હિતેશ રાવલ, સાબરકાંઠા
કોરોનાનો કહેર જ્યારે ગુજરાતમાં વરસી રહ્યો હતો. ત્યારે વહીવટી તંત્ર દ્વારા લગ્ન પ્રસંગ સહિત વિવિધ સામાજિક પ્રસંગો ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. કેટલાક જરૂરી પ્રસંગો કરવા અનિવાર્ય બન્યા હતા ત્યારે સાબરકાંઠામાં ઈડરના બડોલી વિભાગના પાટીદાર સમાજમાં કોઈપણ વ્યક્તિની હાજરી ન હોય તેમજ કોઈપણ ખર્ચ વિના માત્ર દંપતીની હાજરીમાં લગ્ન યોજવામાં આવ્યા હતા. ત્યારે યોજાયેલા લગ્નને સન્માનિત કરવાનો નિર્ણય કર્યો હતો.
ત્યારે જે લગ્ન યોજવામાં આવ્યા હતા તે માટે આજે ઈડરના બડોલી ગામે પાટીદાર સમાજ દ્વારા 11 નવદંપતીઓને રૂપિયા ૫૦ હજારના રોકડ ઈનામ આપી સમાજની વચ્ચે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત રાજ્યના નવા આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ તેમજ રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્ય રાજુલબેન દેસાઈ તેમજ ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ હિતેશભાઈ પટેલ અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં તમામ નિયમોનું છડેચોક ભંગ થયો હોવાના દૃશ્યો સામે આવ્યા હતા. જેમાં મંચ ઉપર બિરાજમાન નેતાઓથી લઈને મોટી સંખ્યામાં હાજર રહેલા તમામ લોકો માસ્ક વિનાના જોવા મળ્યા હતા. સાથોસાથ સામાજિક અંતર અને સેનેટાઈઝર જાણે કે વીસરી ચૂક્યા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.
આ તબક્કે રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્ય રાજલ બેન દેસાઈ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે સમાજને ઉર્ધ્વગામી બનાવવા માટે લેવાયેલા નિર્ણય ને સામૂહિક રીતે લાગુ કરાયો હતો સામાજિક પ્રગતિ સંભવિત બને છે. ગુજરાત રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં અન્ય રાજ્યોની સરખામણીમાં ૫૦ ટકાથી વધારેની સંખ્યામાં કોરોના વેક્સિનના બંને ડોઝ અપાયા છે તેમ જ આગામી સમયમાં કોરોના વધુ ન ફેલાય તે માટે વિવિધ પ્રકારના પ્રયાસો હજુ પણ હાથ ધરાશે તે નક્કી છે.
કોરોના મહામારી દરમિયાન વહીવટીતંત્ર દ્વારા લગાવાયેલા પ્રતિબંધો ભૂલી જવાના મામલે આરોગ્ય મંત્રીએ પણ સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતું. મહામારીના તમામ નિયમોનો ભંગ થયાના સાક્ષી હોવા છતાં આરોગ્યપ્રધાન સમગ્ર મામલો ભૂલી જવાનું હિતાવહ સમજે છે ત્યારે જોવું એ રહેશે કે આગામી સમયમાં કોરોનાની સંભવત ત્રીજી લહેર મામલે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરનારા લોકો સામે કોઈ કાયદાકીય પગલાં લેવાય છે કે નહીં ??