એસોસિએશન કાયમ માટે ઉદ્યોગકારોની પડખે ઉભુ રહ્યું છે, રહેશે: રીંગ રોડને કનેક્ટેડ અન્ય રોડ ઝડપથી બનાવવા જરૂરી: જયંતિભાઇ સરધારા
1988માં શાપર-વેરાવળ એરિયાને સરકારે પછાત જાહેર કર્યો. એ પછી ત્યાં પ્રાઇવેટ માલિકોએ ઉદ્યોગો સ્થાપવાનું શરૂ કર્યુ ને આજે ત્રણ દાયકા પછી ઉદ્યોગકારોની સાહસિકતા, સરકારનો સપોર્ટ વગેરેને કારણે શાપર-વેરાવળને રાજકોટ પંથકના બેસ્ટ ઇન્ડસ્ટ્રીયલ ઝોનનું બિરૂદ આપી શકાય એ સ્થિતિ સર્જાઇ છે. એવું શાપર-વેરાવળના અગ્રણી ઉદ્યોગકાર રમેશભાઇ ટીલારાએ જણાવ્યું.
‘અબતક’ની મુલાકાત વખતે તેમણે કહ્યું કે છેલ્લા ત્રણ દાયકામાં શાપર-વેરાવળનો સૂર્યોદય થયો છે. ખાસ કરીને ઉદ્યોગકારોની સાહસિકતાને કારણે નવા-નવા ઉદ્યોગો આવતા જાય છે તો સામા પક્ષે અમારૂં એસોસિએશન પણ ઉદ્યોગકારોને સપોર્ટ કરવા ખડેપગે રહે છે. સરકારી તંત્રમાં ક્યારેક કામ અટકતું હોય અથવા બાબુશાહીના પ્રશ્ર્નો હોય ત્યારે એસોસિએશન હંમેશા ઉદ્યોગકારને પડખે ઉભું રહે છે.
તેમણે વધુમાં કહ્યું કે છેલ્લા દોઢ વર્ષની સ્થિતિ પછી સરકારે ઉદ્યોગોને ફરીથી ધમધમતા કરવાની પરમિશન આપતાં શાપર-વેરાવળ પૂર્વવત થઇ ગયું છે. ડિમાન્ડ પણ ઘણી છે અને પ્રોડક્શન પણ વધ્યુ છે ત્યારે મેક ઇન ઇન્ડિયાની વડાપ્રધાનની યોજના અહીં સાકાર થઇ રહી છે. નિકાસની ખૂબ તક છે. સવાલ એ છે કે અમારે સારી ગુણવત્તા આપવી પડશે અને સરકાર તરફથી જે સ્કિમો દૂર કરાઇ છે તેને ફરીથી શરૂ કરાવી પડશે.
રમેશભાઇએ વધુમાં કહ્યું કે વડાપ્રધાન ગુજરાતી છે અને આપણાં ચાર મિનિસ્ટરો કેન્દ્રમાં છે ત્યારે ગુજરાત માટે ઘણી તકો ખૂલી ગઇ છે. કેન્દ્રના ઉદ્યોગમંત્રી અનુપ્રિયા પટેલને અમે મળ્યાં ત્યારે તેમણે કહ્યું કે કોઇપણ પ્રશ્ર્નોનું ઝડપી નિરાકરણ લાવવા કેન્દ્ર સરકાર તૈયાર છે.
આ તકે લોઠડા પીપળીયા ઇન્ડસ્ટ્રીયલ ઝોનના અગ્રણી જયંતિભાઇ સરધારાએ જણાવ્યું કે રાજકોટની આજુબાજુના તમામ ઇન્ડસ્ટ્રીયલ ઝોનનો ખૂબ વિકાસ થયો છે. રાજકોટના રીંગરોડને કનેક્ટ કરતા નાના રોડ વહેલી તકે બની જાય તો ઉદ્યોગકારોનો સમય બચી જાય. પહેલા રીંગરોડથી આજી અને ખોખળદળ નદીના સર્વિસ રોડ વહેલી તકે તૈયાર કરવા પડશે.