મવડી પ્લોટમાં યુવતીએ સગાઈ તુટી જતા અગ્ન પછેડી ઓઢી
રાજકોટમાં દુધસાગર રોડ પર અમરનગરમાં રહેતી અને ધો.12માં અભ્યાસ કરતી છાત્રાએ ગઈકાલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. જયારે બીજા બનાવમાં મવડી પ્લોટમાં મારૂતીનગરમાં રહેતી યુવતીએ સગાઈ તુટી જતા પોતાના ઘરે બાથરૂમમાં અગ્નિસ્નાન કરતા ગંભીર રીતે દાઝતા તેણીને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ પ્રથમ બનાવમાં દુધસાગર રોડ પર ગુ.હા. બોર્ડના કવાર્ટર નજીક અમરનગરમાં રહેતી તેજલબેન કિશોરભાઈ સોલંકી ઉ.18 એ પોતાની ઘરે છતના એંગલમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાની જાણ થોરાળા પોલીસ મથકમાં થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતુ કે તેજલ ધો.12માં અભ્યાસ કરતી હોવાનું અને તેના પિતા શાકભાજીનો ધંધો કરતા હોવાનું જાણવા મળ્યું હતુ. હાલ આપઘાતના કારણ અંગે પરિવાર અજાણ હોવાથી આપઘાત પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં મવડી પ્લોટ પાસે મારૂતીનગરમાં રહેતી ભાવીકા જગદીશભાઈ દવે ઉ.20એ પોતાની ઘરે બાથરૂમમાં કેરોસીન છાંટી સળગી જતા તેણીને સારવાર અર્થે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બનાવની જાણ માલવીયાનગર પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો. અને તપાસમાં જાણવા મળ્યું હતુ કે, યુવતીની 12 માસ પૂર્વે સગાઈ થઈ હતી. જે સામાપક્ષે તોડી નાખતા આ પગલુ ભર્યું છે.