ગાંધીજીનો રાજકોટ સાથે અભુતપૂર્વ નાતો, બચપનના દિવસો અહીં વીતાવેલા
ગાંધી મ્યુઝીયમ, કબાગાંધીનો ડેલો, રાષ્ટ્રીય શાળા, કિશોરસિંહજી શાળામાં આજે પણ ગાંધીબાપુના સંસ્મરણો સચવાયેલા છે
બેરીસ્ટર દલપતરામ શુકલા સાથે કરેલો પત્રવ્યવહાર, લખેલા પોસ્ટકાર્ડ લોકોને આશ્ર્ચર્ય પમાડે છે
રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને યાદ કરતા જ આપણી સમક્ષ એક સેવાભાવી સંત, સત્યના પુજારી, અહિંસાના ઉપાસક, એક વિશ્ર્વમાનવનું ચિત્ર ઉપસી આવે છે. વિશ્ર્વવિભૂતિ ગાંધીજીનો જન્મ તા.2 ઓકટોબર 1869ના રોજ પોરબંદરમાં થયો હતો. પૂ.બાપુએ પોતાના બચપનના મહત્વના દિવસો સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં વીતાવેલા પિતા કરમચંદ ગાંધીનું કુટુંબ પોરબંદરથી રાજકોટ આવતા પૂ.બાપુએ પોતાનું પ્રાથમિક શિક્ષણ અહીં જ પૂર્ણ કરેલું. ‘માસ જીવન એ જ મારો સંદેશ’ સુત્ર આપનાર ગાંધીજીના અનેક સંસ્મરણો આજે પણ રાજકોટમાં સચવાયેલા છે.
ગાંધીજીની યાદ અપાવતી વિશિષ્ટ જગ્યાઓ ગાંધી મ્યુઝીયમ, કબા ગાંધીનો ડેલો, રાષ્ટ્રીય શાળા, કિશોરસિંહજી શાળા વગેરે વિશ્ર્વ ફલક ઉપર સ્થાન ધરાવે છે. રાજકોટ આવનાર દેશ-વિદેશના પ્રવાસીઓ અચુક અત્રેના આ સ્થળોની મુલાકાત કરે છે.
ગાંધીજી અહીંસાના આગ્રહી હતા. આવી આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ પણ 2 ઓકટોબરના રોજ ગાંધીજીની જન્મજયંતિ નીમીતે જ ઉજવવામાં આવે છે. ભારતને આઝાદી તરફ દોરી જવામાં મદદ કરનાર મહાત્મા ગાંધી વિશ્ર્વભરમાં નાગરિક અધિકાર અને સામાજિક પરિવર્તન માટે અહિંસક આંદોલન માટે પ્રેરણારૂપ છે. તેમના સમગ્ર જીવન દરમિયાન, દમનકારી પરિસ્થિતિઓમાં અને મોટેભાગે અનિર્ણનીય પડકારોનો સામનો કરીને પણ ગાંધી અહિંસા પ્રત્યેની તેમની માન્યતા માટે કટિબદ્ધ રહ્યાં.
કબાગાંધીનો ડેલો: રાજકોટનો કબા ગાંધીનો ડેલો એ મહાત્મા ગાંધીનું 1915 સુધી મુળ કુટુંબ નિવાસ સ્થાન હતું. રાજકોટના રાજવીએ સન 1881માં પિતા કરમચંદ ગાંધીને મોંઘામાં મોંઘો ગણી શકાય એવા કિંમતી પ્લોટની ઓફર કરી પરંતુ કરમચંદજીએ અડધો પ્લોટ સ્વીકાર્યો, આ પ્લોટ ઉપર મકાન બનાવ્યું અને તે સ્થળ એટલે હાલ ઘી કાંટા રોડ ઉપર આવેલ રાજકોટનો કબા ગાંધીનો ડેલો મોહનથી મહાત્મા બનનાર બાપુના સંસ્કારોનું સિંચન કબાગાંધીના ડેલામાંથી થયેલું. રાજકોટના રૈયા ટાવર નજીક આવેલ શાળા નં.5માં ગાંધીજીએ ચોથા ધોરણ સુધી અભ્યાસ કરેલો. ધો.5 થી 10 સુધી કાઠિયાવાડ સ્કૂલમાં ભણેલા. આ સ્કૂલ એટલે અંગ્રેજોના જમાનાની આલ્ફેડ હાઈસ્કૂલ અને હાલ વિશ્ર્વ વિખ્યાત મોહનદાસ ગાંધી વિદ્યાલય તરીકે ઓળખાય છે.
અત્રે વાંચકોને ખાસ માહિતી આપવાની છે કે, કબાગાંધીના ડેલાનો ઓરિજનલ દસ્તાવેજ આજ સુધી ક્યારેય જાહેર જનતાને અખબાર, મેગેઝીન જોવા મળ્યો નથી તે આજે અહીં પ્રસ્તુત કરાયો છે. કબાગાંધીના ડેલાનો ઓરિજનલ દસ્તાવેજ સન 1911માં પૂ.બાપુએ તેમના પાકા મિત્ર અને બેરીસ્ટર દલપતરામ શુકલાને સોંપેલો જે સરકાર પાસે કે તેમના પરિવારજનો પાસે પણ ક્યારેય હાથ લાગ્યો નથી. હાલ આ દસ્તાવેજ દલપતરામ શુકલાના પ્રપૌત્ર દિપભાઈ શુકલા પાસે સચવાયેલો છે.
રાષ્ટ્રીય શાળા: ગાંધીજી તેમની જન્મભૂમિ કરતા રાજકોટને વધારે પ્રેમ કરતા હતા. રાષ્ટ્રીય શાળામાં પણ ગાંધીજીના અનેક સંસ્મરણો આજે પણ મોજુદ છે. હિન્દુસ્તાનને અંગ્રેજોની ગુલામીમાંથી છોડાવવા માટે જે અહિંસક સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલતો હતો તેમાં 1920ની સાલમાં મહાત્મા ગાંધીએ દેશ સમક્ષ સલતનત સાથે અસહકાર કરવાનો કાર્યક્રમ આપ્યો હતો. સરકારી નોકરીઓ, અદાલતો અને સરકારી શિક્ષણ સંસ્થાઓ જોડવાનો તેમને આદેશ આપ્યો હતો. આ દેશની સાથે સાથે ગાંધીજીએ રાષ્ટ્રીય શિક્ષણ આપવા માટે અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી તેને પગલે પગલે દેશના અન્ય ભાગોમાં પણ નાની-મોટી રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાઓ સ્થપાઈ. રાષ્ટ્રીય શાળા તેમાની એક સંસ્થા છે. ઈ.સ.1921ની ફેબ્રુઆરી માસની 1લી તારીખે રાજકોટના એક ભાડાના મકાનમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના થઈ. 1924થી આજે પણ રાષ્ટ્રીય શાળાની વિવિધ પ્રવૃતિઓ તેના પોતાના મકાનમાં ચાલે છે. જે તે સમયે ગાંધીજીએ રાષ્ટ્રીય શાળા સહિત રાજકોટ માટે 1.18 લાખનો કરેલો અને રાષ્ટ્રીય શાળાનું નિર્માણ થયેલું.
કિશોરસિંહજી શાળા: કિશોરસિંહજી પ્રાથમિક શાળામાં મહાત્મા ગાંધીજીએ ધો.3 અને 4માં અભ્યાસ કરેલો જે હાલ શહેરના કોઠારીયા નાકા પાસે શાળા નં.1 તરીકે ઓળખાય છે. ગાંધીજી ઉપરાંત અને વિદ્વાનો, મહાનુભાવોએ શાળામાં પોતાનો અભ્યાસ કરેલો. કિશોરસિંહજી શાળા નં.1માં પણ આજે અનેક બાળકો સારી ગુણવત્તાવાળુ શિક્ષણ મેળવી રહ્યાં છે. આ શાળામાં ગાંધીજીના વિચારો, ગાંધીજીની કામગીરીથી વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય, શીખે તે માટે ગાંધીજીના સંસ્મરણોરૂપે દિવાલો પર અનેક ચિત્રો મુકેલા છે. જે બાળકોને અલગ પ્રેરણા પૂરી પાડે છે.
ગાંધી મ્યુઝીયમ: ગાંધી મ્યુઝીયમથી કોણ પરિચીત નહિ હોય ? રાજકોટની ઓળખ બનેલું ગાંધી મ્યુઝીયમ વિશ્ર્વભરમાં પ્રચલિત છે. રૂા.26 કરોડના ખર્ચે આલ્ફેડ હાઈસ્કૂલને મહાત્મા ગાંધી મ્યુઝીયમ તરીકે તૈયાર કરાયું છે. આ મ્યુઝીયમનું લોકાર્પણ થોડા વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાયું હતું. ગાંધી મ્યુઝીયમ એ એક સંગ્રહાલય છે. ગાંધી મ્યુઝીયમની ખાસિયત એ છે કે, તેમાં ગાંધીજીના જીવનના અંતથી લઈને ઈતિ સુધીના તમામ પ્રસંગો જોવા મળે છે. તેનું નિરૂપણ આધુનિક રીતે ટેકનોલોજીની મદદથી કરાયું છે. રાજકોટનું આ મ્યુઝીયમ દેશ-વિદેશના પર્યટકો નિહાળવા આવે છે. મ્યુઝીયમમાં મલ્ટી મીડિયા મીની થિયેટર, મોશન ગ્રાફિક્સ એનિમેશન, થ્રીડી પ્રોજેકશન, મલ્ટિપલ સ્ક્રીન્સ, વિશાળ વીડિયો આર્ક વોલ, મોન્યુમેન્ટલ લાઈટીંગ સહિતની ટેકનોલોજીનો ઉપયોગ કરાય છે.