો શ્રેષ્ઠ રીતે નિકાલ કરી શકાય છે.
નીતિ આયોગે કહ્યું છે કે, આ પદ્ધતિથી ફક્ત પ્લાસ્ટીક કચરાનો જ નિકાલ નહીં થાય પરંતુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરનારની સામાજિક-આર્થિક પરિસ્થિતિ પણ ઉપર આવશે. હાલ આ લોકોને સમાજમાં માન- સમ્માન તો અપાતું જ નથી સાથોસાથ યોગ્ય વેતન પણ મળતું નથી. આ પદ્ધતિ અમલી થવાથી પ્રથમ તેમને યોગ્ય વેતન મળશે, તેમની જીવનશૈલી બદલાશે અને સમાજમાં પણ તેમને એક માન મળશે.
નીતિ આયોગના અહેવાલ મુજબ ભારત દર વર્ષે ૩.૪ મિલિયન ટન પ્લાસ્ટિકના કચરાનું ઉત્પાદન કરે છ જેમાંથી ૭૦% પ્લાસ્ટિક પેકેજીંગ પ્રોડક્ટ હોય છે જે ટૂંકા સમયમાં જ કચરામાં રૂપાંતરિત થઈ જાય છે. આ કચરાને પણ રિસાયકલમાં લઈ અન્ય પ્રોડક્ટ બનાવી શકાય છે.
ભારતમાં પ્લાસ્ટિક કચરા માટે વર્ષ ૨૦૧૬માં નિયમો બનાવવામાં આવ્યા હતા અને વર્ષ ૨૦૧૮ અને ૨૦૨૧માં તબક્કાવાર અમલીકરણ કરાયું છે. જેના પરથી સ્પષ્ટ કહી શકાય કે, સરકાર પણ પ્લાસ્ટિક કચરા અંગે ચિંતિત છે અને યોગ્ય પદ્ધતિનું અમલીકરણ કરી પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે પદ્ધતિ વિકસાવવા તત્પર છે ત્યારે આ પદ્ધતિ સર્વશ્રેષ્ઠ પદ્ધતિ બની શકે તેમ છે.
જો કે, આ પદ્ધતિ કોઈ એક વ્યક્તિ કે સંસ્થા થકી અમલી બની શકે તેમ નથી. આ પદ્ધતિના અમલીકરણ માટે સમાજે પોતાની વિચારધારા બદલવી પડે તેમ છે. અગાઉ સૂકો કચરો-ભીનો કચરો અલગ કરવા મનપા દ્વારા અલગ અલગ કચરાપેટી આપવામાં આવી હતી પરંતુ હાલ ભાગ્યે જ કોઈ પોતાના ઘરમાં પણ આ પદ્ધતિને અનુસરતું હશે. શહેરોમાં વિવિધ જગ્યાએ પણ આ પ્રકારની કચરાપેટીઓ મુકવામાં આવી હતી પરંતુ હાલ કચરાપેટીના સ્ટેન્ડ જ નજરે પડે છે પરંતુ કચરાપેટી ક્યાંક ધ્યાને આવતી નથી. લોકોએ પોતાની માનસીકતા બદલાવવાની તાતી જરૂરિયાત છે.
પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરનારની સામાજિક-આર્થિક સ્થિતિ સુધરશે!!
નીતિ આયોગે જે પદ્ધતિ સૂચવી છે તે કચરો એકત્રિત કરનારાઓ માટે ખૂબ જ આશીર્વાદરૂપ પદ્ધતિ સાબિત થઈ શકે તેમ છે. હાલ કચરો એકત્રિત કરનારાઓને સમાજમાં માન તો આપવામાં આવતું જ નથી કેમ કે, આ કામને ખૂબ જ તુચ્છ માનવામાં આવે છે અને અધૂરામાં પૂરું આ કામથી કોઈ ખાસ આર્થિક ઉપાર્જન પણ થઈ શકતું નથી. ત્યારે કચરો એકત્રિત કરનારને મેન્યુફેરર સાથે સીધા જોડી આર્થિક ઉપાર્જન વધારી દેનારી પદ્ધતિથી એકત્રિત કરનારની આર્થિક સધ્ધરતા તો આવશે જ સાથોસાથ સમાજમાં પણ તેમની પરિસ્થિતિ સુધરી શકે તેમ છે.
ભારત દર વર્ષે ૩૪ લાખ ટન પ્લાસ્ટિક વેસ્ટનું ઉત્પાદન કરનારો દેશ!!
નીતિ આયોગના અહેવાલ મુજબ ૧૩૫ કરોડની વસ્તીવાળા દેશમાં દર વર્ષે ૩.૪ મિલિયન ટન એટલે કે ૩૪ લાખ ટન પ્લાસ્ટિક વેસ્ટનું ઉત્પાદન થાય છે જેમાંથી ફક્ત ૩૦% પ્લાસ્ટિકનો જ ફરીવાર ઉપયોગ કરવામાં આવે છે અને ૭૦% પ્લાસ્ટિક મટીરીયલ પેકેજીંગ માટે વપરાયેલ હોવાથી તે સીધો કચરો બની જાય છે જેનો નિકાલ દેશ માટે મોટા પડકારો પૈકી એક છે.
ફક્ત પદ્ધતિના અમલીકરણથી કંઈ જ નહીં થાય, લોકોએ માનસિકતા બદલવી પડશે!!!
નીતિ આયોગે સુચવેલી પદ્ધતિના અમલીકરણ માત્રથી પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ થઈ શકે તે વાતમાં માલ નથી. લોકોએ સર્વપ્રથમ પોતાની માનસિકતા બદલાવવી જ પડશે. લોકોએ પ્લાસ્ટિક કચરો અને અન્ય કચરો અલગ રાખતા શીખવું પડશે. પ્લાસ્ટિક એટલે સામાન્ય કચરો નથી તે વાત સ્વીકારવી પડશે અને આ કચરાના નિકાલની જવાબદારી આપણી નૈતિક ફરજ છે તે સમજવું પડશે તો જ જનભાગીદારીથી આ પદ્ધતિનું અમલીકરણ થશે અને દેશમાં પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ થઈ શકશે.