જય વિરાણી, કેશોદ
સૌરાષ્ટ્ર પર અવકાશી આફત આવી પડી છે. ગુલાબ વાવાઝોડાની અસરતળે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ વરસ્યો છે. મોટા ભાગના વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે. ત્યારે કેશોદમાં ચોતરફ જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. થોડા સમય પહેલાંના પુર કરતાં 1 ફુટ ઊંચો પાણીનો પ્રવાહ દેખાઈ રહ્યો છે.
કેશોદ તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓઝત અને સાંબલી નદીમા ઘોડા પુર આવ્યું છે. નદીઓ બે કાંઠે થતાં ધેડ પંથકના અનેક ગામેા સંપર્ક વિહોણા બન્યા છે. રસ્તાઓ પર પાણી ભરવાને કારણે વાહન-વ્યવહાર ખોરવાયો છે.
કેશોદમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે ત્યારે બામણાસા નજીક ઓઝત નદીનાં વહેણમાં ડૂબતાં દીપડાનો જીવ બચાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દિપડો તણાઈને ચડી આવ્યાંનાં સમાચાર મળતાં આ પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. ઓઝત નદીનાં વહેણમાં દીપડો તણાતો હોય ત્યારે ખેડૂતો ચીસાચીસ કરતાં હતાં. ત્યારબાદ વનવિભાગને જાણ કરવામાં આવતા તપાસ હાથ ધરવામાં આવી છે.