આતંકી હુમલા બાદ સેના એક્શનમાં: ૫૭૦ લોકોની ધરપકડ કરાઈ
જમ્મુ-કાશ્મીરમાં લઘુમતી પર આતંકી હુમલાની ઘટના સામે આવ્યા બાદ સેનાએ મોટી કાર્યવાહી કરી છે. ખીણમાં કેટલાક પથ્થરબાજો અને ભારત વિરોધી તત્વોની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી છે. લગભગ ૭૦ યુવાઓની શ્રીનગરમાં ધરપકડ કરાઈ છે. એક સપ્તાહમાં ૫ સામાન્ય નાગરિકોની હત્યાની ઘટના સામે આવ્યા બાદ ખીણમાં કાર્યવાહી તેજ કરી દેવાઈ છે. સમગ્ર કાશ્મીરમાં ૫૭૦ લોકોની ધરપકડ કરાઈ છે.
પ્રદેશમાં એક સપ્તાહમાં ૫ નિર્દોષ નાગરિકોને લક્ષ્ય બનાવીને હત્યા કર્યા બાદ દિલ્હીથી લઈને શ્રીનગર સધી સનસની મચી ગઈ છે. જમ્મુ-કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ ગૃહ મંત્રી અમિત શાહની સાથે મુલાકાત કરી તો ગૃહ મંત્રાલયે દેશની સુરક્ષા એજન્સીઓના ટોપ એક્સપર્ટને કાશ્મીર મોકલી દેવાયા છે. આ દરમિયાન સીઆરપીએફ પર પણ એક સામાન્ય નાગરિકનો જીવ લેવાનો આરોપ લાગ્યો છે.
આતંકવાદીઓ વિરૂદ્ધ તાજા અભિયાન શરૂ થવાની સંભાવના છે. આમ તો આતંકીઓ વિરૂદ્ધ નિયમિત અભિયાન કોવિડ લહેર દરમિયાન પણ ચાલુ રહ્યુ, પરંતુ હવે નિર્દોષ નાગરિકોની હત્યા કરનાર વિરૂદ્ધ એક મોટો હુમલો શરૂ થવાની આશા છે.
આંકડા અનુસાર આ વર્ષે કાશ્મીરમાં ઓછામાં ઓછા ૨૫ નાગરિક માર્યા ગયા. આ ૨૫માંથી ત્રણ બિન સ્થાનિક હતા, બે કાશ્મીરી પંડિત હતા અને ૧૮ મુસલમાન હતા. સૌથી વધારે હુમલા શ્રીનગરમાં થયા, જ્યાં ૧૦ એવી ઘટનાઓ ઘટી. જે બાદ પુલવામા અને અનંતનાગમાં ચાર-ચાર ઘટનાઓ ઘટી છે. મળતી માહિતી અનુસાર લઘુમતી દહેશતની સ્થિતિમાં છે અને કેટલાક ૫૦-૬૦ બિન-પ્રવાસી કાશ્મીરી પંડિત પરિવારોના આગામી ૨૪ કલાકમાં દક્ષિણ કાશ્મીરથી જમ્મુ જવાની સંભાવના છે. સૂત્રો અનુસાર આમાંથી મોટાભાગના પરિવારોની પાસે જમ્મુમાં આવાસ છે.
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો આકરા પાણીએ: અનંતનાગમાં અથડામણમાં ૨ આતંકીનો ખાતમો
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મોડી રાતે શરૂ થયેલી અથડામણ હજુ પણ ચાલુ છે. સેનાના જવાનોએ ૨ આતંકીનો અત્યાર સુધીમાં ઠાર કર્યો છે.જો કે આતંકીની ઓળખ થઈ શકી નથી. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે અથડામણમાં પોલીસનો એક જવાન પણ ઘાયલ થયો છે જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બાંદીપોરાના હાજિન વિસ્તારના ગુંડજહાંગીરમાં પણ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ છૂપાયેલા હોવાની આશંકા છે. જો કે ઓપરેશન ખતમ થયા બાદ વાસ્તવિક સંખ્યા ખબર પડી શકશે. વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.