જિલ્લા કલેકટરને ખાસ પ્રોત્સાહન લેટર પણ મોકલ્યો

કેનેડા સરકારની સૂચના મુજબ રાજકોટમાં 11મીએ કલેકટર ઓફિસ અને એક ઐતિહાસિક સ્થળે ગુલાબી લાઇટિંગનું આકર્ષણ ઉભું કરાશે

રાજકોટ જિલ્લામાં બેટી બચાવો પેટી પઢાઓ અંતર્ગત કાબિલેદાદ કામગીરી થઈ રહી છે. જેની નોંધ કેનેડા સરકારે લઈને આ કામગીરીને બિરદાવી છે.તેઓએ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુને પ્રોત્સાહન લેટર પણ આપ્યો છે. ઉપરાંત કેનેડા સરકારની સૂચના મુજબ રાજકોટમાં 11મીએ કલેકટર ઓફિસ અને એક ઐતિહાસિક સ્થળે ગુલાબી લાઇટિંગનું આકર્ષણ ઉભું કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટ જિલ્લામાં બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન અંતર્ગત વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. જેમાં દીકરીઓને વધુમાં વધુ તક પ્રદાન થાય તેવા પ્રયાસો પણ કરવામાં આવે છે. તદઉપરાંત દીકરી કોઈ પરિવારને ભારણ ન લાગે તે માટે સરકારી યોજનાઓમાં પણ તેનો સમાવેશ કરવામાં આવે છે.

આ સમગ્ર કામગીરીની કેનેડા સરકારે નોંધ લીધી છે. તેઓએ કલેકટર અરુણ મહેશ બાબુને એક પત્ર લખી રાજકોટ જિલ્લામાં બેબી ચાઈલ્ડ માટે થઈ રહેલી પ્રવૃતિઓની પ્રસંશા કરી અભિનંદન પણ પાઠવ્યા છે.

વધુમાં આ પત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે આગામી તા.11 ઓક્ટોબરના રોજ બેબી ચાઈલ્ડને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ અંતર્ગત ત્યાં રાત્રીના સમયે ગુલાબી લાઇટિંગનું આકર્ષણ ઉભું કરવામાં આવનાર છે. રાજકોટ જિલ્લો પણ તેમાં સામેલ થાય તેવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. જેના માનમાં જિલ્લા કલેકટર દ્વારા પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી તા.11 ઓક્ટોબરના રોજ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી અને એક ઐતિહાસિક સ્થળને ગુલાબી લાઇટિંગ કરવામાં આવશે.

દરેક આંગણવાડીઓમાં કીચન ગાર્ડન બનાવવા કલેક્ટરની સૂચના

કુપોષણ મુકત ભારત અભિયાન અંગેની બેઠકમાં બાળકોના વિકાસ માટે વોટ્સએપ દ્વારા તેઓના માતા-પિતાના ફીડબેક લેવાની પણ કલેક્ટરની સલાહ

કુપોષણ મુકત ભારત અભિયાન અન્વયે ડિસ્ટ્રીકટ મોનીટરીંગ અને રીવ્યુ કમિટિની ત્રિમામાસિક સમીક્ષા બેઠક આઇસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ રાજકોટ દ્વારા કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આપણા બાળકોને આપીએ તેટલુ જ મહત્વ અને સમાનતા આંગણવાડીના બાળકોમાં રાખીને તેઓને પોષણયુકત બનાવવા કાળજી લેવા આંગળવાડીઓની બહેનોને કલેકટરએ સુચના આપી હતી. આંગળવાડીના બાળકોના ગ્રોથ માટે તેમને અપાતા પૂરક પોષણ, આરોગ્ય તપાસણી, અભ્યાસ સહિતના મુદે પણ કેટલાક સુચનો કલેકટરશ્રીએ કર્યા હતા.

બાળકોના વિકાસ માટે માતા-પિતાના ફીડબેક પણ આંગણવાડીઓની બહેનો દ્વારા લેવાવા જોઇએ અને આ માટે વ્હોટસએપ ગ્રુપ મહત્વના હોવાની ટકોર કલેકટરશ્રીએ કરી હતી.  આંગળવાડીની આતંરમાળખાકીય સ્થિતિ જેવી કે વોટર પ્યુરીફાઇર, સ્માર્ટ આંગળવાડી માટેની સુવિધા, સેનીટેશન, આંગળવાડીના માલિકીના અને ભાડાના મકાનો સહિતના મુદાની સમીક્ષા કલેકટરશ્રીએ કરી હતી.

આંગણવાડીઓમાં કિચન ગાર્ડનની સગવડ ઉભી કરવાની સુચના પણ કલેકટરએ આપી હતી. આ તકે પ્રોગ્રામ ઓફિસર જિજ્ઞાસા દવે, 12 ઘટકના સીડીપીઓ સહિતના સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.