100 ટકા વેક્સિનેશન તરફ આગળ વધતું રાજકોટ: બપોર સુધીમાં 5000 લોકોનું રસીકરણ
શહેરમાં એકપણ નાગરિક કોરોનાની વેક્સિનથી વંચિત ન રહે તે માટે કોર્પોરેશન દ્વારા નિયત કરાયેલી સેશન સાઈટ ઉપરાંત તમામ વોર્ડ ઓફિસ પરથી કોરોનાની વેક્સિન આપવાનો નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ પ્રથમ દિવસે 18 વોર્ડ ઓફિસ ખાતે માત્ર 138 લોકો જ વેક્સિન લેવા માટે આવતા એક જ દિવસમાં નવી વ્યવસ્થાનું શટર પાડી દેવામાં આવ્યું છે. રાજકોટ 100 ટકા વેક્સિનેશન તરફ મકક્મ ગતિએ આગળ વધી રહ્યું છે. બપોર સુધીમાં 5000 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
વૈશ્ર્વિક મહામારી કોરોના સામે વેક્સિનેશન અમોધ શસ્ત્ર સાબીત થયું છે. વેક્સિનેશન બાદ કોરોનાના સંક્રમણમાં ખુબજ ઘટાડો નોંધાઈ રહ્યો છે. આવામાં રાજકોટમાં 100 ટકા વેક્સિનેશનની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે કોર્પોરેશન દ્વારા ગઈકાલથી નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી જેમાં તમામ 18 વોર્ડની મુખ્ય વોર્ડ કચેરી ખાતે કોવિશિલ્ડ રસીનો પ્રથમ અને બીજો ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ પ્રથમ દિવસે માત્ર 138 લોકો જ વોર્ડ ઓફિસ ખાતે વેક્સિન લેવા માટે આવ્યા હોય આજે નવી વ્યવસ્થા બંધ કરી દેવામાં આવી છે. બપોર સુધીમાં 4995 લોકોએ વેક્સિન લઈ લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
રૈયાધાર વિસ્તારમાં 5 વર્ષના બાળકને કોરોના
કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધુ સંક્રમીત થશે તેવો ભય તબીબી જગત દ્વારા વ્યકત કરવામાં આવી રહ્યો છે. શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે ઘટી રહ્યું છે પરંતુ ગઈકાલે ન્યુ રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં 5 વર્ષનો માસુમ બાળક કોરોનાના સકંજામાં સપડાતા ચિંતાનું મોજુ વ્યાપી જવા પામ્યું છે. હાલ શહેરમાં કોરોનાના માત્ર 3 કેસ એક્ટિવ છે પરંતુ બાળક કોરોના સંક્રમીત થતાં શું શહેરમાં ત્રીજી લહેરનો આરંભ તો નથી થઈ ગયો ને તેની ચિંતા પણ અંદરખાને સતાવી રહી છે. ગઈકાલે શહેરમાં દિવસ દરમિયાન કોરોનાનો એક કેસ નોંધાયો હતો જ્યારે એક દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. કુલ 42837 કેસ નોંધાયા હોવાની જાહેરાત મહાપાલિકા દ્વારા કરવામાં આવી છે. આજે બપોર સુધીમાં કોરોનાનો નવો કોઈ કેસ નોંધાયો નથી.