બી.યુ. પરવાનગી ન લેનાર હોસ્પિટલોને આગામી દિવસોમાં સીલ કરવા સહિતની આકરી કાર્યવાહી કરાશે
બી.યુ.પરવાનગી વિના અને ફાયર એન.ઓ.સી. વિના ધમધમતી હોસ્પિટલો સામે આકરી કાર્યવાહી કરવા અદાલત અને સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશના પગલે કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં કમ્પલીશન સર્ટીફીકેટ ન ધરાવતી 82 હોસ્પિટલો નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં આ હોસ્પિટલો સામે સીલીંગ સહિતની આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર અમીત અરોરાએ જણાવ્યું હતું કે, બી.યુ.પરવાનગી વિનાની હોસ્પિટલોને નોટિસ આપવા માટે અપાયેલા આદેશના પગલે કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા અલગ અલગ વિસ્તારમાં 82 હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં અનેક હોસ્પિટલોનું નિર્માણ પંચાયત, પાલિકા કે રૂડા વિસ્તારમાં આવતી હતી ત્યારે થઈ ગયું હોવાના કારણે તેઓ કમ્પલીશન સર્ટીફીકેટ મેળવી શકયા નથી જ્યારે અનેક હોસ્પિટલોએ માર્જીન કે પાર્કિંગની જગ્યાએ ગેરકાયદે દબાણ ખડકી દીધા છે.
માર્જીનમાં ગેરકાયદે બાંધકામ ખડકી દેનારને બી.યુ.સર્ટીફીકેટ મળી શકે તેમ નથી. બીજી તરફ પંચાયત કે પાલિકાના સમયે બાંધકામ કરનાર હોસ્પિટલોને કઈ રીતે સર્ટીફીકેટ આપી શકાય તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.આગામી દિવસોમાં તમામ હોસ્પિટલોએ બી.યુ.સર્ટીફીકેટ શા માટે મેળવ્યા નથી તેનો ખુલાસો આપવો પડશે. અન્યથા તેઓની સામે સીલીંગ સહિતની આકરી કાર્યવાહી કરવામાં આવશે.