ભારતની સંસ્કૃતિ એ વિશ્વને જે વારસો આપ્યો છે તે ભવ્ય છે. મહર્ષિ ચરક, આર્યભટ્ટથી માંડીને અર્થશાસ્ત્રનાં પ્રખર વિદ્વાન કૌટિલ્યએ પોતાનાં જ્ઞાનનો ઉપયોગ કરીને ભારતને સમૃદ્ધ બનાવ્યું. થોડીક જાહોજલાલી અને ક્ષણિક મોહમાં અટવાયેલાં રાજા-રજવાડાઓએ આ વારસાને છિન્નભિન્ન કરી નાંખ્યો. જો આજે નાલંદા અને તક્ષશિલા જેવી વિદ્યાપીઠોનું અસ્તિત્વ હોત તો તાકાત છે કોઈની કે, ભારતની સામે આંખ ઉઠાવીને પણ જોઈ શકે? જાણકારો એવું કહે છે કે પાંચમી સદીમાં બિહારમાં સ્થપાયેલ નાલંદા વિદ્યાપીઠ, અત્યારની હાર્વડ કે ઓકસફર્ડ યુનિવર્સિટી કરતાં પણ બે કદમ આગળ હતી.
10,000 વિદ્યાર્થીઓ અને 2000 શિક્ષકો ધરાવતા પરિસરમાં ‘ધર્મગંજ’ નામે ત્રણ પુસ્તક સંગ્રહાલયો આવેલા હતાં. રત્નસાગર, રત્નોદધી અને રત્નરંજક નામનાં આ ત્રણેય પુસ્તકાલયોમાં લાખોની સંખ્યામાં ખગોળશાસ્ત્ર, જીવશાસ્ત્ર, ચિકિત્સા પદ્ધતિ, રાજકારણ, ગણિતશાસ્ત્ર, કળા તેમજ યુદ્ધકળા સહિત તમામ પ્રકારનાં પુસ્તકો ઉપલબ્ધ હતા. પરંતુ બખ્તિયાર ખિલજી જેવાં ક્રુર શાસકોનાં લીધે 1193માં નાલંદા ભડકે બળી! ખિલજીએ સમગ્ર નાલંદાને આગ ચાંપી દીધી. જેથી નાલંદામાં સચવાયેલ તમામ વેદ-પુરાણ-ઉપનિષદ મહાવિદ્યાઓ નષ્ટ પામ્યાં. એવું માનવામાં આવે છે કે નાલંદાના ઉપરોક્ત ત્રણેય પુસ્તકાલયોનાં બધા પુસ્તકોને બળવામાં છ મહિના જેટલો સમય લાગ્યો હતો. જેના પરથી અનુમાન લગાવી શકાય એમ છે કે ભારતીય સંસ્કૃતિનો કેટલો ભવ્ય વારસો અહીંની પ્રજાએ ગુમાવ્યો હશે!
તક્ષશિલા વિદ્યાપીઠ (હાલનું પાકિસ્તાન)ની ગાથા પણ આવી જ કંઈક છે! તક્ષશિલા સાથે એટલા માટે ભારત વધુ જોડાયેલું છે કારણ કે કૌટિલ્ય, ચંદ્રગુપ્ત મૌર્ય, આયુર્વેદના પ્રખર જ્ઞાતા મહર્ષિ ચરકે અહીં જ વેદ અને અઢાર જાતની કલાઓનું શિક્ષણ લીધું હતું. તક્ષશિલા વિદ્યાપીઠે આપણાં દેશને ‘કૌટિલ્યનું અર્થશાસ્ત્ર’ આપ્યું છે, જેને સમજવા માટે સમગ્ર વિશ્વના દેશો મથી રહ્યાં છે!
હાર્વર્ડ યુનિવર્સિટીનાં અભ્યાસક્રમમાં રામાયણ અને ભગવદગીતા સામેલ છે. આટલી વૈચારિક સમૃદ્ધિ વચ્ચે પણ ભારતમાં રહીને અભ્યાસ કરતા વિધાર્થીઓ જોઈએ તેટલાં સક્ષમ નથી! કારણ…? ભારતની ઉચ્ચ કક્ષાની યુનિવર્સિટીઓ, જેમકે ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ તથા ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાંથી સ્નાતક થયેલ વિદ્યાર્થીઓને વિદેશી કંપનીઓ (દા.ત. ગુગલ, ફેસબુક વગેરે…) આકર્ષક-લોભામણા એન્યુઅલ પેકેજની ઓફર આપીને પોતાનાં દેશમાં ખેંચી જાય છે. આ રીતે ભારતમાંથી શિક્ષણ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓ પોતાનાં દેશની પ્રગતિમાં સહભાગી થવાનાં બદલે વિદેશી કંપનીઓમાં નોકરી કરી ત્યાં જ સ્થાયી થવાની ફિરાકમાં રહે છે, જેને આપણે ‘બ્રેઈનડ્રેઈન’નું નામ આપી શકીએ!
યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામનાં રિપોર્ટ મુજબ, આઈટી અને કમ્યુટર નિષ્ણાંતોનાં વિદેશગમનને લીધે ભારત દર વર્ષે 2 બિલિયન ડોલરની ખોટ ભોગવી રહ્યું છે! સમગ્ર એશિયાનાં દેશોમાંથી ભારત એક માત્ર એવો દેશ છે, જે દર વર્ષે હજારોની સંખ્યામાં અમેરિકાને શ્રેષ્ઠ ઈજનેર તથા વૈજ્ઞાનિકો પૂરા પાડે છે. 2003થી 2013નાં સમયગાળા દરમિયાન અમેરિકામાં વસતા ભારતીય ઈજનેર તેમજ વૈજ્ઞાનિકોની સંખ્યા 21.6 મિલિયનથી વધીને 29 મિલિયન સુધી પહોંચી હતી.
આ ઉપરાંત, ‘નેશનલ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ સ્ટેટિસ્ટિક્સ’નાં સૂત્રો મુજબ, ઉપરોક્ત દસ વર્ષનાં સમયમાં ભારતમાંથી સ્થળાંતર થયેલાં ઈજનેર તેમજ વૈજ્ઞાનિકોની સંખ્યા 3.4 મિલિયનથી વધીને 5.2 મિલિયન સુધી પહોંચી હતી. કુલ 30 મિલિયન ભારતીયો દુનિયાનાં અલગ અલગ દેશોમાં વસવાટ ધરાવે છે, જે એક વર્ષમાં 69 બિલિયન ડોલરની કમાણી કરાવી આપે છે.
બીજી બાજુ, દેશની સ્થિતિ જોતાં આપણને એવું માલુમ પડે કે હજુ પણ ભારતની 35% વસ્તી અક્ષરજ્ઞાનથી વંચિત છે. બાર ધોરણ પછી ઉચ્ચ અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણમાં ઓછી છે. માત્ર 15% વિદ્યાર્થીઓ પી.એચ.ડી. કરીને ડોક્ટરેટની ડિગ્રી મેળવે છે. ભારતનાં એક છેડેથી લઈને બીજા છેડા સુધી જોવા મળતી અસમાનતા પણ તરત નજરે ચડે તેવી છે. કેરેલામાં જયાં મહિલા શિક્ષણનું પ્રમાણ 88% જેટલું છે ત્યાં બીજી બાજુ બિહારમાં માત્ર 34% છે! પુરુષોનો ભણતરની ટકાવારી કેરેલામાં 94% અને બિહારમાં માત્ર 50% જોવા મળી છે! જો કે, આ આંકડાઓને જોઈને આપણી શિક્ષણ-સંસ્થાઓનો વાંક કાઢવો એ ભૂલ-ભરેલું ગણાશે.
સંસ્થાઓ તો ઘણી છે પરંતુ પૂરતી જાગૃતતાનાં અભાવે વ્યક્તિ અભણ રહી જાય છે અથવા તો ઓછું ભણે છે. ‘ટાઈમ્સ હાયર એજયુકેશન’ એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, એશિયાની શ્રેષ્ઠ 300 યુનિવર્સિટીમાંથી 33 સંસ્થાઓ તો માત્ર ભારતની જ છે! કુલ 7માંથી 6 ભારતીય આઈઆઈટી સંસ્થાઓએ ટોચની 100 યુનિવર્સિટીમાં પોતાનો નંબર નોંધાવ્યો છે. એશિયાની શ્રેષ્ઠ 33 ભારતીય યુનિવર્સિટીઓમાંથી 17 જેટલી તો હમણાં જ સ્થપાયેલ છે.
શિક્ષણ-સંસ્થાઓ ઉપરાંત ભારત સરકાર પણ ભણતરનું સ્તર ઉચું લાવવા માટેનાં સઘન પ્રયાસો કરી રહી છે. જાન્યુઆરી 2010માં ભારત સરકારે 44 શિક્ષણ સંસ્થાઓ પાસેથી યુનિવર્સિટીની પદવી છીનવી લીધી હતી. જેનું કારણ ત્યાંના શિક્ષણનું નિમ્ન સ્તર હતું! તદુપરાંત, ભારતમાંથી કુશળ કારીગરોને વિદેશ જતા અટકાવવા માટે મોદી સરકારે નવી જાહેરાતો કરી છે. જાન્યુઆરી, 2017માં બેંગ્લોર ખાતે ઉજવાયેલા ‘પ્રવાસી ભારતીય દિવસ’માં નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને સંબોધતાં જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓ પોતાના ઉજજવળ ભવિષ્ય ખાતર વિદેશ જવા ઈચ્છે છે, તેમને માટે વિકાસની વિવિધ તકો પુરી પાડવામાં આવશે. તેમને વધુમાં વધુ સગવડો સાથે કોઈ મુશ્કેલી ન નડે તેનું ધ્યાન રાખવામાં આવશે.
વિદેશમાં કામ કરી રહેલા ભારતીયોને ‘રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ’ હેઠળનાં વિભિન્ન પ્રોજેકટ સાથે જોડવામાં આવશે જેથી ‘બ્રેઈનડ્રેઈન’ને ‘બ્રેઇનગેઇન’માં પરિવર્તિત કરી શકાય. સ્ટાર્ટ અપ્સ ઇન્ક્યુબેશન સેન્ટર માટે ફાળવેલા બજેટમાંથી વિદેશમાં વસતા ભારતીયો તેમજ અહીંના સાહસિકો વિભિન્ન ઉદ્યોગોમાં પૈસા રોકીને ધંધો કરવા માટેની સહાય પૂરી પાડવામાં આવી રહી છે. અલબત, છેલ્લાં બે વર્ષમાં 80,000 જેટલા ભારતીયો ફરી દેશમાં પરત ફર્યા છે. જે ઘણી જ આશાસ્પદ બાબત ગણી શકાય! વિદેશોમાં કમાયેલી કરન્સી ભારતમાં લાવવાથી દેશની અર્થવ્યવસ્થા વધુ મજબૂત બને છે. ટોચની શિક્ષણ-સંસ્થાઓમાંથી સ્નાતક થયેલ વિદ્યાર્થીઓ પણ પોતાની માટીની ફરજ અદા કરવા માટે થનગનાટ અનુભવી રહ્યાં છે!
યોગેન્દ્રસિંહ નામનો 30 વર્ષનો યુવાન ‘ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ – લખનઉ’માંથી સ્નાતક થઈને પોતાના ગામ મેદીનીનગર પરત ફર્યો છે. ઝારખંડનું આ અત્યંત ગરીબ ગામડું કે જ્યાં મૂળભૂત જરૂરિયાતોનાં પણ ફાંફા છે, તેવી જગ્યાએ શિક્ષણનું સ્તર ઊંચુ લાવવા માટે યોગેન્દ્રએ ત્યાંના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવા માટે એક સંસ્થા શરૂ કરી છે, જેથી ગામનાં બાળકો પણ પોતાની જેમ આઈઆઈટી કે આઈઆઈએમ જેવી શિક્ષણ-સંસ્થામાંથી ભણતર મેળવી શકે.
ધીરે-ધીરે આપણાં ભણતરનાં સ્તરમાં સુધારો આવી રહ્યો છે. પરંતુ હજી ઘણો લાંબો રસ્તો કાપવાનો છે. વિશ્વભરમાં ભારતનો ડંકો વગાડવા માટે ફરી નાલંદા અને તક્ષશિલા જેવી વિદ્યાપીઠો ઉભી કરવી પડશે જે દેશને ચંદ્રગુપ્ત મૌર્ય, ચાણક્ય તથા મહર્ષિ ચરક જેવા પ્રખર વિદ્વાન સોંપી શકે.
તથ્ય કોર્નર
દેશની અલગ-અલગ ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં કરેલા સર્વે મુજબ, વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ભારતમાં તેમની કાર્યક્ષમતાનો મહતમ ઉપયોગ થઇ શકે તેવા કોઇ સ્કોપ ન હોવાને લીધે તેઓ યુ.કે., યુ.એસ. જઇ સુખ-સગવડોભરી જિંદગી જીવવાનું વધુ પસંદ કરે છે. જ્યારે મોટાભાગના વિદ્યાર્થીઓએ આ બાબતમાં અસહમતિ દર્શાવતા કહ્યું હતું કે કામની ગુણવતા બાબતે ભારત તથા અન્ય દેશ વચ્ચે કોઇ જ તફાવત નથી!
વાઇરલ કરી દો ને
ભારતની ખોવાયેલી લેગસી કદાચ પૂરેપૂરી પાછી ન આવી શકે પરંતુ ત્યારની તક્ષશિલા જેવી યુનિવર્સિટી બનાવવાની શરૂઆત જરૂર થઇ શકે!