વિવિધ જન સમુદાયને જોડી શહેરભરમાં સરકારી કચેરીઓ, શાળા, શાકમાર્કેટ, વોર્ડ ઓફિસમાં સફાઈ હાથ ધરાશે: પદાધિકારીઓની જાહેરાત
આઝાદીના 75 વર્ષની ઉજવણી અંતર્ગત હાલ દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટસ દ્વારા ક્લીન ઈન્ડિયા અભિયાન અંતર્ગત જન જાગૃતિ અર્થે ગાંધી જયંતિથી 31 ઓકટોબર સુધી વિવિધ સમુદાયને સાથે રાખી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા ઝુંબેશ યોજાશે તેવી જાહેરાત આજે મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટે.કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ.કમિશનર અમિત અરોરા, સેનીટેશન ચેરમેન અશ્ર્વિનભાઈ પાંભર અને આરોગ્ય સમીતીના ચેરમેન ડો.રાજેશ્ર્વરીબેન ડોડીયાએ કરી છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, બીજી ઓકટોબર અર્થાત ગાંધી જયતિના દિવસે રેસકોર્સ ખાતે પ્લોટીંગ રન યોજાશે. 3જી ઓકટોબરના રોજ ધાર્મિક સંસ્થાના વડાઓ તેમજ તેમના અનુયાયીઓ દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડની સફાઈ કરવામાં આવશે. 5મીના રોજ કોર્પોરેટ સેકટરને સાથે રાખી વોર્ડ નં.12માં વાવડી ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં સફાઈ ઝુંબેશ હાથ ધરાશે. 7મીના રોજ સ્પોર્ટસ સાથે સંકળાયેલા વ્યક્તિને સાથે રાખી રેસકોર્સ ગ્રાઉન્ડની સફાઈ કરાશે. 9મીના રોજ રેલ્વે ઓફિસ અને તેના સ્ટાફ દ્વારા જંકશન રેલવે સ્ટેશનની સફાઈ કરવામાં આવશે.
10મીએ પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારીને સાથે રાખી પોલીસ હેડ કવાર્ટરના ગ્રાઉન્ડની સફાઈ કરાશે તેમજ 12મીએ રાજકીય આગેવાનો દ્વારા દરેક વોર્ડ ઓફિસ વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરાશે. 14મીએ એનજીઓ અને એસએચજી ગ્રુપને સાથે રાખી પ્રદ્યુમન પાર્ક અને રાંદરડા તળાવની સફાઈ, 19મીએ બિઝનેશ કોમ્યુનિટી વેપારી મંડળને સાથે રાખી વોર્ડ નં.15માં આજી જીઆઈડીસીમાં સફાઈ હાથ ધરવામાં આવશે.
21મીએ મહિલા મંડળો દ્વારા આજી ડેમ વિસ્તારમાં, 23મીએ શિક્ષકો દ્વારા દરેક સ્કૂલના કેમ્પસમાં, 24મીએ ફિલ્મ તથા ટીવી ઈન્ડસ્ટ્રીઝના કલાકારોને સાથે રાખી રેસકોર્સ સંકુલમાં 26મીએ ફોરેસ્ટ વિભાગને સાથે રાખી પ્રદ્યુમન પાર્ક વિસ્તારમાં, 28મીએ ટેલીકોમ અને પોસ્ટ વિભાગને સાથે રાખી જ્યુબીલી શાકમાર્કેટ વિસ્તારમાં જ્યારે 30મીએ પબ્લિક સેકટર યુનિટમાં સ્ટાફને સાથે રાખી જ્યુબીલી ગાર્ડન વિસ્તારમાં અને 31મીએ એનસીસીને સાથે રાખી આજી મેદાનમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવશે.
દરેક નાગરિક સફાઈ ઝુંબેશમાં સહભાગી થાય અને લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.