44માંથી 41 બેઠક ઉપર કેસરિયો લહેરાયો, મોટાભાગના વોર્ડમાં આખી
પેનલો જીતી : કોંગ્રેસ માત્ર એક બેઠક ઉપર વિજય મેળવી
ખાતું જ ખોલાવી શકી : આપના ખાતામાં માત્ર 2 બેઠક આવી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કમલમ ખાતે એકબીજાના મો મીઠા કરાવી વિજ્યોત્સવ મનાવ્યો
અબતક, રાજકોટ : ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 10 વર્ષ બાદ ભાજપને બહુમતી મળી છે. કુલ 44 બેઠકોમાંથી ભાજપે કોંગ્રેસને કારમી હારનો સ્વાદ ચખાડીને 41 બેઠકો ઉપર કબજો હાંસલ કર્યો છે. જ્યારે કોંગ્રેસ માત્ર 1 બેઠક જ મેળવી શકી છે. સામે આપ 2 બેઠક કબ્જે કરી કોંગ્રેસથી આગળ રહ્યું છે. ભાજપે ભવ્ય જીત મેળવી હોય ગાંધીનગર ખાતે વિજ્યોત્સવ મનાવવામાં આવ્યો હતો.
ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો આખરે જાહેર થઈ ગયા છે અને ભાજપે પ્રચંડ બહુમતી સાથે સત્તા હાંસલ કરી લીધી છે.ગાંધીનગરની 44 બેઠકો પૈકી 40 બેઠકો પર ભાજપે જીત મેળવી છે.કોંગ્રેસને માત્ર 3 અને આમ આદમી પાર્ટીએ માત્ર એક બેઠક પર જીત મેળવી છે. ભાજપને 10 વર્ષમાં પહેલી વખત આ શહેરમાં સ્પષ્ટ બહુમતી મળી છે. ગુજરાતમાં પગપેસારો કરવાના સ્વપ્ન જોઈ રહેલી આમ આદમી પાર્ટી માટે આ એક મોટો ફટકો છે.બીજી તરફ ભાજપ પાસે હવે ગુજરાતના તમામ મોટા શહેરોમાં કોર્પોરેશનની સત્તા આવી ચુકી છે. ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે ઉજવણી અને ઉત્સવનો માહોલ છે.
ગાંધીનગરની ચૂંટણી માટે 56 ટકા મતદાન થયુ હતુ. ભાજપના પ્રમુખ સીઆર પાટીલ તેમજ નવા વરાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો વિષય હતી. જોકે આ લિટમસ ટેસ્ટમાં તેઓ પાસ થયા હોવાનુ દેખાઈ રહ્યુ છે.
ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. કમલમ ખાતે ભાજપે જીતનો જશ્ન મનાવ્યો હતો. સીએમ ભુપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ કમલમ પહોંચ્યા હતા. જ્યાં તેમણે એકબીજાનું મોઢું મીઠુ કરાવીને જીતની ઉજવણી કરી હતી. આ સમયે કમલમ ખાતે મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉમટી પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધુ હતું. પરંતુ આજે જેમ-જેમ પરિણામ આવતા ગયા તેમ તેમ કોંગ્રેસનો રકાસ જોવા મળ્યો. જ્યારે આમ આદમી પાર્ટીનું પણ સુરસુરિયું થઈ ગયું. 2022 ની વિધાનસભા ચૂંટણી પહેલાની આ છેલ્લી ચૂંટણી છે અને સરકારમાં નેતાગીરી બદલાયા બાદની પહેલી ચૂંટણી છે. ભાજપ માટે ગાંધીનગર જીતવું અતિ મહત્વપૂર્ણ હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો સંસદીય વિસ્તાર છે. આ જ વિસ્તારમાંથી લાલકૃષ્ણ અડવાણી 21 વર્ષ સાંસદ રહ્યા હતા. અટલ બિહારી વાજપેયી પણ ગાંધીનગરના સાંસદ રહ્યા હતા.
ભૂતકાળ જોઈએ તો વર્ષ 2011માં કોંગ્રેસના ફાળે કુલ 18 બેઠકો હતી જ્યારે ભાજપના ફાળે 15 બેઠકો આવી હતી. 44.93 ટકા મત કોંગ્રેસને મળ્યા હતા જ્યારે ભાજપને 44.20 ટકા મત મળ્યા હતા. વર્ષ 2016માં કોંગ્રેસના ફાળે કુલ 16 બેઠકો હતી જ્યારે ભાજપના ફાળે 16 બેઠકો આવી હતી. 46.93 ટકા મત કોંગ્રેસને મળ્યા હતા જ્યારે ભાજપને 44.66 ટકા મત મળ્યા હતા. કોંગ્રેસને 136055 મત મળ્યા હતા જ્યારે ભાજપને 129000 મત મળ્યા હતા.
વિધાનસભામાં તો તમામ 182 બેઠક જીતવાની છે : મુખ્યમંત્રી
ગાંધીનગર મહાનગરપાલિકામાં જંગી બહુમતી મળ્યા બાદ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિજ્યોત્સવ મનાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી પણ આ વિજ્યોત્સવમાં સામેલ થયા હતા. તેઓએ આ પ્રસંગે કહ્યુ કે, વિધાનસભામાં 182 બેઠક જીતવાની છે ત્યારે ગાંધીનગરમાં કેમ ત્રણ બેઠક ઓછી આવી તેવો પ્રશ્ન પ્રદેશ પ્રમુખે પુછ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં વિજેતા થયેલા ભાજપના તમામ ઉમેદવારોએ, પ્રજાની વચ્ચે રહીને કલ્યાણલક્ષી કામ કરવાની સલાહ આપી હતી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પેટાચૂંટણીમાં ભાજપને વિજયી બનાવવા બદલ મતદારોનો આભાર માન્યો હતો.
બીજી પાર્ટી માટે કોઈ જગ્યા જ નથી : સી.આર.પાટીલ
ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ પાટીલે કહ્યું કે જે ગાજ્યા તે વરસ્યા નહીં. ગુજરાતમાં ત્રીજી પાર્ટીને કોઇ જગ્યા જ નથી. સી.આર.પાટિલે જીત માટે બધાનો આભાર માનતા કહ્યું કે ગુજરાતના મતદાતા ભાઇ-બહેને ફરી સાબિત કરી દીધું કે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં સંપૂર્ણ વિશ્વાસ છે. ગુજરાતના મતદારોએ ફરીથી ગુજરાતના પાટનગરની સત્તા ભાજપને સોંપી છે અને ભાજપ તેમના વિશ્વાસને પૂર્ણ કરશે. ગાંધીનગરનું ક્ષેત્ર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો સંસદીય મતવિસ્તાર છે.
શાહ દ્વારા જે માવજત થાય છે અને કાર્યો થાય છે તેનું આ પરિણામ છે. શાહ સતત સંપર્કમાં હોય છે અને તેમનો સેવાકીય લાભ મળ્યો રહે છે. અમે મોદી અને શાહના આભારી છીએ. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ મંત્રીમંડળના સભ્યોએ જે અત્યાર સુધી કામ કર્યું છે તે પણ અગત્યનું છે.
આપણા નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સૌએ વધાવ્યા તેમનો પણ આભાર માનીએ છીએ. કાર્યકરોના કારણે ભાજપની ભવ્ય જીત થઇ છે. પાટીલે વધુમાં કહ્યું કે અમિત શાહના મત વિસ્તારમાં લોકોની પહેલી પસંદ ભાજપ જ છે. હું ફરી એકવખત કહેવા માંગું છું કે બીજી પાર્ટી માટે કોઇ જગ્યા જ નથી.
ગાંધીનગરમાં કોંગ્રેસ માન્ય વિપક્ષ પણ નહીં !
વિરોધ પક્ષને માન્યતા માટે જરૂરી 5 બેઠકો મેળવવામાં પણ કોંગ્રેસ નિષ્ફળ: આપ ગાજયુ તેવું વરસ્યુ નહીં
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય વાવટો આન-બાન-શાન સાથે લહેરાયો છે. 10 વર્ષમાં પ્રથમવાર ભાજપ પૂર્ણ બહુમતિ સાથે પાટનગરમાં સત્તારૂઢ થવા જઈ રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસને પ્રજાએ માન્ય વિરોધ પક્ષ બની શકે તેટલા મતો પણ આપ્યા નથી. ગાંધીનગર મહાપાલિકા વિરોધ પક્ષ વિહોણી રહેશે. ચૂંટણી પૂર્વે બહુ ગાજેલી આમ આદમી પાર્ટીને પ્રજાએ જાકારો આપ્યો છે જો કે પ્રથમવાર મહાપાલિકાની ચૂંટણી લડી રહેલી આપ ખાતુ ખોલાવવામાં ચોક્કસ સફળ થઈ છે.
ચૂંટણી પંચના નિયમ મુજબ કોઈપણ પાર્ટીને કુલ બેઠકોના 10 ટકા બેઠકો પ્રાપ્ત થાય તો જ તે વિરોધ પક્ષ બનવાની માન્યતા ધણાવે છે. ગાંધીનગરના 11 વોર્ડની 44 બેઠકમાંથી જો કોંગ્રેસ કે આપને 5 બેઠક પ્રાપ્ત થઈ હોત તો તે માન્ય વિરોધ પક્ષ બની શકત પરંતુ જનતાએ જોરદાર જાકારો આપતા કોંગ્રેસ ગાંધીનગર વિપક્ષ પણ રહ્યું નથી. માત્ર 2 બેઠકોમાં કોંગ્રેસ સમેટાયું છે. ચૂંટણીપૂર્વે એવું માનવામાં આવતું હતું કે, આમ આદમી પાર્ટી ગાંધીનગરમાં બરાબરની ટક્કર આપશે પરંતુ તેવું દેખાયું નથી.
ગાજયા મેઘ વરસ્યા નથી. આપના ફાળે માત્ર એક બેઠક આવી હતી. રાબેતા મુજબ કારમા પરાજય બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે એવો આક્ષેપ લગાવ્યો હતો કે, ભાજપ અનૈતિકતાથી ગાંધીનગરમાં ચૂંટણી જીત્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ફેબ્રુઆરી માસમાં યોજાયેલી રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપનો સ્પષ્ટ બહુમતિ સાથે વિજય થયો હતો. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ ગાંધીનગરની જનતાનો આભાર માની આપની હારનો સ્વીકાર કર્યો હતો.
જિલ્લા પંચાયતની 8 માંથી 5 અને તાલુકા પંચાયતની 47 માંથી 28 બેઠકો પર ભાજપની જીત
સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી, મધ્યસ્ત્ર અને પેટા ચૂંટણીમાં સત્તાધારી પક્ષ ભાજપ વધુ એક વખત જનતાનો વિશ્ર્વાસ સંપાદન કરવામાં સફળ રહ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો છે તો ઓખા અને થરા નગરપાલિકામાં પણ ભાજપ સ્પષ્ટ બહુમતિ સાથે વિજેતા બન્યું છે. ભાણવડ નગરપાલિકામાં 25 વર્ષના લાંબા અંતરાલ બાદ કોંગ્રેસનું શાસન આવ્યું છે.
જિલ્લા પંચાયતની 8 બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપ 5 બેઠકો પર વિજેતા બન્યું છે. જ્યારે કોંગ્રેસ 3 બેઠકો પર જીત હાસલ કરવામાં સફળ રહ્યું છે. તાલુકા પંચાયતની કુલ 47 બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં 28 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે. જ્યારે 14 બેઠકો કોંગ્રેસના ફાળે આવી છે. બે બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીત્યા જ્યારે અન્ય પક્ષના ફાળે એક બેઠક આવી છે.
ઓખા નગરપાલિકાની 36 બેઠકો પૈકી 34 બેઠકો પર જીત હાસલ કરી ભાજપે કોંગ્રેસનો સફાયો કરી નાખ્યો છે. જ્યારે થરા નગરપાલિકાની 24 બેઠકો પૈકી ભાજપના ઉમેદવારો 20 બેઠકો પર વિજેતા બન્યા છે અને કોંગ્રેસના ફાળે માત્ર ચાર બેઠકો જ આવી છે.
ભાણવડ નગરપાલિકા સુપરસીડ થયા બાદ યોજાયેલી મધ્યસ્ત્ર ચૂંટણીમાં કોંગ્રેસ 25 વર્ષ બાદ ભાણવડમાં સત્તા સુખ હાસલ કરવામાં સફળ રહ્યું છે. ભાણવડ પાલિકાની 24 બેઠકો પૈકી 16 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો વિજેતા થયા જ્યારે 8 બેઠકો ભાજપના ફાળે આવી છે.
ઓખા અને થરા પાલિકામાં કેસરિયો છવાયો,ભાણવડમાં 25 વર્ષ બાદ કોંગ્રેસ આવી
ત્રણેય નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો જાહેર : ઓખામાં ભાજપે 34- કોંગ્રેસે 2, થરામાં ભાજપે 20- કોંગ્રેસે 4 અને ભાણવડમાં ભાજપે 8 – કોંગ્રેસે 16 બેઠક કબ્જે કરી
અબતક, રાજકોટ : રાજ્યની ત્રણ નગરપાલિકાઓની સામાન્ય ચૂટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. જેમાં ઓખા અને થરા નગરપાલિકામાં ભાજપે બહુમતી હાંસલ કરી છે. જ્યારે ભાણવડ નગરપાલિકામાં 25 વર્ષ બાદ કોંગ્રેસે બહુમતી મેળવી છે. આમ બે નગરપાલિકામાં ભાજપ અને એક નગરપાલિકામાં કોંગ્રેસનો વિજય થયો છે.
બનાસકાંઠાની થરા , દેવભૂમિ દ્વારકાની ભાણવડ અને ઓખા નગરપાલિકાનું પરિણામ આજે જાહેર થયુ છે. જેના માટે સવારે 9 વાગ્યાથી મત ગણતરી શરૂ કરવામાં આવી હતી. થરા નગરપાલિકાના 5 વોર્ડ, ભાણવડના 6 વોર્ડ અને ઓખા પાલિકાના 9 વોર્ડનું ચૂંટણીનું પરિણામ બપોર સુધીમાં જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરિણામ જાહેર થતા જ ઓખા અને થરામાં ભાજપમાં ખુશી છવાઈ ગઈ હતી. જ્યારે ભાણવડમાં ભાજપમાં ગમ છવાયો હતો.
થરા પાલિકાના મતદાન બાદ 5 વોર્ડના 48 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થયું હતું. જેની આજરોજ કાંકરેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવ્યા બાદ પરિણામ જાહેર કર્યું હતું. જેમાં 24 બેઠકો પૈકી ભાજપે 20 અને કોંગ્રેસે 4 બેઠકો ઉપર વિજય હાંસલ કર્યો હતો. આમ ભાજપે બહુમતી સાથે વિજય મેળવતા ભાજપ કાર્યાલયે ઉજવણીનો માહોલ છવાયો હતો.
ભાણવડ નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકનું પરિણામ જાહેર થયું હતું. જેમાં કોંગ્રેસે 16 બેઠકો ઉપર જ્યારે ભાજપે 8 બેઠકો ઉપર વિજય મેળવ્યો હતો. અહીં 25 વર્ષ બાદ નગરપાલિકામાં કોંગ્રેસની બહુમતી થઈ છે.
જેથી 25 વર્ષ બાદ કોંગ્રેસ નગરપાલિકાની ધૂરા સંભાળશે. ઓખા પાલિકાના 9 વોર્ડની 36 બેઠકનું પરિણામ આવશે. ઓખા પાલિકાની 2 બેઠક બિનહરીફ થઈ છે. આજના પરિણામમાં 36 બેઠકો પૈકી 34માં ભાજપનો વિજય થયો હતો. જ્યારે 2 બેઠકમાં કોંગ્રેસનો વિજય થયો હતો. ભાજપે કોંગ્રેસને કારમી હારનો સ્વાદ ચખાડ્યો હોય શહેરમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરી વિજ્યોત્સવ મનાવવામાં આવ્યો હતો.
કમલમ ખાતે સાંજે જનતા જનાર્દન અભિવાદન સમારોહ
ગાંધીનગર અને કર્ણાવતીની ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થતા પ્રદેશ ભાજપ દ્વારા આજે સાંજે 5 કલાકે જનતા જનાર્દન અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી તથા કર્ણાવતીમહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની પેટાચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો છે. જેના પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કમલમ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓ જીતની ઉજવણીમાં સામેલ થયા હતા. આ વેળાએ બન્ને નેતાઓએ ભાજપના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
વધુમાં આ જીતને લઈને પ્રજાનો આભાર માનવા માટે પ્રદેશ ભાજપ દ્વારા આજે સાંજે 5 કલાકે જનતા જનાર્દન અભિવાદન સમારોહનું કમલમ ખાતે આયોજન કર્યું છે.જેમાં પ્રદેશ કક્ષાના નેતાઓ તથા સ્થાનિક નેતાઓ ઉપરાંત કાર્યકરો તેમજ જાહેર અગ્રણીઓ સહિતના ઉપસ્થિત રહેવાના છે.