રાજ્ય સરકાર દ્વારા ધો.1 થી 5ની શાળા શરૂ કરવા માટે કમિટીની રચના કરવામાં આવશે: આરોગ્ય વિભાગ અને મનોચિકિત્સક વિભાગનો અભિપ્રાય લીધા બાદ વર્ગો શરૂ કરવા અંગે નિર્ણય લેવાશે
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. છેલ્લા દોઢ વર્ષથી પણ વધુ સમયગાળાથી ઓનલાઈન ચાલી રહેલુ શિક્ષણ કાર્ય હવે ધીમે ધીમે ઓફલાઈન થઈ રહ્યું છે. તબક્કાવાર રાજ્ય સરકાર અલગ અલગ વર્ગોના વિદ્યાર્થીઓ માટે શાળાના દ્વાર ખોલી રહી છે. દરમિયાન આજે રાજકોટ જિલ્લામાં જન આશિર્વાદ યાત્રાએ નિકળેલા રાજ્ય સરકારના નવનિયુક્ત શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખોડલધામ ખાતે એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ધો.1 થી 5ના વર્ગો શરૂ કરવા માટે ગંભીર વિચારણા ચાલી રહી છે. ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લઈ લેવામાં આવશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ધો.1 થી 5ની શાળાઓ શરૂ કરવા માટે સરકાર દ્વારા એક કમીટીની રચના કરવામાં આવશે. જેમાં શિક્ષણ વિભાગના અગ્રગણ્ય અને સચિવને કમીટીના સભ્ય બનાવવામાં આવશે. ધો.1 થી 5ના વર્ગો શરૂ કરતા પૂર્વે આરોગ્ય વિભાગ અને મનોચિકિત્સક વિભાગનો અભિપ્રાય લેવામાં આવશે. કમીટીના રિપોર્ટ બાદ શાળા શરૂ કરવા માટે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. દિવાળીના વેકેશન પૂર્વે જ 1 થી 5ના વર્ગો શરૂ કરી દેવાની દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હવે કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું હોય આવામાં હાલ ધો.6 થી 9 અને 10 થી 12ના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે. જેમાં કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરાઈ રહ્યું છે. હવે ટૂંક સમયમાં ધો.1 થી 5ના વર્ગો પણ શરૂ થઈ જાય તેવા ઉજળા સંજોગો દેખાઈ રહ્યાં છે.