પ્રત્યેક ગરીબને અને લાભાર્થીને તેનો હક મળે અને રસીકરણ વિના એકપણ નાગરિક વંચિત ન રહે તે માટે સઘન અને વ્યાપક ઝુંબેશ હાથ ધરવા નવયુવાનોને આહ્વાન કરતા અમિતભાઇ શાહ
ગાંધીનગર સંસદીય વિસ્તારમાં કલોલ તાલુકાના પાનસર ખાતે કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે ગામ તળાવના બ્યુટીફિકેશનના ખાતમુહૂર્ત અને આરોગ્ય કેન્દ્રના નવીન મકાનનું લોકાર્પણ સહિત જિલ્લામાં 10.59 કરોડના ખર્ચે 143 જેટલા જનસુવિધાના કાર્યોનું ઈ-ખાતમુહુર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અમિતભાઇ શાહે પાનસર ખાતેના કાર્યક્રમમાં સમગ્ર દેશ અને ગુજરાતની જનતાને માં શક્તિના આરાધનાના પર્વ નવરાત્રીની શુભકામનાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત સમગ્ર વિશ્વમાં અવ્વલ રહે અને માં જગત જનનીની કૃપા સદૈવ ગુજરાત અને દેશ પર બની રહે તેવી પ્રાર્થના પણ કરી હતી. તેઓએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન અંતર્ગત કુંભાર સમુદાયના લોકોના સશક્તિકરણ માટે અને તેઓ આત્મનિર્ભર બને તે હેતુસર ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા કાર્યરત ‘કુંભાર સશક્તિકરણ યોજના’ હેઠળ આવા કારીગરોને માટીના વાસણો બનાવવાની તાલીમ આપીને પ્રશિક્ષિત કરાવવામાં આવે છે.
આ કારીગરોને તાલીમ બાદ ઇલેક્ટ્રિક ચરખા ઉપલબ્ધ થાય અને તેને ખુલ્લા બજારમાં વેચાણ માટે પ્રણાલીઓ પ્રસ્થાપિત થાય તે દિશામાં પણ ચોક્કસ પગલાંઓ લેવાઈ રહ્યાં છે. માટી કામના કારીગરો આ યોજનામાં જોડાઈને મહત્તમ લાભ લે તે માટે તેઓએ અનુરોધ કર્યો હતો.
શાહે કહ્યું હતું કે, ગાંધીનગર લોકસભા ક્ષેત્ર સમગ્ર દેશમાં સૌથી વધુ વિકસિત ક્ષેત્ર બને તે માટેના ચોક્કસ દિશામાં પ્રયાસો થઈ રહ્યાં છે. આ માટે પ્રત્યેક ગામમાં નાના પણ માળખાગત સુવિધાઓ માટે આવશ્યક અને વિકાસના એવા તમામ કામોની ચિંતા કરીને તે પૂર્ણ થાય તે માટેના સુનિશ્ચિત પ્રયાસો થઈ રહ્યા છે. શાહે ગાંધીનગર મહાનગર પાલિકામાં પ્રજાએ ભાજપાને આપેલા સ્પષ્ટ જનાદેશ અને પ્રચંડ બહુમત માટે અભિનંદન સહ આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, આ જીત “સૌના સાથની, સૌના વિકાસની, સૌના વિશ્વાસની અને સૌના પ્રયાસની” છે.
આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ગુજરાત ભાજપાના પ્રદેશ મહામંત્રીઓ રજનીભાઇ પટેલ, પ્રદીપસિંહ વાઘેલા, ધારા સભ્ય અરવિંદભાઈ પટેલ, પાનસરના સરપંચ, ગાંધીનગર લોકસભા ઇન્ચાર્જ અને જિલ્લા ભાજપા પ્રભારી ડો. હર્ષદભાઈ પટેલ, જિલ્લા ભાજપા અધ્યક્ષ અનિલભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ પટેલ, જિલ્લા ભાજપા/કલોલ તાલુકા ભાજપ/કલોલ શહેર ભાજપના હોદેદારો, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો, સામાજિક અગ્રણીઓ, સહકારી ક્ષેત્રના આગેવાનો, કાર્યકર્તાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.