આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કોર્પોરેશન દ્વારા ફ્રીડમ થ્રુ ટેકનોલોજી અંગે સેમિનાર યોજાયો
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજકોટ મહાનગર પાલિકાના નાનામવા સર્કલ પર આવેલ આઈસીસીસી ખાતે “ફ્રીડમ થ્રુ ટેકનોલોજી” અંગે એક સેમીનાર યોજાયો હતો. આ સેમિનારમાં રાજકોટ શહેરનાં જુદી જુદી કોલેજનાં પ્રોફેસરો / લેકચરર તથા વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. આ સેમિનારમાં રાજકોટ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લી.નાં સીઈઓ તેમજ ડેપ્યુટી કમિશ્નર ચેતન નંદાણી, ડાઈરેક્ટર (આઈ.ટી. વિભાગ) સંજય ગોહેલ તથા આસીસ્ટન્ટ મેનેજર વત્સલ પટેલ તેમજ કર્મચારીઓ પણ હાજર રહેલ હતા.
આ ઉપરાંત આ સેમિનારમાં ઉપસ્થિત સમુદાયને આ પ્રોજેક્ટની ઉપયોગીતા અંગે માહિતી આપતા નાયબ કમિશનર ચેતન નંદાણીએ જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારનાં સહયોગ સાથે સ્માર્ટ સિટી મિશનનાં પ્રોજેક્ટ હેઠળ આઈ-વે પ્રોજેક્ટ હેઠળ સમગ્ર રાજકોટ શહેરમાં 1000 જેટલા સીસીટીવી કેમેરાનું વિશાળ નેટવર્ક ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. સેઈફ એન્ડ સિક્યોર રાજકોટનાં ક્ધસેપ્ટ સાથેનાં આ પ્રોજેક્ટ હેઠળ ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટર બનાવવામાં આવેલ છે.
આઈ-વે પ્રોજેક્ટ શહેરમાં ઇન્સીડન્ટ મેનેજમેન્ટમાં ખુબ જ મદદરૂપ પૂરવાર થઇ રહેલ છે. વાવાઝોડા અને ભારે વરસાદના પડકારૂપ સંજોગોમાં સમગ્ર શહેરની સ્થિતિ પર સતત નજર રાખી આવશ્યકતા અનુસાર ત્વરિત પગલાં લઈ શકાય છે. શહેરમાં વિવિધ સ્થળોએ પોતાના સંકુલ અને પ્લોટ ધરાવે છે.
આ સંજોગોમાં એસ્ટેટ મેનેજમેન્ટની કામગીરીમાં પણ આઈ-વે પ્રોજેક્ટ ઉપયોગી થઇ રહયો છે. સાથો સાથ શહેર પોલીસને ગુન્હાની તપાસમાં તેમજ શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં પણ આ પ્રોજેક્ટ એટલો જ મદદરૂપ થઇ રહયો છે.
સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ હાલ ફેઇઝ-2માં શહેરમાં વિવિધ સ્થળોએ સ્માર્ટ બસ સ્ટોપ બનાવવામાં આવેલ છે. મનપાની આ પહેલને નાગરિકો દ્વારા ખુબ સારો પ્રતિસાદ સાંપડી રહયો છે. સાથોસાથ બી.આર.ટી.એસ. બસ સ્ટોપ ખાતે ટર્નસ્ટાઈલ ગેઈટ બનાવવામાં આવ્યા છે. તો શહેરમાં વિવિધ સ્થળોએ એલ.ઈ.ડી. સ્ક્રીન અને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ કાર્યરત છે.હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ડિજિટલ હાઈ-વે અંગેની કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે.